દેશની રાજધાની દિલ્હીમાં નાણાંમંત્રી (Finance Minister of India) નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં GST કાઉન્સિલ (GST)ની 46મી બેઠક યોજાઈ. આ બેઠકમાંથી ટેક્સટાઈલ ઇન્ડસ્ટ્રીઝ માટે અગત્યના સમાચાર સામે આવ્યા છે. કાપડના વેપારીઓએ જીએસટીના વધારા સામે બંધ પાળીને હલ્લાબોલ કર્યો હતો તેના કેન્દ્રમાં પડઘા સંભળાયા અને આજે તેની અસર જોવા મળી. કાપડ માર્કેટના વેપારીઓ સામે સરકાર ઝૂકી. જી હા કાપડ પર 12% GST લાદવાનો પ્રસ્તાવ હતો તે હાલ પૂરતો મોકૂફ રખાયો છે અને હાલનો 5% દર યથાવત રાખવામાં આવ્યો છે.
સુરતના વેપારીઓએ ફટાકડા ફોડી નિર્ણયને આવકાર્યો
આ સમાચાર સામે આવતા જ સુરતના વેપારીઓએ ફટાકડા ફોડીને જીએસટી કાઉન્સિલના નિર્ણયને વધાવી લીધો હતો. ગુજરાતના નાણાંમંત્રી કનુભાઇ દેસાઇ સાંજે પાંચ વાગ્યે સુરતના વેપારીઓને રૂબરૂમાં જઇને મળવાના છે.
30મી ડિસેમ્બરના રોજ કેટલાંય રાજ્યોએ 1 જાન્યુઆરીથી કાપડ પર 12% GSTના પ્રસ્તાવને રોકવાની માંગણી કરી હતી. કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં બજેટ પૂર્વ બેઠકમાં ગુજરાત, પશ્ચિમ બંગાળ, દિલ્હી, રાજસ્થાન, અને તામિલનાડુ જેવા રાજ્યોએ કહ્યું હતું કે અમે કાપડ પર જીએસટી દર વધારવાના પક્ષમાં નથી. ઉલ્લેખનીય છે કે 1 જાન્યુઆરી, 2022થી કાપડ પર 5%ની જગ્યાએ 12% GST વસૂલવાનો પ્રસ્તાવ હતો.
હાલ સામાન્ય માણસ કપડાં અને પગરખાં પર કેટલો ટેક્સ ચૂકવે છે?
1000 રૂપિયા સુધીના શૂઝ પર 5 ટકા GST વસૂલવામાં આવે છે. જ્યારે કપડાંની વાત આવે છે, ત્યારે માનવસર્જિત એટલે કે રેસા, યાર્ન અને કાપડ પરનો GST દર હાલમાં 18 ટકા, 12 ટકા અને 5 ટકા છે. જૂતાની જેમ 1,000 રૂપિયાના કપડાં પર 5 ટકા જીએસટી લાગે છે. આર્ટિફિશિયલ અને સિન્થેટિક યાર્ન પરના GSTના દરને બદલીને 12 ટકા થઈ ગયુ છે. પરંતુ કોટન, સિલ્ક, વૂલ યાર્ન જેવા કુદરતી યાર્ન પર 5 ટકા ટેક્સ લાગે છે.
કેન્દ્ર અને રાજ્ય સરકાર ટેક્સ દ્વારા કેટલી કમાણી કરે છે?
નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ સંસદના શિયાળુ સત્રમાં જણાવ્યું હતું કે એપ્રિલ 2021થી 7 ડિસેમ્બર 2021 સુધીમાં કેન્દ્ર સરકારની કુલ આવક 7.39 લાખ કરોડ હતી. જેમાં 3 લાખ 63 હજાર કરોડ રૂપિયાનો કોર્પોરેટ ટેક્સ, 3 લાખ 61 હજાર કરોડ રૂપિયાનો વ્યક્તિગત આવકવેરો અને 15 હજાર 375 કરોડ રૂપિયાનો સમાવેશ થાય છે. જેમાં સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ એટલે કે STTનો સમાવેશ થાય છે.