28 નવેમ્બરે સુરત એરપોર્ટને આંતરરાષ્ટ્રીય એરપોર્ટનો દરજ્જો આપીને એરપોર્ટ ઓથોરીટિ ઓફ ઇન્ડિયા (AAI)એ ટ્વિટ કર્યું હતું. ખરેખર આ ટ્વિટ ભૂલથી થયું હોવાની માહિતી ખુદ AAIએ એક RTIમાં આપી છે. AAI જાણે સુરતીઓનાં સપનાંઓની સાથે મજાક કરી રહ્યું હોય તેમ એકદમ સહજ ભાવે ‘ભૂલ થઇ ગઈ’ હોવાનું કહીને પોતાનું ટ્વિટ ડિલીટ પણ કરી નાંખ્યું હતું.
વર્ષોની લડત બાદ એકતરફ માંડ માંડ એરપોર્ટ શરૂ થયું, વિમાનોની અવર-જવર શરૂ થઈ ત્યારે હવે છેલ્લા કેટલાક વર્ષોથી આંતરરાષ્ટ્રીય એરપોર્ટના સપનાં જોતી સુરતની પ્રજાને વધુ એકવાર ઝટકો લાગી તેમનાં સપનાં ઉપર પાણી ફરી વળ્યું છે. હાલમાં પણ સુરત એરપોર્ટ માત્ર કસ્ટમ એરપોર્ટના દરજ્જા સાથે જ કાર્યરત છે.
જો કે, સુરત એરપોર્ટ આંતરરાષ્ટ્રીય કક્ષાનું હોવાની જાણકારી એરપોર્ટ ઓથોરીટિ ઓફ ઇન્ડિયાએ ટ્વિટરથી આપી હતી. એએઆઇએ સુરત એરપોર્ટના ટર્મિનલ બિલ્ડીંગનો ફોટો ટ્વિટર ઉપર શેર કરતા બધાને એવું લાગ્યું હતું કે હવે સુરત એરપોર્ટ ઇન્ટરનેશનલ કક્ષાનું થઈ જશે.
AAIએ કરેલા લોચા આવી રીતે પકડાઈ ગયા
સુરત એરપોર્ટ કસ્ટમ છે કે ઇન્ટરનેશનલ તે બાબતે એક ઉત્સાહી યુવકે AAIના ટ્વિટ મુદ્દે જ RTI હેઠળ જવાબ માંગ્યો હતો. તેણે પૂછ્યું કે, જો સુરત એરપોર્ટ ઇન્ટરનેશલ હોય તો પહેલાં તેના માટે ગેઝેટ પ્રસિદ્ધ કરવું પડે. જો હોય તો નકલ આપો. AAIએ જવાબ આપ્યો કે, ડિઝાઇનરથી સુરત એરપોર્ટનો ફોટો મુકીને ભૂલથી ઇન્ટરનેશનલ એરપોર્ટ લખાઈ ગયું હતું, જે હવે ડિલીટ કરી દેવાયું છે.
અપગ્રેડેશન બાબતે આ માહિતી આપી હતી
એએઆઈએ 27મી નવેમ્બરે એક ટ્વિટ કર્યું અને તેમાં લખ્યું કે, એરપોર્ટ ટર્મિનલ બિલ્ડિંગના વિસ્તરણ બાદ અમે 1800 યાત્રીઓને પીક અવર્સમાં સંભાળી શકીશું, 20 ચેકઇન કાઉન્ટર્સ રહેશે, 5 એરોબ્રિજ રહેશે, 13 ઇમિગ્રેશન કાઉન્ટર્સ અને 5 બેગેજ બેલ્ટની સુવિધા મળશે. આ ટ્વિટ બાદ સુરત ઇન્ટરનેશલ એરપોર્ટના ફોટો સહિતની બીજી ટ્વિટે લોકોને પણ ચકરાવે ચઢાવ્યા હતા.
ઇન્ટરનેશલ - કસ્ટમ એરપોર્ટને આવી રીતે સમજો
જો કોઈ એરપોર્ટ ઇન્ટરનેશલ કક્ષાનું એરપોર્ટ હોય તો તેમાં વિદેશી એરલાઇન કંપનીઓ ઓપરેટ કરી શકતી હોય છે. આવું થવાના કારણે ડોમેસ્ટિક એરલાઇન્સ અને ઇન્ટરનેશનલ એરલાઇન્સ વચ્ચે હરીફાઈ થાય છે અને આખરે તેનો ફાયદો મુસાફરોને જ થાય છે. આ ફાયદો ભાડાં સ્વરૂપે અથવા તો સુવિધા સ્વરૂપે પણ હોય શકે છે. જો કોઈ એરપોર્ટ કસ્ટમ દરજ્જાનું એરપોર્ટ હોય જેમ કે આપણું સુરત એરપોર્ટ છે તો અહીંથી માત્ર ડોમેસ્ટિક એરલાઇન્સ કંપનીઓ જ ઇન્ટરનેશનલ ફ્લાઇટ ઓપરેટ કરી શકે છે. જેમ કે સુરત-શારજાહ ફ્લાઇટ એર ઇન્ડિયા ઓપરેટ કરી રહી છે.