ત્રણ દાયકામાં ગુજરાતમાં વધતા શહેરીકરણની રફ્તાર વચ્ચે જેટ વિમાનની ગતિ ગ્રામિણ વસ્તીમાં ઘટાડો નોંધાયો છે. તેમ છતાંયે સોમવારથી શરૂ કરીને ગુરૂવાર સુધીના માત્ર પાંચ દિવસમાં પંચાયતી રાજ હેઠળ રહેલા 14,292 ગામડામાં નવા 191 ગામોનું સ્વતંત્ર અસ્તિત્વ રચાયુ છે ! મહિના પછી ડિસેમ્બર-2021માં મોટાપાયે ગ્રામ પંચાયતોની ચૂંટણી છે. તે અગાઉ પંચાયત વિભાગે 153 ગ્રામ પંચાયતોમાંથી નવી પંચાયતોની સ્થાપના માટે 191 ગામોને મંજૂરી આપી છે.
કોવિડ-19ની વૈશ્વિક મહામારીને કારણે વર્ષ 2021માં વસ્તી ગણતરી થઈ શકી નથી. પરંતુ, વર્ષના આરંભે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્ય માટે પાલિકા ધરાવતા શહેરોની સંખ્યા 151થી વધીને 166એ પહોંચી છે. તદ્ઉપરાંત આઠેય મહાનગરોના નવા સિમાંકનથી શહેરી વિસ્તાર પણ વધ્યો છે. વર્ષ 2011માં ગ્રામિણ વસ્તીનુ પ્રમાણ 42.60 ટકા જેટલુ હતુ. જે હાલમાં ઘટીને 37.36 ટકા આસપાસ હોવાનું વસ્તી ગણતરી એકમનું અનુમાન છે. ગુજરાત સરકારના સમિક્ષા અહેવાલ મુજબ રાજ્યમાં નાગરીકોના વસવાટ ધરાવતા કુલ 18,225 ગામડા છે. જેમાંથી પાંચ દિવસ અગાઉ 24 ઓક્ટોબર 2021ને રવિવાર સુધીમાં 14,292 ગામડામાં ગ્રામ પંચાયતોનું અસ્તિત્વ છે. એક મહિના પછી 10 હજારથી વધુ ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણીઓ યોજનાર છે. આથી તે પહેલા માંગણી મુજબ વસ્તી, જરૂરીયાત અને ક્ષેત્રફળમાં વિકાસના આધારે ગ્રામ પંચાયતોના વિભાજન માટે જિલ્લા વિકાસ અધિકારીઓ તરફથી આવેલી દરખાસ્તોને ફટાફટ મંજૂરી આપવામાં આવી છે. પંચાયત વિભાગના ટોચના અધિકારીએ કહ્યુ કે, વિતેલા પાંચ દિવસમાં 18થી વધુ જિલ્લાઓમાં 153 ગ્રામ પંચાયતોમાંથી 191 ગામ અલગ કરીને નવી ગ્રામ પંચાયત રચવા નોટિફિકેશનો પ્રસિધ્ધ કરવામાં આવ્યા છે. આથી, હવે રાજ્યમાં કુલ 14,483 ગામોમાં પંચાયતી રાજ હેઠળ સ્થાનિક સ્વરાજ્યનું સંચાલન થશે. હજી પણ જિલ્લાઓમાંથી આવતી દરખાસ્તોને મંજૂરી આપવા વહિવટી પ્રક્રિયા ચાલુ છે. જેથી આગામી સમયમાં વધુ પંચાયતો અસ્તિત્વમાં આવી શકે છે.
308 ગામોમાં 200થી ઓછી વસતી, માત્ર કચ્છમાં જ 47 ગામ સાવ વેરાન
મહેસૂલી રેકર્ડ ઉપર ગુજરાતમાં 18,225 ગામો અસ્તિત્વ ધરાવે છે. જો કે, તેમાંથી 187 ગામોમાં કોઈ જ રહેતુ નથી. જે પૈકી એકલા કચ્છમાં જ 47 ગામ છે. બાકીના વેરાન ગામો મધ્ય ગુજરાતના આદિવાસી ક્ષેત્રો તેમજ કચ્છના ખારાપાટને અડીને આવેલા પાટણ, બનાસકાંઠા અને સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા છે. જ્યારે રાજ્યમાં કુલ 308 ગામોમાં 200થી ઓછા નાગરીકોનો કાયમી વસવાટ રહ્યો છે. જેની પાછળ શહેરીકરણ, બૂનિયાદી સુવિધાઓના અભાવ જવાબદાર હોવાનું કહેવાય છે.