મેઘાલયના રાજ્યપાલ સત્યપાલ મલિકે ખેડૂતઆંદોલનને સમર્થન આપ્યું હતું. રવિવારે તેમણે જયપુરમાં એક કાર્યક્રમને સંબોધન કરતાં તેમણે જણાવ્યું હતું કે ,’ખેડૂત આંદોલનમાં લોકો મરી રહ્યા છે. પરંતુ આ નેતા કાંઇ બોલી નથી રહ્યા. પહેલાં પણ હું કહી ચૂક્યો છું કે ખેડૂતોના ધરણા સ્થળે આવીને બેસી જઇશ. ખેડૂતોના જે મુદ્દા છે તેના પર હું કાંઇક બોલીશ તો વિવાદ સર્જાઇ જશે. ગવર્નરને પદ પરથી દૂર નથી કરી શકાતા પરંતુ મારા જે શુભચિંતક છે તે એવી શોધમાં રહે છે કે હું કાંઇક બોલું અને દૂર થાઉં.
તેમણે કહ્યું કે દિલ્હીમાં બેઠેલા બે ત્રણ લોકોએ મને ગવર્નર બનાવ્યો છે. હું ખેડૂતોની તરફેણ કરતાં કાંઇ બોલીશ તો તેમને તકલીફ થશે. મને તે વાતનો અંદાજ છે. પરંતુ જો તેઓ કહેશે તો પદ છોડતાં હું એક મિનિટ પણ નહીં લગાવું.
સત્યપાલ મલિકે કહ્યું કે આટલું લાંબુ આંદોલન ક્યારેય ચાલ્યું નથી. આંદોલનમાં 600 જેટલા ખેડૂત શહીદ થઇ ગયા.
મલિક પહેલાં પણ ખેડૂતોને સમર્થન આપી ચૂક્યા છે
મેઘાલયના રાજ્યપાલ સત્યપાલ મલિક આ પહેલાં જ ખેડૂત આંદોલનને ખૂલીને સમર્થન આપી ચૂક્યા છે. એક ટીવી ચેનલને મુલાકાત આપતાં તેમણે 3 કૃષિ કાયદા વિરુદ્ધ ચાલી રહેલા ખેડૂત આંદોલનને સમર્થન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે ,’ખેડૂત આંદોલનને મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહ સાથે વાતચીત કરી છે. ખેડૂતોની માગણીઓ માનવા અપીલ પણ કરી છે. જે કરવાનું છે તે વડાપ્રધાન અને ગૃહ પ્રધાને કરવાનું છે.