રશિયન ન્યૂઝ એજન્સીના દાવા અનુસાર યૂક્રેનમાં હાલમાં લગભગ 12 હજાર ચેચેન લડવૈયા હાજર
રશિયા અને યૂક્રેન જંગ વચ્ચે હાલમાં ચેચેન ફોર્સની ચર્ચા પણ થઇ રહી છે. ચેચેન ફોર્સ દક્ષિણ રશિયામાં આવેલા નાનકડા દેશ ચેચેન્યાના લડવૈયાઓ છે. નોંધનીય છે કે ચેચેન્યા હાલમાં રશિયન ફેડરેશનનો હિસ્સો છે. ચેચેન્યાના પ્રેસિડેન્ટ રમઝાને યૂક્રેનમાં ચેચેન લડવૈયાઓને મોકલવાની જાહેરાત કરી છે. જો કે યૂક્રેનમાં હાલમાં ચેચેન ફોર્સના કેટલા લડવૈયા છે તેની ચોક્કસ સંખ્યા તો જાહેર થઇ નથી પણ રશિયન ન્યૂઝ એજન્સીના દાવા અનુસાર યૂક્રેનમાં હાલમાં લગભગ 12 હજાર ચેચેન લડવૈયા હાજર છે અને તેઓ પુતિનના આદેશનું પાલન કરી રહ્યા છે.
અહેવાલો અનુસાર રશિયાએ ચેચેન ફોર્સને યૂક્રેનના ટોચના અધિકારીઓની એક યાદી આપેલી છે અને આ અધિકારીઓને પકડીને રશિયાને હવાલે કરવા જણાવાયું છે, જો આ અધિકારીઓ ધરપકડનો વિરોેધ કરે તો તેમને ખતમ કરવાના પણ આદેશો અપાયેલા છે.
વાસ્તવમાં ચેચેન ફોર્સ ચેચેન્યાની ફેડરલ ગાર્ડ સર્વિસની દક્ષિણ બટાલિયનના લડવૈયાઓ છે. તેમાં હજારો લડવૈયા તૈયાર કરવામાં આવે છે. અહેવાલો અનુસાર આ લડવૈયાઓ મોટાભાગે જંગલમાં જ રહે છે અને પોતાની ક્રૂરતા માટે જાણીતા છે. માનવામાં આવે છે કે રશિયન પ્રેસિડેન્ટે આ લડવૈયાઓને યૂક્રેનમાં મનોવૈજ્ઞાનિક દબાણ વધારવા માટે મોકલ્યા છે. અહેવાલોમાં ત્યાં સુધી દાવો કરવામાં આવે છે કે આ લડવૈયાને યૂક્રેનના પ્રેસિડેન્ટ વોલોદિમિર ઝેલેસ્કીને પકડવા અથવા તેની હત્યા કરવાનો આદેશ આપી દેવાયો છે.
ચેચેન્યા દેશ પૂર્વિય યુરોપના કોક્સ ક્ષેત્રના ઉત્તરીય ભાગમાં આવેલો છે. ચેચેન્યા આજે ભલે રશિયન ફેડરેશનનો ભાગ હોય પણ ક્યારેક ચેચેન્યાના લડવૈયા રશિયાની વિરુદ્ધ હતા. 1919થી ચેચેન્યા રશિયાથી આઝાદ થવા લડતું હતું પણ 1991માં સોવિયેત સંઘ તૂટયું ત્યારે ચેચેન્યા આઝાદ થઇ ગયું. જો કે માર્ચ 2003માં ચેચેન્યામાં લોકમત માંગવામાં આવ્યો જેમાં મોટાભાગના લોકોએ ચેચેન્યાને રશિયન ફેડરેશનનો હિસ્સો બનાવવાની તરફેણમાં મત આપ્યો હતો.