નોકરીના કામના કલાક પૂરા થયા પછી તમારા બૉસ જો તમને ફોન કે ટેક્સ્ટ મેસેજ કરે તો તમને કંટાળો આવે છે? તમે રોષે ભરાઓ છો? જો આમ જ હોય તો તેનાથી છુટકારો મેળવવા તમારે પોર્ટુગલ જવું પડશે. પોર્ટુગલની સંસદે નવો શ્રમ કાયદો પસાર કરી દીધો છે. નવા કાયદો ડિજિટલ નોમેડને પોર્ટુગલ આવવા આકર્ષશે એટલું જ નહીં પણ કામદારને કાર્ય અને જીવન વચ્ચે સંતુલન સાધવામાં પણ મદદ કરશે.
નવો કાયદો નોકરીના કલાક પૂરા થયા પછી કોઇક કામ સર કર્મચારીઓનો સંપર્ક કરનારા બૉસને દંડિત કરવાની સત્તા આપે છે. કોરોના મહામારીને કારણે અનેક ઘર નાનકડા કાર્યાલયમાં તબદીલ થઇ ચૂક્યા છે તેવા સમયમાં પોર્ટુગલ સરકારે આ નિર્ણય લીધો છે. વર્ક ફ્રોમ હોમ કરી રહેલા લોકોની એક ફરિયાદ હતી કે તેમને પ્રાઇવસી ઓછી મળે છે અને નોકરીદાતાનો હસ્તક્ષેપ વધી ગયો છે.
પરંતુ હવે પોર્ટુગલની સરકારે કામદારને લાભ થાય તેવો નવો કાયદો પસાર કરી દીધો છે. તે નવા કાયદામાં નોકરીદાતાને કયા સંજોગોમાં દંડિત કરી શકે તેની જોગવાઇ તો છે જ પરંતુ હવે નોકરીદાતાને વર્ક ફ્રોમ હોમ કરી રહેલા કર્મચારીઓને તેમના ગેસ, ઇન્ટરનેટ, વીજબિલ જેવા ખર્ચાની ચુકવણી કરવા પણ ફરમાવવામાં આવ્યું છે.
સંતાન આઠ વર્ષનું થાય ત્યાં સુધી વર્ક ફ્રોમ કરવા મંજૂરી
પોર્ટુગલની સમાજવાદી પક્ષની સરકારે કામદારો વર્ક ફ્રોમ હોમની નવી કાર્યસંસ્કૃતિમાં સરળતાથી કામ કરી શકે તે હેતુસર અનેક સુધારા ઇચ્છી રહી હતી. જોકે તેની તમામ દરખાસ્તને સંસદની મંજૂરી નથી જ મળી . પરંતુ સંસદમાં પસાર થયેલો નવો શ્રમ કાયદો સંતાનો ધરાવતા કર્મચારીઓ તેમના બાળકો આઠ વર્ષના ના થાય ત્યાં સુધી મેનેજમેન્ટની મંજૂરી મેળવ્યા વિના જ વર્ક ફ્રોમ હોમ કરી શકે તે માટે કાનૂની રક્ષણ આપતી જોગવાઇ ધરાવે છે.