આઇપીએલ 2022ની શરૂઆત થાય તે પહેલાં જ કોલકાતા નાઇટ રાઇડર્સને મોટો ફટકો પડયો છે. ટીમનો પેસ બોલર પેટ કમિન્સ અને બેટ્સમેન એરોન ફિન્ચ પ્રારંભિક પાંચ મેચમાંથી બહાર થઈ ગયા છે.
બન્નેની ગેરહાજરી ચિંતાનો વિષય
કોલકાતાના મેન્ટર ડેવિડ હસ્સીએ આ બાબતને સમર્થન આપ્યું હતું. ફિન્ચને ઇંગ્લેન્ડના એલેક્સ હાલેસના સ્થાને લેવામાં આવ્યો છે. બન્ને ખેલાડીઓમાં સંદર્ભમાં હસ્સીએ જણાવ્યું હતું કે બન્નેની ગેરહાજરી અમારા માટે ચિંતાનો વિષય છે. પ્રત્યેક ટીમો પોતાના મેચવિનર ખેલાડીઓ સાથે મેદાનમાં ઊતરવા માગતી હોય છે પરંતુ ઇન્ટરનેશનલ ક્રિકેટથી વધારે કશું હોતું નથી. પ્રત્યેક ખેલાડી પોતાના દેશ માટે રમવા માગતો હોય છે અને તેમની પણ જવાબદારીઓ હોય છે.
કમિન્સ-ફિન્ચ પાંચ મેચ ગુમાવશે
ડેવિડ હસ્સીએ જણાવ્યું હતું કે કમિન્સ અને ફિન્ચ પ્રારંભિક પાંચ મેચ ગુમાવશે પરંતુ તેઓ ફિટ હશે તો જેવા તેઓ ટીમ સાથે જોડાશે કે તરત જ તે બન્ને મેચ રમવા માટે સંપૂર્ણપણે તૈયાર રહેશે. નોંધનીય છે કે ઓસ્ટ્રેલિયન ટીમ અત્યારે પાકિસ્તાન સામે ત્રીજી ટેસ્ટ રમી રહી છે. પેટ કમિન્સ ટેસ્ટમાં અને ફિન્ચ ટી20 તથા વન-ડેમાં ટીમનું નેતૃત્વ કરી રહ્યા છે. પાંચમી એપ્રિલ બાદ બન્ને ખેલાડીઓ ભારત આવશે.