આજે પણ અવકાશ એ વૈજ્ઞાનિકો માટે એક વણઉકેલાયો કોયડો છે. અંતરિક્ષને વધુ સારી રીતે સમજવા માટે દુનિયાભરના વૈજ્ઞાનિકો તેની દરેક ચાલ પર નજર રાખી રહ્યા છે. અંતરિક્ષ વિશે જાણવાની જેટલી ઝંખના હોય છે એની સાથે એટલું જ જોખમ પણ જોડાયેલું હોય છે. તેવામાં 1.3 કિલોમીટરની સાઈઝ ધરાવતો એક ઉલ્કાપિંડ 138971 (2001 CB21)વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યો છે, જે ખૂબ જ ઝડપથી પૃથ્વી તરફ આગળ વધી રહ્યો છે. 4 માર્ચ સુધીમાં એ પૃથ્વીની નજીકથી પસાર થાય એવી સંભાવનાઓ વૈજ્ઞાનિકો વ્યક્ત કરી રહ્યા છે.
ઘણીવાર આપણને આવી ઘણી ખગોળીય ઘટનાઓ સાંભળવા અને જોવા મળે છે, જે પૃથ્વી માટે સંકટ સર્જે છે. તેવી જ રીતે ખગોળશાસ્ત્રીઓએ પૃથ્વી તરફ આગળ વધી રહેલા અને નાસા દ્વારા એને 'સંભવિત જોખમી' તરીકે વર્ગીકૃત કરવામાં આવેલા અન્ય એક ઉલ્કાપિંડની શોધ કર્યા પછી ફરી એકવાર પૃથ્વી પર મોટો ખતરો ઊભો થયો છે. ઉલ્કાપિંડ હંમેશાં પૃથ્વી અને માનવજાત માટે મોટો ખતરો રહ્યો છે.
હાલમાં જ વૈજ્ઞાનિકોએ શોધ કરી છે કે એક એસ્ટ્રોઇડ પૂરપાટ ઝડપે પૃથ્વી તરફ આવી રહ્યો છે, જેને લઈને વૈજ્ઞાનિકો દ્વારા એક ડેટા પણ જાહેર કરવામાં આવ્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે જો એ વર્તમાન ગતિથી વધતો રહેશે અને એની દિશા નહીં બદલે તો પૃથ્વી માટે મોટું સંકટ ઊભું થઈ શકે છે.
4 માર્ચે પૃથ્વીની નજીકથી પસાર થાય એવી સંભાવના
560 મીટરથી 1.3 કિલોમીટરની સાઇઝ ધરાવતો આ એસ્ટ્રોઇડ 138971 (2001 CB21) ભારતીય સમયાનુસાર 4 માર્ચએ બપોરે 1.30 વાગ્યે 49 લાખ કિલોમીટરની નજીક આવશે અને સૂર્ય તરફ આગળ વધશે. ઇટાલીના વર્ચ્યુઅલ ટેલિસ્કોપ પ્રોજેક્ટના ખગોળશાસ્ત્રી જીઆનલુકા માસીએ સંભવિત ખતરનાક એસ્ટ્રોઇડનો ફોટો ક્લિક કર્યો છે, જે 26,800 માઇલ પ્રતિ કલાકની ઝડપે પૃથ્વી તરફ આગળ વધી રહ્યો છે.
એસ્ટ્રોઇડનું નામ CB-21 રાખવામાં આવ્યું
નાસાની જેટ પ્રોપલ્શન લેબોરેટરી (JPL) અનુસાર, એસ્ટ્રોઇડ 400 દિવસમાં એની ભ્રમણકક્ષા પૂર્ણ કરે છે અને હવે પછી 2043માં એ ફરીથી જોવા મળશે. જેટ પ્રોપલ્શન લેબોરેટરી અનુસાર, 2001 સીબી 21 નામના આ એસ્ટ્રોઇડથી પૃથ્વીની નજીક 43,236 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉડાન ભરવાનો અંદાજ છે. છેલ્લે, આ એસ્ટ્રોઇડ 2006માં પૃથ્વીથી 71 લાખ કિલોમીટર દૂર નજરે આવ્યો હતો.
પૃથ્વી માટે ખૂબ જ જોખમી
જો આ એસ્ટ્રોઇડ પૃથ્વી સાથે અથડાયો તો સમગ્ર માનવજાત માટે મોટું જોખમ બની શકે છે. આ વિશાળકાય એસ્ટ્રોઇડ ભયાનક તબાહી મચાવી શકે છે, તેથી આ વિશે દરેક ગતિવિધિ પર નજર રાખવી વૈજ્ઞાનિકો માટે જરૂરી છે.