આજે જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે ગુજરાતના નાના-મોટા તમામ મંદિરોનો સજાવવામાં આવ્યા છે. આ દરમિયાન અનેક ઠેકાણે જન્માષ્ટમીના પર્વ નિમિત્તે ખાસ આયોજન કરવામાં આવ્યું છે. શ્રાવણ મહિનાનો સોમવાર અને જન્માષ્ટમીનું પર્વ એકસાથે આવવાના કારણે વહેલી સવારથી મંદિરોમાં ભક્તોની ભીડ જોવા મળી રહી છે.
ઈસ્કોન મંદિરમાં કેવું છે આયોજન?
વડોદરામાં જન્માષ્ટમી પર્વની ઉત્સાહ ભેર ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે અહીના ઈસ્કોન મંદિર ખાતે ભક્તો દર્શન માટે ઉમટી પડ્યાં છે. જ્યાં શ્રી કૃષ્ણના ભજનોની રમઝટ જામી છે.
આજ રીતે અમદાવાદ સ્થિત ઈસ્કોન મંદિર ખાતે વહેલી સવારથી જ ભક્તોની ભીડ જામી છે. આજે મોરની થીમ પર ભગવાનને શણગારવામાં આવ્યા છે. આ માટે ભગવાનના વાઘા ખાસ વૃંદાવનથી લાવવામાં આવ્યા છે. આ સિવાય વિવિધ દેશોના ફૂલોથી ખાસ સજાવટ કરવામાં આવી છે. આજે આખા દિવસ દરમિયાન મંદિરમાં વિવિધ કાર્યક્રમો યોજાશે. જો કે કોરોનાના કારણે આ વર્ષે ભંડારો નહીં થાય.
સુરતના વેસુ વિસ્તારમાં આવેલા ઈસ્કોન મંદિર ખાતે જન્માષ્ટમીનું અનોખુ આયોજન કરવામાં આવ્યું છે. જેનો લાભ લેવા માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યાં છે. આજના પર્વ નિમિત્તે મંદિર પરિસરને ફૂલો વડે શણગારવામાં આવ્યું છે, જ્યારે ફૂલોના સિંહાસન પર ભગવાનને બિરાજમાન કરવામાં આવ્યા છે.
કોરોના ગાઈડલાઈન્સને ધ્યાનમાં રાખીને કોઈ એક જ સ્થળે ભીડ એકઠી ના થાય તે માટે ઈસ્કોન મંદિર દ્વારા વિવિધ સ્થળો એ આયોજન કરવામાં આવ્યું છે. વનિતા ફાર્મ, ઈસ્કોન મંદિર અને રાધાકૃષ્ણ મંદિરામાં ભક્તિમય માહોલ જામ્યો છે. ભગવાનને 56 ભોગનો પ્રસાદ ચડાવવામાં આવશે. જ્યારે કૃષ્ણ જન્મોત્સવમાં 200 જેટલા ભક્તોને જ પ્રવેશ આપવામાં આવશે.
પાલીતાણામાં કૃષ્ણ જન્મોત્સવ યાત્રાનું કેન્દ્રીય મંત્રીના હસ્તે પ્રસ્થાન
ભાવનગર જિલ્લાના પાલીતાણામાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાના હસ્તે કૃષ્ણ જન્મોત્સવ યાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું છે. વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા આયોજિત આ ગુજરાતની બીજા નંબરની શોભાયાત્રા પાલીતાણામાં ફરશે. જો કે કોરોનાના કારણે 11:00 વાગ્યે શોભાયાત્રા પૂર્ણ કરવામાં આવશે.
સૌરાષ્ટ્રમાં જન્માષ્ટમીની શોભાયાત્રા
સૌરાષ્ટ્રમાં અનેક ઠેકાણે જન્માષ્ટમીની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટ, મોરબી, ખંભાળિયા, જામનગર, ટંકારા અને ધોરાજીમાં કૃષ્ણ ભગવાનની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.
રાજકોટમાં છેલ્લા 36 વર્ષથી શોભાયાત્રાનું આયોજન થઈ રહ્યું છે. જો કે આ વર્ષે કોરોનાના કારણે રૂટ નાનો કરવામાં આવ્યો છે. જેના કારણે 25 કિમીના બદલ માત્ર 10 કિમીમાં શોભાયાત્રા ફરશે. આ માટે 1200થી વધુનો પોલીસ કાફલો બંદોબસ્તમાં ખડકી દેવામાં આવ્યો છે.
દ્વારકામાં ભક્તો કૃષ્ણમય બન્યા
દ્વારકામાં જન્માષ્ટમી પર્વને લઈને ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રાજાધિરાજને જન્મદિવસ પર ખાસ કેસરી રંગના વાઘા પહેરાવવામાં આવ્યા છે. મોર પીંછના ચિહ્નો ધરાવતા સોના-ચાંદીના તાર તેમજ હીરા જડિત વસ્ત્રો ખાસ સુરતથી તૈયાર કરાવીને મંગાવવામાં આવ્યા છે. મંદિરમાં SOPના પાલન સાથે ભક્તોને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે.