રિયાલિટી શો Shark Tank Indiaથી ચર્ચામાં આવેલા અશનીર ગ્રોવરનો વિવાદો સાથેનો જૂનો નાતો છૂટતો નથી. છેલ્લાં કેટલાંક મહિનાઓથી ચાલી આવેલા વિવાદે અંતે તેમની બલિ લઇ લીધી અને તેમને જ પોતાની કંપનીને છોડીને બહાર નીકળવું પડ્યું. લાંબી ખેંચતાણ બાદ ગ્રોવરે અંતે સોમવારના રોજ રાજીનામું આપી દીધું.
આ કેસમાં હાર બાદ રાજીનામું
ગ્રોવરને સિંગાપુર ઇન્ટરનેશનલ આર્બિટ્રેશન સેન્ટરમાં જ પોતાની કંપની ભારતપે વિરૂદ્ધ એક કેસમાં હારનો સામનો કરવો પડ્યો છે. ભારતપે તેની વિરૂદ્ધ તપાસ શરૂ કરી રહ્યું છે. ગ્રોવરે પોતાની તપાસને રોકવાની માંગણી કરતાં SIACમાં અરજી દાખલ કરી હતી જેમાં તેમને હારનો સામનો કરવો પડ્યો છે. એસઆઇએસીનો નિર્ણય આવ્યા બાદ જ ગ્રોવરે ભારતપેમાંથી રાજીનામું આપી દીધું છે. તેમને કંપનીના બોર્ડને ઇ-મેલના માધ્યમથી રાજીનામું આપી દીધું.
ગાળોવાળી ક્લિપથી શરૂ થઇ મુશ્કેલી
ગ્રોવર અને ભારતપેનો આ વિવાદ એક ઓડિયો ક્લિપથી શરૂ થયો. આ વાયરલ ઓડિયો ક્લિપ અંગે કહેવામાં આવ્યું હતું કે ગ્રોવર કોટક મહિન્દ્રા બેન્કના એક કર્મચારીને ગાળો આપી રહ્યા છે. આની પહેલાં તો ગ્રોવરે નકલી ગણાવ્યું પરંતુ બાદમાં તેમણે Tweet હટાવી દીધી. બીજીબાજુ કોટક મહિન્દ્રા બેન્કે કહ્યું કે તેઓ ગ્રોવર અને તેમના પત્ની માધુરી જૈનની વિરૂદ્ધ કેસ કરવાના છે. ત્યારબાદ ગ્રોવરને 19મી જાન્યુઆરીના રોજ ભારતપે તરફથી રજા પર મોકલી દેવામાં આવ્યા હતા. ત્યારે તેમણે કહ્યું હતું કે તેઓ માર્ચ સુધી જ રજા પર જઇ રહ્યા છે અને 1 એપ્રિલ કે તેની પહેલાં તેઓ પાછા આવી જશે.
રાજીનામામાં ગ્રોવરે ‘કેટલાંક લોકો’ને બતાવ્યું કારણ
રાજીનામું આપતા ગ્રોવરે લખ્યું કે તેમણે ભારતપે છોડવાનું દુ:ખ છે પરંતુ સૌથી શાનદાર ફિનટેક કંપનીઓમાંથી એક બનાવાનું ગૌરવ પણ છે. તેઓ લખે છે કે હું આજે રાજીનામું ભારે હૈયા સાથે લખી રહ્યો છું કારણ કે મારે આ કંપની છોડવી પડી રહી છે, જેને મેં બનાવી છે. જો કે મને એ વાતનું પણ ગૌરવ છે કે આજે આ કંપની ફિનટેકની દુનિયામાં લીડર છે. દુર્ભાગ્યપૂર્ણ કારણોસર 2022ની શરૂઆત જ મારા અને મારા પરિવારની ઉપર કેટલાંક લોકોએ પાયાવિહોણા આરોપો લગાવી રહ્યા છે. આ લોકો માત્ર ઇમેજને જ નુકસાન પહોંચાડી રહ્યા નથી પરંતુ તેનાથી કંપનીને પણ નુકસાન થઇ રહ્યું છે.