હિન્દી ફિલ્મોના દિગ્ગજ અભિનેતા, ડિરેક્ટર અને પટકથા લેખક સતીષ કૌશિકનું ગુરુવારે વહેલી સવારે 67 વર્ષની વયે અચાનક અવસાન થયું છે. તેમનું અવસાન હાર્ટ અટેકને કારણે થયું હોવાના પ્રારંભિક અહેવાલ આવી રહ્યા છે. ગુરુગ્રામ ખાતેની ફોર્ટિસ હોસ્પિટલમાં તેમના પાર્થિવ દેહને રખાયો છે. પોસ્ટ મોર્ટમ બાદ તેમના દેહને મુંબઈ લાવવામાં આવશે. પરંતુ સોશિયલ મીડિયા પર તેમના ફિલ્મ ઇન્ડસ્ટ્રીના મિત્રો તથા ચાહકોમાં આઘાત અને શોકનું મોજું ફરી વળ્યું છે. પાછલાં 45 વર્ષથી તેમના જિગરજાન દોસ્ત રહેલા એક્ટર અનુપમ ખેરે આ સમાચાર આપતાં હિન્દીમાં ટ્વીટ કરતાં લખ્યું કે, ‘હું જાણું છું કે મૃત્યુ જ જીવનનું પરમ સત્ય છે, પરંતુ મારા જિગરી દોસ્ત સતીષ કૌશિક વિશે આવું લખીશ એ ક્યારેય સપનામાં પણ વિચાર્યું નહોતું. 45 વર્ષની મૈત્રી પર અચાનક આ રીતે પૂર્ણવિરામ. તારા વિનાનું જીવન હવે ક્યારેય પહેલાં જેવું નહીં હોય. ઓમ શાંતિ.’
जानता हूँ “मृत्यु ही इस दुनिया का अंतिम सच है!” पर ये बात मैं जीते जी कभी अपने जिगरी दोस्त #SatishKaushik के बारे में लिखूँगा, ये मैंने सपने में भी नहीं सोचा था।45 साल की दोस्ती पर ऐसे अचानक पूर्णविराम !! Life will NEVER be the same without you SATISH ! ओम् शांति! 💔💔💔 pic.twitter.com/WC5Yutwvqc
— Anupam Kher (@AnupamPKher) March 8, 2023
હજુ બે દિવસ પહેલાં જ જાવેદ અખ્તરના ઘરે હર્ષોલ્લાસ ભેર હોળી ઉજવી તેની તસવીરો તેમણે સોશિયલ મીડિયા પર શૅર કરી હતી. ત્યાં આ દુઃખદ સમાચાર સામે આવ્યા છે.
Colourful Happy Fun #Holi party at Janki Kutir Juhu by @Javedakhtarjadu @babaazmi @AzmiShabana @tanviazmi.. met the newly wed beautiful couple @alifazal9 @RichaChadha.. wishing Happy Holi to everyone 🌹🌹🌹🌺🌺🌺🌺 #friendship #festival #Holi2023 #colors pic.twitter.com/pa6MqUKdku
— satish kaushik (@satishkaushik2) March 7, 2023
સતીષ કૌશિક બોલિવૂડના પ્રખ્યાત અભિનેતા, કોમેડિયન, સ્ક્રિપ્ટ રાઈટર, ડિરેક્ટર અને પ્રોડ્યુસર હતા. એક ફિલ્મ અભિનેતા તરીકે સતીશ કૌશિકને 1987માં આવેલી ફિલ્મ ‘મિસ્ટર ઈન્ડિયા’થી ઓળખ મળી હતી.
Completely shocked to read this ! What a great loss for all of us and his family! Condolences to his family & friends!May you rest in peace Satish Bhai ! https://t.co/IGJqVK3Hgk
— manoj bajpayee (@BajpayeeManoj) March 9, 2023
‘જાને ભી દો યારોં’થી એક્ટિંગની શરૂઆત
13 એપ્રિલ 1956ના રોજ હરિયાણાના મહેન્દ્રગઢમાં જન્મેલા સતીષ કૌશિક કૌશિકે દિલ્હીની ‘નેશનલ સ્કૂલ ઑફ ડ્રામા’ તથા પુણેની ‘ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા’ જેવી ખ્યાતનામ સંસ્થાઓમાં અભ્યાસ કર્યો હતો. 1983માં આવેલી કુંદન શાહની કલ્ટ ક્લાસિક કોમેડી ફિલ્મ ‘જાને ભી દો યાર��ં’થી તેમણે પોતાની અભિનય કારકિર્દીની શરૂઆત કરી હતી. એ જ વર્ષે એમણે અનીલ કપૂર સાથેની ‘વો સાત દિન’, શેખર કપૂરની ‘માસૂમ’ અને શ્યામ બેનેગલની ‘મંડી’ જેવી ફિલ્મોમાં પણ અભિનય કર્યો હતો. અભિનેતા તરીકે ‘મિ. ઇન્ડિયા’, ‘સ્વર્ગ’, ‘જમાઈ રાજા’, ‘સાજન ચલે સસુરાલ’, ‘દીવાના મસ્તાના’, ‘બડે મિયાં છોટે મિયાં’, ‘હમારા દિલ આપકે પાસ હૈ’, ‘હદ કર દી આપને’, ‘દુલ્હન હમ લે જાયેંગે’ જેવી અઢળક ફિલ્મોમાં જોવા મળ્યા હતા. છેલ્લે તેઓ રિશિ કપૂર જેને અધૂરી મૂકીને અવસાન પામેલા તે ફિલ્મ ‘શર્માજી નમકીન’ અને અનિલ કપૂર સાથેની ‘થાર’માં તથા નુસરત ભરૂચાની ફિલ્મ ‘છત્રીવાલી’માં જેવા મળ્યા હતા. તેમની કંગના રણૌત અભિનીત પિરિયડ ફિલ્મ ‘ઇમર્જન્સી’ હજુ રિલીઝ થવાની બાકી છે, જેમાં તેમણે ‘બાબુ જગજીવન રામ’ની ભૂમિકા ભજવી છે. ત્રણ વર્ષ પહેલાં આવેલી પ્રતીક ગાંધીની ‘સ્કેમ 1992’માં પણ તેમનો અભિનય વખણાયો હતો. આવનારા દિવસોમાં તેઓ રાજ એન્ડ ડીકે દ્વારા બનાવાઈ રહેલી સિરીઝ ‘ગન્સ એન્ડ ગુલાબ્સ’માં જોવા મળશે. જે હવે તેમની છેલ્લી યાદગીરીઓ બનીને રહી જશે.
‘તેરે નામ’ના ડિરેક્ટર
સતીષ કૌશિકે 1993માં અનિલ કપૂર-શ્રીદેવી સ્ટારર મોંઘીદાટ ફિલ્મ ‘રૂપ કી રાની ચોરોં કા રાજા’ ડિરેક્ટ કરી હતી, જે સુપરફ્લોપ રહી હતી. એ પછી એમણે ‘હમ આપકે દિલ મેં રહતે હૈ’, ‘હમારા દિલ આપકે પાસ હૈ’, ‘મુઝે કુછ કહના હૈ’, ‘તેરે નામ’, ‘કાગઝ’ જેવી ફિલ્મો બનાવી હતી.
1990માં આવેલી સુભાષ ઘઈની ફિલ્મ ‘રામ-લખન’ અને 1997ની ગોવિંદા સાથેની ડેવિડ ધવનની ફિલ્મ ‘સાજન ચલે સસુરાલ’ માટે કૌશિકને બેસ્ટ કોમેડિયનનો ફિલ્મફેર અવૉર્ડ મળ્યો હતો.
સતીષ કૌશિકના પરિવારમાં તેમનાં પત્ની શશિ કૌશિક અને એક દીકરી વંશિકા છે. 1996માં એમનો દીકરો શાનુ કૌશિક માત્ર બે વર્ષની ઉંમરે અવસાન પામ્યો હતો. દીકરી વંશિકા અત્યારે માત્ર 11 વર્ષની છે, જેનો જન્મ 2012માં સરોગસીથી થયો હતો.