રંગભેદ અભિયાનના ભાગરૂપે એક ઘૂંટણે બેસવાના સાંકેતિક સમર્થનનો ઇનકાર કરવાના કારણે છેલ્લી મેચમાંથી બહાર થયેલા ક્વિન્ટન ડી કોક શનિવારે રમાનારા સાઉથ આફ્રિકા અને શ્રીલંકા વચ્ચે રમાનારા ટી20 વર્લ્ડ કપના મુકાબલામાં રમી શકે છે અને તેની ઉપર તમામની નજર રહેશે. વિવાદ વધે તે પહેલાં ડી કોક ગુરુવારે માફી માગીને વર્લ્ડ કપની બાકીની મેચો માટે પોતાને ઉપલબ્ધ કરી દીધો હતો. તેના પુનરાગમનથી સાઉથ આફ્રિકાની બેટિંગ વધારે મજબૂત બની છે અને ડાબોડી બેટ્સમેન મોટી ઇનિંગ રમીને પોતાના ટીકાકારોને ચૂપ કરવાનો પ્રયાસ કરશે. સાઉથ આફ્રિકન ટીમ પાસે રેઝા હેન્ડ્રિક્સ, રાસી વાન ડેર ડુસૈન, એડન માર્કરામ તથા ડેવિડ મિલર જેવા બેટ્સમેનો છે જેઓ કોઈ પણ બોલિંગ આક્રમણને વેરવિખેર કરી શકે છે અને શ્રાીલંકા પણ તેમાંથી બાકાત રહેશે નહીં. જોકે આફ્રિકન બેટ્સમેનોએ શ્રીલંકન સ્પિનર વાનિંન્દુ અને મહીશ થીકસના સામે સાવચેત રહેવું પડશે. આફ્રિકા પાસે ડેથ ઓવર્સના બે બેસ્ટ પેસ બોલર કાગિસો રબાડા અને એનરિક નોર્તઝે છે. શ્રીલંકા સામે બે સ્પિનર કેશવ મહારાજ અને તબરેઝ શમ્સીનું પ્રદર્શન પણ મહત્ત્વપૂર્ણ બનશે.
ઓસ્ટ્રેલિયા સામેના પરાજયને ભૂલીને શ્રીલંકાએ નવેસરથી શરૂઆત કરવી પડશે. ઓપનર નિશાન્કા અને ફર્નાન્ડોની નિષ્ફળતા શ્રીલંકા માટે ચિંતાનો વિષય છે.