ક્વિન્ટન ડી કોકના ઉપયોગી રન બાદ બોલર્સે કરેલી શિસ્તબદ્ધ બોલિંગની મદદથી લખનઉ સુપર જાયન્ટ્સ ટીમે અહીં રમાયેલી આઇપીએલની લીગ મેચમાં પંજાબ કિંગ્સને 20 રનથી હરાવીને ટૂર્નામેન્ટમાં છઠ્ઠો વિજય મેળવ્યો હતો. લખનઉના આઠ વિકેટે 153 રનના જવાબમાં ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરનાર પંજાબની ટીમ આઠ વિકેટે 133 રન બનાવી શકી હતી. મયંક અગ્રવાલે 25 તથા જોની બેરિસ્ટોએ 32 રનનું યોગદાન આપ્યું હતું. લખનઉ માટે મોહસિન ખાને 24 રનમાં ત્રણ તથા ચામીરાએ 17 રનમાં બે વિકેટ ઝડપી હતી.
પંજાબની શાનદાર બોલિંગ
સુકાની લોકેશ રાહુલ (6) ત્રીજી જ ઓવરમાં આઉટ થયા બાદ અન્ય ઓપનર ક્વિન્ટન ડી કોક અને દીપક હૂડાએ ઇનિંગને ધીમે ધીમે આગળ વધારી હતી અને બંનેએ બીજી વિકેટ માટે 85 રનની ભાગીદારી નોંધાવી હતી. ડી કોક 37 બોલમાં ચાર બાઉન્ડ્રી અને બે સિક્સર વડે 46 તથા દીપક 28 બોલમાં 34 રન બનાવીને આઉટ થયો હતો. દીપકના રનઆઉટ થયા બાદ લખનઉની ટીમનો ધબડકો થયો હતો અને કૃણાલ પંડયા સાત, માર્કસ સ્ટોનિસ એક, આયુષ બદોની ચાર રન બનાવીને આઉટ થતાં લખનઉની ટીમનો સ્કોર 16મી ઓવરમાં છ વિકેટે 111 રનનો થયો હતો. કેરેબિયન ઓલરાઉન્ડર જેસન હોલ્ડરે 11, શ્રીલંકાના દુષ્મંથા ચામીરાએ 17 તથા મોહસિન ખાને 13 રન બનાવીને ટીમના સ્કોરને 150 સુધી પહોંચાડી દીધો હતો.