હું ઘણી વાર મારી મમ્મીને પૂછું કે મમ્મી તારી પેલી બંગડી જે તેં થોડા દિવસ પહેલાં પહેરી હતી એ બહુ જ મસ્ત હતી હોં, એ ક્યારે લીધી? મમ્મી કહેશે એ તું નાની હતી ત્યારે મારા બચત કરેલા પૈસામાંથી લીધી હતી. મમ્મીઓની આ આદત આજે પણ યથાવત્ છે. આપણી પેઢી પહેલાંની પેઢીની આ વાત છે. આપણાં દાદી, મમ્મી, નાની, કાકી, ફોઈ એ બધાંને જોઇએ તો ખબર પડશે કે ધીરેધીરે બચત કરીને એ લોકોએ ઘણી વસ્તુઓ ભેગી કરી હશે જે વિશે એ લોકો ગર્વથી કહી શકે કે આ તો મારી બચતથી લીધેલી વસ્તુ છે. એ સમયે આજની પેઢીની માફક મોટાભાગની સ્ત્રીઓ જોબ નહોતી કરતી. એ સમયની સ્ત્રીઓ ઘરે રહીને ઘર સંભાળતી, પરિવારનું મેનેજમેન્ટ સંભાળતી અને સાથે સાથે બચત કરીને નાનીમોટી વસ્તુઓ પણ લેતી રહેતી. આ બધી જ વસ્તુઓ એમને પતિ જે મૂડી આપે એમાંથી કરવાની રહેતી. અરે, આપણે જોઈએ તો ખબર પડે કે એ પેઢીની કેટલીક સ્ત્રીઓએ તો ભાવિનો વિચાર કરીને પોતાના સંતાનોનાં લગ્ન માટે સોનાનાં ઘરેણાં પણ લઇ લીધાં હોય. માત્ર સોનાનાં ઘરેણાં નહીં પણ ફિક્સ ડિપોઝિટ પણ કરી રાખી હોય. ટૂંકી આવકમાં આટલું મેનેજ કરવું એ બહુ મોટી વાત છે. આ થઈ આપણાં ભવ્ય ભૂતકાળની વાત, એ સમયની સ્ત્રીઓની કે જે ટીપે ટીપે સરોવર ભરતી રહેતી. કટ ટુ વર્તમાન જોઇએ તો આજની સ્ત્રીઓની આવકમાં વધારો થયો છે. હવેની સ્ત્રી પતિના પૈસા ઉપર આધાર રાખતી હોય એવું મોટાં શહેરોમાં તો ઓછું જ બને છે. હા, હજી નાનાં ગામડાંની સ્ત્રીઓ એ બાબતે પાછળ છે. ગામડામાં સ્ત્રી ખેતરે જઇને પતિને ખભેખભો મેળવી કામ કરાવે છે પણ પૈસાનું હેન્ડલિંગ પતિના હાથમાં જ હોય છે. આજે પણ ઘણી સ્ત્રીઓને પહેલાંની જેમ અમુક રકમ મળે છે એનું મેનેજમેન્ટ તેને કરવાનું હોય છે. જોકે જે જગ્યાએ આવું ચાલે છે એ જગ્યાએ તો આજે પણ બચત થતી જ રહે છે. વાત છે શહેરની સ્ત્રીઓની. જેમ કમાણી વધી છે એમ ખર્ચ પણ વધ્યા છે, બચતનો રેશિયો ઓછો થયો છે. હવે આપણે મોટી મોટી વસ્તુઓ પાછળ ખર્ચ કરતાં થયા છીએ. સ્ત્રી ઇન્ડિપેન્ડેન્ટલી એ ખર્ચ કરી શકે છે પણ એણે એ વાત જાણવી જરૂરી છે કે એનો ખર્ચ એસેટ્સ પાછળ થાય છે કે લાયેબિલિટીઝ ઉપર. અલબત્ત, બચત એ સ્ત્રીનો સ્વભાવ છે પણ હવેના સમયે જ્યારે દેખાડાનો પ્રકોપ વધ્યો છે ત્યારે સ્ત્રીએ એ બાબતે પણ ધ્યાન રાખવું જરૂરી છે.
શું છે એસેટ્સ અને લાયેબિલિટીઝ? એનો ભેદ જાણવો જરૂરી છે
આજની સ્ત્રી પગભર થઈ રહી છે એટલે મોટો ખર્ચ કરવા એણે લાંબું વિચારવું નથી પડતું. તે સારી પોસ્ટ ઉપર હોય ત્યારે એની સૌથી પહેલી રિક્વાયરમેન્ટ એક કારની હોય છે. એક જગ્યાએથી બીજી જગ્યાએ આવ-જા કરવા માટે કારનો ઉપયોગ સરળ બની જાય. આમ તો એ ટૂ વ્હીલર દ્વારા પણ કરી શકાય, પરંતુ દૂર જવાનું હોય અને હોદ્દા પ્રમાણે પર્સનાલિટી પણ જાળવવાની હોય એટલે કાર ભલે લાયેબિલિટીઝ કહેવાય પણ આપણે તે લેવી જ પડે છે. જોકે કાર ભાડાની બચત કરે છે એમ આપણે વિચારીએ પણ સામે પેટ્રોલ અને ડીઝલનો ખર્ચ પણ થાય જ છે. વળી સમયાંતરે એની સર્વિસ તો ખરી જ. કહેવાનો મતલબ એવો નથી કે કારની ખરીદી ન કરવી પણ વાત અહીં એવી છે કે જે વસ્તુ આવક ન કરાવે એ બધી જ લાયેબિલિટીઝ છે. સ્ત્રીઓમાં હાલ દેખાડાનું પ્રમાણ વધ્યું છે. અમુક પ્રકારની બેગ્સ, કપડાં આવી મોંઘીદાટ વસ્તુઓનો સમાવેશ લાયેબિલિટીઝમાં કરી શકાય, જે એક પ્રકારે વેસ્ટ ઓફ મની છે. માટે એવી વસ્તુઓની ખરીદી દેખાદેખીમાં કરવાને બદલે જ્યારે ખરેખર બચત થઇ ગઇ હોય, મની મેનેજમેન્ટ થઇ ગયું હોય અને એની સાચે જ જરૂર હોય એ પછી કરવી. મહિનાના અંતે બેન્ક બેલેન્સ ખોરંભાય એવી લાયેબિલિટીઝ લેવાનો કોઈ મતલબ નથી બનતો.
હવે વાત કરીએ એસેટ્સની. સ્ત્રીઓ હવે પોતાની કમાણીમાંથી એસેટ્સની ખરીદી પણ કરી શકે છે. જો મની મેનેજમેન્ટ બરાબર થઇ જતું હોય અને લાંબાગાળાની બચત કરવી હોય તો એસેટ્સ પાછળ નાણારોકાણ શ્રેષ્ઠ રસ્તો છે. એસેટ્સ મતલબ કે મકાન, જમીન, સોનુ વગેરે. એવી વસ્તુ કે જેમાં તમે પૈસા રોકો છો પણ એ પૈસા તમને અમુક સમય બાદ પાછા મળશે એ તમને ખબર છે. ઇન્વેસ્ટમેન્ટ માટે ફ્લેટ લીધો હોય તો એને ભાડે ચડાવવામાં આવશે તો ફ્લેટની લોનના પૈસા આરામથી નીકળશે, એ જ રીતે સોનાનો ભાવ જે રીતે વધી રહ્યો છે એ જોતા એની અંદર રોકાણ પણ લાંબાગાળાનો ફાયદો જ છે. અહીં માત્ર સોનુ, ચાંદી, ડાયમંડ કે ઘર જ નહીં, એ સિવાય શેરની ખરીદી, પોસ્ટમાં પૈસારોકાણ વગેરેનો સમાવેશ પણ થાય છે. ટૂંકમાં જે વસ્તુમાંથી ધન ઉપાર્જન થાય એ એસેટ્સ છે.
મની મેનેજમેન્ટ અને નાનું નાનું સેવિંગ્સ
આદર્શ મની મેનેજમેન્ટ કોને કહેવાય? આદર્શ મની મેનેજમેન્ટ એટલે આખા મહિનાનો ખર્ચ એક તરફ કરી નાખવો. આખા મહિના દરમિયાન જે જે ઘરખર્ચ થતો હોય એટલા પૈસા સેલેરી આવતાં જ એક તરફ કરી લેવા. એ પછી થોડી ઇમર્જન્સી મૂડી સાઇડ પર રાખી દેવી. આ એવી મૂડી હોય જેને કોઈ પ્રકારની બીમારીના સમયે જ ખર્ચમાં લેવી જોઇએ. જો બીમારી ન આવે તો એને એઝ ઇટ ઇઝ રહેવા દેવી. એ પછી વારો આવે બચતનો. દર મહિને અમુક પ્રકારની બચત માટે અમુક પૈસા રાખવા જરૂરી છે. એ તમારી ભાવિ મૂડી છે, જે સંકટના સમયે તમને કામ લાગી શકે છે. મોટા ભાગના મિડલ ક્લાસ લોકોના મોટા મોટા ખર્ચ આ બચતના કારણે જ પાર પડતાં હોય છે. હવે અહીં સવાલ એવો થાય કે માંડ બે છેડા ભેગા થતાં હોય ત્યારે સેલેરીના ત્રણ ભાગ કેવી રીતે કરવા. હા, આજે અઢળક પરિવાર એવા છે જ્યાં આવક કરતાં જાવક વધારે છે, કારણ કે એમની પાસે એવી નોકરી જ નથી જેનાથી આવક વધારે થઇ શકે, આવા ઘરની સ્ત્રીઓને પણ પૂછવામાં આવે તો એ એની મર્યાદા અને શક્તિ પ્રમાણે બચત તો કરતી જ હશે. ભલે નાની તો નાની બચત તો કરવી જરૂરી જ છે. આપણે ટીપે ટીપે સરોવર ભરવાનું હોય તો પણ હાર ન માનવી અને દર મહિને ફૂલ નહીં તો ફૂલની પાંખડી જેવી બચત કરતાં રહેવી જેથી મુશ્કેલીના સમયે કોઇ પાસે હાથ લાંબો ન કરવો પડે.
Credit : Sangani Financial Serices