ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની મેચ ભારત અને પાકિસ્તાન વચ્ચે આજે દુબઈના મેદાન પર રમાશે. આ મેચ પહેલા પીસીબીએ આઈસીસીને એક પત્ર લખ્યો છે જેમાં લાહોરમાં ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચેની મેચની શરૂઆત પહેલા ભારતનું રાષ્ટ્રગીત વગાડવા અંગે સ્પષ્ટતા માંગવામાં આવી છે જેને લઈ વિવાદ વધી રહ્યો છે.
દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે મેચ
ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ભારત અને પાકિસ્તાન વચ્ચે ગ્રુપ Aની મેચ 23 ફેબ્રુઆરીએ દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે. આ મેચ પહેલા જ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે પોતાની ફરિયાદ લઈને ICC સુધી પહોંચી છે, જેમાં તેણે લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાયેલી મેચમાં બનેલી ઘટના પર જવાબ માંગ્યો છે. વાસ્તવમાં, આ મેચની શરૂઆત પહેલા, જ્યારે બંને ટીમના ખેલાડીઓ રાષ્ટ્રગીત માટે મેદાનમાં આવ્યા હતા, ત્યારે અચાનક થોડી સેકન્ડ માટે ભારતીય રાષ્ટ્રગીત વગાડવામાં આવ્યું હતું, જેણે બધાને આશ્ચર્યચકિત કરી દીધા હતા કારણ કે ટીમ ઈન્ડિયા આ ટૂર્નામેન્ટમાં તેની તમામ મેચ દુબઈમાં રમી રહી છે, તેથી ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચેની મેચમાં અચાનક ભારતીય રાષ્ટ્રગીત વગાડવું બધા માટે ચોંકાવનારું હતું.
પીસીબીએ આઈસીસીને પત્ર લખ્યો છે
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે હવે લાહોરમાં ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચેની મેચમાં ભારતનું રાષ્ટ્રગીત વગાડવાની ઘટના પર આઈસીસીને એક પત્ર લખ્યો છે, જેમાં મીડિયા એજન્સીના રીપોર્ટ અનુસાર, આઈસીસીના એક સૂત્રએ આ અંગે નિવેદન આપતા કહ્યું કે પીસીબીએ સ્પષ્ટપણે આઈસીસીને આ ગડબડ માટે જવાબદાર ગણાવ્યું છે અને તેઓએ આ અંગે અમારી પાસેથી સ્પષ્ટતા પણ માંગી છે. તેણે પોતાના પત્રમાં લખ્યું છે કે ભારતીય ટીમ પાકિસ્તાનમાં રમી રહી નથી, તેથી પ્લે લિસ્ટમાંથી ભૂલથી તેનું રાષ્ટ્રગીત કેવી રીતે વગાડવામાં આવ્યું તે સમજની બહાર છે. તમને જણાવી દઈએ કે આ પહેલા પણ પીસીબીએ આઈસીસીને પત્ર લખ્યો હતો કે દુબઈમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની મેચ દરમિયાન ટીવી સ્ક્રીન પર તેના નામનો લોગો બતાવવામાં આવ્યો ન હતો. તેના જવાબમાં ICCએ પોતાની ભૂલ સ્વીકારી અને કહ્યું કે દુબઈમાં રમાનારી તમામ મેચોમાં પાકિસ્તાનના નામ સાથેનો ત્રણ લીટીનો આડો લોગો બતાવવામાં આવશે.
દુબઈમાં યોજાનારી મેચ તમામની નજર
ભારત અને પાકિસ્તાન વચ્ચે દુબઈના મેદાન પર રમાનારી મેચ બંને ટીમો માટે ખૂબ જ મહત્વપૂર્ણ બની રહી છે કારણ કે સમગ્ર ક્રિકેટ જગતની નજર આ મેચ પર ટકેલી છે. ટીમ ઈન્ડિયાના ફોર્મને જોતા તેમને ઉપરી હાથ માનવામાં આવે છે, પરંતુ તેઓ પાકિસ્તાનની ટીમને હળવાશથી લેવાની ભૂલ નહીં કરે. દુબઈની ધીમી પીચ પર રમાતી આ મેચમાં ટોસની ભૂમિકા પણ ઘણી મહત્વની રહેવાની છે, જેમાં લક્ષ્યનો પીછો કરવો થોડો મુશ્કેલ સાબિત થયો છે.
( મીડિયા રીપોર્ટ અનુસાર )