ઉદયપુર દરજી હત્યાકાંડમાં એક તરફ રાજસ્થાન પોલીસે બન્ને આરોપીઓ ગૌસ મોહમ્મદ અને રિયાઝની ધરપકડ કરવામાં સફળ થઈ છે. બીજી તરફ કેન્દ્રનું ગૃહમંત્રાલય પર હરકતમાં આવી ગયું છે. હવે આ કેસની તપાસ NIAની ટીમ કરશે.
NIAએ આ સમગ્ર મામલે 5 અધિકારીઓની એક ટીમ બનાવી છે. જે આવતીકાલે બુધવારે ઘટના સ્થળે પહોંચશે. આ સિવાય ધરપકડ કરવામાં આવેલા બન્ને આરોપીઓની પણ પૂછપરછ કરશે.
એવું કહેવાય છે કે, તપાસ એજન્સીઓને આ સમગ્ર કેસમાં આતંકવાદી ષડયંત્રની ગંધ આવી રહી છે. NIAની ટીમ બન્ને આરોપીઓની પ્રોફાઈલ ચકાસી રહી છે કે, આ લોકો કોના-કોના સંપર્કમાં હતા. બન્ને આરોપીઓનું પાકિસ્તાન કનેક્શન પણ સામે આવી શકે છે.
કનૈયાલાલની હત્યા બાદ સમગ્ર વિસ્તારમાં તણાવ વધી ગયો છે. ઘટના સ્થળથી 500 મીટરના અંતરે બે પક્ષો વચ્ચે પથ્થરમારો થયો હતો. જેમાં બે યુવકો ઈજાગ્રસ્ત થયા છે. જે બાદ ધાનમંડી, ઘંટાઘર, હાથીપોળ, અંબામાત, સૂરજપોલ, ભુપાલપુરા અને સવિના પોલીસ સ્ટેશનના વિસ્તારોમાં આગામી આદેશ સુધી કરફ્યૂ લગાવી દેવામાં આવ્યો છે.
ઘટના બાદ વેપારી વર્ગમાં રોષ છે. વેપારીઓએ ઘટનાના વિરોધમાં બજાર બંધ કરીને પ્રદર્શન કર્યા હતાં. પોસ્ટ બાદથી જ કન્હૈયાલાલને જાનથી મારી નાખવાની ધમકી મળી રહી હતી. છેલ્લા કેટલાક દિવસથી તેણે દુકાન ખોલી નહોતી અને દુકાન ખોલતા જ યુવાનોએ તેની હત્યા કરી નાખી હતી. ઘટના બાદ દેખાવો શરૂ થતા મોટી સંખ્યામાં પોલીસ કુમક ખડકી દેવાઇ હતી. સીએમ અશોક ગેહલોતે લોકોને શાંતિ જાળવવા અપીલ કરી હતી.
હાલ તો ઉદયપુરમાં સ્થિતિ તણાવપૂર્ણ છે અને પોલીસ તંત્ર હાઈએલર્ટ પર છે. જિલ્લામાં 24 કલાક ઈન્ટરનેટ બંધ કરવા સાથે જંગી પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો છે.
જ્યારે સમગ્ર રાજ્યમાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. આદેશમાં કહેવામાં આવ્યું છે કે, રાજ્યના તમામ જિલ્લાઓમાં આગામી એક મહિના સુધી 144 લાગૂ રહેશે. જ્યારે ઈન્ટરનેટ સેવા 24 કલાક માટે બંધ કરી દેવામાં આવી છે.
શું છે સમગ્ર મામલો?
રાજસ્થાનના ઉદયપુરમાં નૂપુર શર્માના વિવાદિત નિવેદનનું સમર્થન કરનારી એક વ્યક્તિનું ગળું કાપીને હત્યા કરી દેવાઇ છે. મંગળવારે બે મુસ્લિમ યુવાનો માપ આપવાના બહાને દરજીની દુકાને પહોંચ્યા હતા અને ધારદાર હથિયારથી હત્યા કરી હતી. તાબડતોબ ઘા મારવાને કારણે દરજીની ગરદન કપાઇ ગઇ હતી અને તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. હુમલામાં દુકાનમાં કામ કરતો દરજીનો સાથી ઇશ્વર સિંહ પણ ઘવાયો હતો. જેને સારવાર માટે દાખલ કરાયો હતો.
મૃતક કનૈયાલાલે થોડા દિવસ પહેલાં સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી હતી. જેમાં તેણે નૂપુર શર્માના નિવેદનને સમર્થન આપ્યું હતું. જેના કારણે મુસ્લિમ સમુદાયમાં નારાજગી હતી. કન્હૈયાલાલની હત્યા બાદ સોશિયલ મીડિયા પર બે વીડિયો વાઇરલ થયા હતા. જેમાં એકમાં હત્યારાઓએ હત્યાનો લાઇવ વીડિયો બનાવ્યો હતો, જેમાં કન્હૈયાલાલ આજીજી કરતા જોવા મળ્યો હતો જ્યારે અન્ય વીડિયોમાં બંને હત્યારા હત્યાની જવાબદારી લેતા જોવા મળ્યા હતા. તેમણે વીડિયોમાં ધમકી પણ આપી હતી કે, ઉદયપુર વાલો, ગુસ્તાખે નબી કી એક હી સજા, સર તન સે જુદા. આ ઘટના શહેરના ધાનમંડી વિસ્તારના ભૂત મહેલ ક્ષેત્રનો છે.