જૂનાગઢમાં શિવરાત્રીના મેળો મધ્યાહને પહાંચ્યો છે, ત્યારે આજે મેળાના ત્રિજા દિવસે રેકોર્ડ બ્રેક છ લાખ ભાવિકો ઉમટી પડતા ગીરી તળેટીમાં શિવ સાથે જીવનું મિલન અને લાખો ભાવિકોએ શિવભક્તિમાં ડૂબકી લગાવી હતી. શિવમેળામાં લાખો શિવભકતોએ સ્વયંભૂ ભવનાથ દાદાના દર્શન અર્ચન કરીને નાગા સાધુઓની સાધના અને લીલાને નિહાળીને અવિભૂત બન્યા છે.
આવતીકાલથી છેલ્લા બે દિવસ ભવનાથમાં માનવ સાગર ઉમટી પડે તેવી સ્થિતિનું નિર્માણ અત્યારથી જોવા મળી રહ્યું છે. છેલ્લા બે દિવસ બાકી છે ત્યારે આજે મેળામાં લાખો શ્રાધ્ધાળુઓથી ભવનાથ વિસ્તાર શિવભક્તિમાં લીન થયો હતો. વિશ્વ વિખ્યાત જેની ખ્યાતી છે તેવા ગિરનારના શિવરાત્રીના મેળામાં જેના થકી મેળો ઉજળો છે તેવા લાખો યાત્રિકોથી ઉભરાઈ પડયો છે.
સાંજ ઢળેને યાત્રિકોનો પ્રવાહ ભવનાથ ભણી જોવા મળ્યો હતો, આજે તેમાં ઉતરોતર વધારો જોવા મળ્યો છે. હાલ શિવરાત્રીના મેળાના છેલ્લા બે દિવસ બાકી હોય તેને લઈને આવતીકાલથી બે દિવસ લાખો શ્રાધાળુઓ મેળાની મોજ અને અંતિમ દિવસે રવેડીના દર્શન માટે ઉમટી પડશે તેવી તંત્રને ધારણા છે. ભવનાથમાં જે રીતે મેળામાં ચકડોળ, બાળકો માટેના મનોરંજનના સાધનોમાં મોટી સંખ્યામાં લોકોએ મેળાની મોજ માણી રહ્યા છે. તો ભવનાથમાં ચારેતરફ આખો દિવસ હરીહરનો સાદ ગુંજતો સંભળાય છે.
સાંજ પડેને ચારે દિશામાં શિવ આરાધનાના ગીતોથી સંતવાણી, લોકડાયરામાં કલાકારો શિવભક્તિમાં લીન બન્યા છે. યાત્રિકો ભજન, ભોજન અને ભક્તિના આ ત્રિવેણી સંગમમાં ડૂબકી લગાવી રહ્યા છે.