રાજકોટ મનપાના સત્તાધીશો દ્વારા એક સારી પહેલના ભાગરૂપે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં નક્કી કરવામાં આવ્યું છે કે હવેથી સત્તાધિકારીઓ અઠવાડિયાના પહેલા દિવસે એટલે કે સોમવારે સરકારીના બદલે પોતાના ખાનગી વાહનોનો ઉપયોગ કરશે અથવા પોતાની રીતે કોઈ અન્ય વાહનની સગવડ કરી ઓફિસે આવશે પરંતુ સરકારી વાહન નહીં વાપરે.
મહત્વનું છે કે આ પહેલને એક ઉમદા પહેલ તરીકે લોકોમાં જોવાઈ રહી છે. ખાસ કરીને ત્યારે કે જ્યારે ઘણાં લોકોને સત્તા મળી જાય પછી તેઓ લોકોના પ્રશ્નો બાજુ જોતા પણ નથી ત્યારે રાજકોટ મનપાના શાસકો દ્વારા આ એક અનુકરણીય નિર્ણય લેવામાં આવ્યો છે. જેનું પાલન પણ આ સોમવારથી ચાલુ કરી દેવામાં આવ્યું હતું. મહત્વનું છે કે આ નિર્ણયમાં ઠરાવવામાં આવ્યું છે કે હવેથી શાસક પક્ષના હોદ્દેદારો સોમવારના દિવસે તેમને મનપા તરફથી મળતા સરકારી વાહનોના બદલે પોતાના ખાનગી વાહનોનો ઉપયોગ કરશે અથવા પોતાની રીતે વાહનની વ્યવસ્થા કરશે.
આ નિર્ણયનો આ સોમવારથી જ અમલ કરી દેવાનું શરૂ થઈ ગયું છે. આ નિર્ણના ભાગરૂપે રાજકોટના ડેપ્યુટી મેયર સી કે નંદાણી પોતે સાયકલ સવારી કરીને ઓફિસે પહોંચ્યા હતા અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતના શાસક પક્ષના હોદ્દેદારો પોતે પણ ખાનગી વાહનોમાં ઓફિસે આવી પહોંચ્યા હતા. આ ઉપરાંત મેયર નયના બહેન ખુદ બસમાં બેસીને ભૂતખાના ચોક પર ઉતરી ગયા હતા જ્યાંથી પગપાળા ચાલીને કચેરીએ પહોંચતા કેમેરામાં કેદ થયા હતા.
મહત્વનું છે કે આ સમાચારને વીડિયો સહિત સોશિયલ મીડિયા પર ઘણા શેર કરવામાં આવી રહ્યા છે અને લોકો આ સમાચારને લઈને કોમેન્ટસ પણ કરી રહ્યા છે. ખાસ કરીને મોટાભાગના લોકોએ રાજકોટ મનપાના આ નિર્ણયને વધાવ્યો છે તેમજ આવો જ નિર્ણય રાજ્યની અન્ય મહાનગરપાલિકાઓમાં પણ લાગુ કરવામાં આવે એવી લોકોએ માગ કરી હતી. રાજકોટના લોકોને પોતાના આ ચૂંટાયેલા પ્રતિનિધિઓની આ પહેલ ગમી છે અને તેઓ પણ તેને સારી ગણાવી વખાણ કરી રહ્યા છે.