મોરબીમાં ઐતિહાસિક વિરાસત સમાન દેશના એક માત્ર ઝૂલતા પૂલના રીનોવેશન બાદ ત્રણ દિવસ પહેલા જ ખુલ્લો મુકાયો હતો. ખાનગી કંપનીના સંચાલકે 8 વર્ષ સુધી પૂલ નહી તૂટે તેવી ડંફસો મારેલી હતી. જોકે પૂલ તૂટતા ઢંગધડા વિનાના રીનોવેશનની પોલ ખૂલી ગઈ છે. ઓરેવા કંપનીના સંચાલક દીપક પારેખે જણાવ્યું હતું કે, કંપનીના જયસુખભાઈ પટેલના ઝુલતા પૂલ સાથેના લગાવના કારણે રૂ.2 કરોડના ખર્ચે ઝૂલતા પુલનું રીનોવેશન કામ પૂર્ણ કરાયું છે. ઝૂલતો પૂલ લાકડાના પાટીયાના સ્થાને એલ્યુમીનીયમ હનીકોબ ટેકનોલોજીના ઉપયોગથી બનાવાયું હતો. જોકે ગંભીર દુર્ઘટનારૂપે આ ઐતિહાસિક ઝૂલતો પુલ અચાનક તૂટી પડતા લોકોની ચિચિયારીઓથી વાતાવરણ ગમગીન બની ગયું હતું. ગંભીર ઘટના બાદ નગરપાલિકાના ચીફ્ ઓફ્સિરે જણાવ્યું હતુ કે, કંપની દ્વારા ફ્ટિનેસ સર્ટીફીકેટ લીધા વિના ઝૂલતા પૂલને ખૂલ્લો મૂકી દેવાયો હતો. દિવાળીના તહેવારોમાં ટીકીટ દર લાગુ કરી કમાણી કરવા ઉતાવળે પૂલ ખૂલ્લો મૂકી દેવાયો હોવાનીગંભીર બેદરકારી સામે આવી છે. આજે સાંજના સમયે તુટી પડેલા આ ઝૂલતા પૂલ વચ્ચેથી બે કટકા થઈ ગયા હતા. જેથી પૂલ રહેલા અનેક લોકો નદીમાં ખાબકયા હોવાનુ મનાઈ રહ્યુ છે. વચ્ચેથી તુટવાનાં કારણે લોકો મચ્છુ નદીની મધ્યમાં પડયા હતા. ઝૂલતો પૂલ અચાનક ધરાશાયી થતા 60 ફૂટ ઊંચા પૂલ પરથી ઘણા લોકો નદીમાં ખાબકયા હતા. કેટલાક લોકો માથાભર પણ નદીમાં પડયા હોવાનું જાણવા મળી રહ્યુ છે.ત્રણ દિવસ પહેલા જ હજુ બ્રિજ ખૂલ્લો મુકાયો હોય અને હાલમાં તહેવારોની રજા હોય અનેક લોકો બ્રિજ નિહાળવા ઉમટી પડયા હતા.
ચાર એનડીઆરએફની ટીમ અને એસડીઆરએફની ત્રણ પ્લાટુન મોરબી પહોંચી
રાજ્ય સરકારના રાહત કમિશનરેટ તંત્રે મોરબી દુર્ઘટનાના સમાચાર મળતાં જ ગાંધીનગરથી એનડીઆરએફની બે ટુકડીઓ બાય રોડ મોરબી મોકલી છે, જ્યારે એનડીઆરએફની બીજી બે ટુકડીઓ વડોદરાથી રાજકોટ રાતે પોણા અગ્યાર વાગ્યે એર લિફ્ટ કરાઈ છે, જે રાજકોટથી દુર્ઘટના સ્થળે પહોંચશે, જ્યારે એસડીઆરએફની એક ટુકડી રાજકોટથી મ��રબી પહોંચી છે અને બે પ્લાટુન જામનગરથી મોકલવામાં આવી છે. તંત્ર દ્વારા જણાવાઈ રહ્યુ છે કે, આસપાસના મોટા શહેરોમાંથી અને શક્ય હોય ત્યાંથી ફાયર બ્રિગેડના સાધનો મોરબી પહોંચી રહ્યા છે.
ઓરેવા ગ્રૂપના સંચાલક સામે માનવવધનો ગુનો નોંધવા ઊઠી માંગ
મોરબીનો ઝુલતો પુલનું સંચાલન મોરબીના ઓરેવા ગ્રૂપ દ્વારા કરવામા આવી રહ્યું છે અને તેમના દ્વારા જ સમારકામ કરી છ થી સાત દિવસ પહેલા જ પુલ ખુલ્લો મુકવામા આવ્યો હતો ત્યારે આજે જે દુર્ઘટના બની છે તે જોતા ઓરેવા ગ્રૂપ સામે માનવ વધનો ગુનો નોંધવા માંગ કરવામા આવી રહી છે.
મુખ્યમંત્રી બે મંત્રીઓને લઈને મોરબી પહોંચ્યા
ગાંધીનગર પ્રતિનિધિ દ્વારા : રવિવારે સાંજે મોરબીનો ઝુલતો પુલ તૂટવાના સમાચાર પ્રસરતા રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તેમની સાથે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે રાજ્ય સરકારના વિમાન દ્વારા અમદાવાદથી રાજકોટ અને રાજકોટથી વાહનમાર્ગે મોરબી પહોંચ્યા છે. રાજ્યના વહીવટી તંત્રએ પણ સ્થાનિક જિલ્લા તંત્રની સહાય તથા ઓનધસ્પોટ નિર્ણયો લેવા માટે ઉદ્યોગ કમિશનર રાહુલ ગુપ્તા અને નગરપાલિકાઓના મુખ્ય વહીવટી કમિશનર રાજકુમાર બેનિવાલને તાત્કાલિક મોરબી પહોંચવા આદેશ આપતા આ બંને અધિકારીઓ મોટરમાર્ગે મોરબી પહોંચી રહ્યા છે. મળતી માહિતી પ્રમાણે, રાજાશાહી વખતે 1940ના અરસામાં આ ફૂટ બ્રિજ લોકોની અવરજવર માટે બન્યો હતો. અને એનો વહીવટ છેવટ સુધી સ્થાનિક નગરપાલિકા હસ્તક હતો. છેલ્લાં 6 મહિનાથી આ બ્રિજ રિપેરીંગ હેઠળ હતો, જે કામગીરી ઝડપથી પૂર્ણ કરી નૂતન વર્ષના પહેલા દિવસ 26મીથી આ ફૂટ બ્રિજને ખુલ્લો મુકાયો હતો.
38 વર્ષ પહેલાં એક દિવસના પાસનો ભાવ 15 પૈસા હતો
મોરબીમાં મચ્છુ નદી પરના હેન્ગિંગ બ્રિજમાં આજથી 38 વર્ષ પહેલા એટલે કે વર્ષ 1984માં એક દિવસનો પાસ 15 પૈસા હતા અને એક માસનો ભાવ રૂ.2 હતો અને અત્યારે આ જ બ્રિજ ઉપર એક દિવસનો પાસ રૂ.17 કરી દેવામાં આવ્યો છે.
142 વર્ષ જૂનો, 765 ફૂટ લાંબો એલ્યુમિનિયમ હનિકોબ ટેકનોલોજીયુકત ધરાવતો દેશનો એકમાત્ર ઝૂલતો પુલ
આ પુલનો ઇતિહાસ જોઈએ તો તા.20-02-1879 ના રોજ મુંબઇના ગવર્નર રિચર્ડ ટેમ્પલના હસ્તે આ પુલનુ ખાતમુહુર્ત થયુ અને તે સમયે આશરે 3.5 લાખના ખર્ચે ઇ.સ. 1880માં આ ઝૂલતો પુલ પુર્ણ થયો અને આ સમયે પુલનો સામાન ઈંગ્લેન્ડથી આવેલો હતો. દરબારગઢથી નઝરબાગને જોડવા આ પુલનુ નિર્માણ થયુ હતું. હાલ આ ઝૂલતો પૂલ મહાપ્રભુજીની બેઠક અને સમગ્ર સામાકાંઠા વિસ્તારને જોડે છે. ઉપર ખુલ્લું આકાશ અને નીચે નદી અનેવચ્ચે દોરડા પર લટકતા આ પૂલને રીનોવેશન કરવાના કઠિન કાર્યને પૂર્ણ કરવા છેલ્લા 6 માસથી એન્જીનીયરો, કોન્ટાકટરો અને સ્પેશીયલ ફેબ્રીકેટરોની ટીમો કામે લાગી અને ઝૂલતા પુલની સંપૂર્ણ કાયાપલટ કરી. જેમાં અંદાજીત 2 કરોડનો ખર્ચ કરાયો હતો. ઝૂલતા પૂલના રીનોવેશન માટેનું કોર મટીરીયલ જિંદાલ કંપની પાસેથી તૈયાર કરાવાયુ તેમજ સ્પેશ્યલ ગ્રેડની લાઈટ વેઇટ અલ્યુમિનીમ શીટ તૈયાર કરાવાઈ. જેનાથી પુલની હેંગીગ પ્રોપર્ટી મેઇનટેન રહે. ઝૂલતા પુલના ટિકિટ ચાર્જમાં મોટેરાઓ માટે 17 રૂપિયા અને બાળકો માટે 12 રૂપિયા ચાર્જ રાખવામાં આવ્યો છે અને પ્રવાસી સ્કૂલના બાળકો માટે બિલકુલ રાહતદરે ટિકિટ રાખવામાં આવી છે.
અમદાવાદ ફાયરની ત્રણ બોટ રવાના કરાઈ
મોરબી બ્રિજ દુર્ઘટનાને પગલે અમદાવાદ ફાયર વિભાગની ત્રણ બોટને તાબડતોબ મોકલવામાં આવી છે, આ ટીમ દ્વારા મોરબી ખાતે દુર્ઘટનાગ્રસ્તોને બચાવવા માટેની કામગીરી કરવામાં આવશે.
સ્થાનિકો બચાવમાં જોતરાયા
ધટનાના પગલે પૂલની આસપાસ રહેલા અને તરતા આવડતુ હોય તેવા કેટલાક લોકો તત્ત્કાલ મચ્છુ નદીમાં કુદીને લોકોને બચાવવા લાગ્યા હતા.