બંગાળની ખાડીમાં સર્જાયેલા એક નવા લો પ્રેશરની સિસ્ટમ ડિપ્રેશનમાં પરિણમવાની સાથે તાપી નદીના કેચમેન્ટ એરિયામાં આજે સવારથી જ ભારેથી અતિભારે વરસાદનો આરંભ થયો હતો. જ્યારે જળાશયના પોતાના વિસ્તારમાં એટલે કે, ઉકાઈ અને તેની ઉપરના વિસ્તારમાં પણ આજે બપોરે બે વાગ્યાથી શરૂ થયેલો વરસાદ ત્રણ કલાકમાં બે ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો.
ગુજરાતભરમાં આગામી 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. દ.ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે, જ્યારે સૌરાષ્ટ્ર કચ્છમાં 48 કલાકમાં ભારે વરસાદની વકી છે. રાજ્યમાં સપ્ટેમ્બરમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે. આજે અમદાવાદ, ગાંધીનગરમાં પણ વરસાદી માહોલ રહેશે.
જયારે હવામાન વિભાગ દ્વારા આજે પણ જાહેર કરાયેલી ચેતવણી મુજબ આજે સમગ્ર રાત્રિ દરમિયાન અતિભારે વરસાદ પડશે. જયારે આજે સવારથી ઉપરવાસમાં પડી રહેલા વાવાઝોડા સાથેના વરસાદનું પાણી સુદ્ધા ઉકાઈ ડેમ તરફ આવશે. આ સંજોગોમાં આજે રાત્રિ દરમિયાન ઉકાઈ ડેમ તંત્ર એલર્ટ ઉપર રહ્યું છે. સાથે જ આવતી કાલે સુરત શહેર માટે પણ વરસાદી પાણી કેટલું આવે છે અને કેટલા જથ્થામાં છોડવામાં આવે છે એ બાબત મહત્વની બની રહે છે.
મહત્વનું છે કે, સુરતમાં આજે મોંડી સાંજે પડેલા ભારે વરસાદ પણ ટ્રેલર સમાન મનાઈ રહ્યો છે. સુરતમાં આવતી કાલે પણ અતિભારે વરસાદને ધ્યાનમાં લેતા હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જાહેર કરાયું છે અને ખાસ કરીને દક્ષિણ ગુજરાત પંથકમાં અતિભારે વરસાદની શકયતા વ્યકત થઈ છે.
હવામાન વિભાગના મતે રાજ્યમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદ થવાની પણ આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને 20 જિલ્લામાં આજે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. અમદાવાદમાં આજે વહેલી સવારથી ભારે પવનો ફંકાઈ રહ્યા છે. સાઇક્લોનિક સર્ક્યુલેશનને પગલે આજે રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, અમરેલી, પાટણ, મહેસાણામાં અતિભારે વરસાદ માટેનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.
જ્યારે હવામાન વિભાગના મતે કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, ગીર- સોમનાથ, પોરબંદર, બોટાદ, ભાવનગર, અમદાવાદ, ગાંધીનગર, આણંદ, બનાસકાંઠા, સાબરકાંઠા, દાહોદ, સુરત, વલસાડ, નવસારી, ડાંગ, તાપી, છોટાઉદેપુરમાં ભારે વરસાદ માટેનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
આ ઉપરાંત બુધવારે વલસાડ, દમણ, દાદરા અને નગર-હવેલીમાં અતિભારે-નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરામાં ભારે જ્યારે ગુરુવારે રાજકોટમાં અતિભારે અને વલસાડ, દમણ, જૂનાગઢ, અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદ પડી શકે છે.