વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Modi) આજે નેતાજી સુભાષ ચંદ્ર બોઝની 126મી જન્મજયંતિ નિમિત્તે વીડિયો કોન્ફરન્સ દ્વારા આંદામાન-નિકોબાર ટાપુઓમાં નેતાજી સુભાષ ચંદ્ર બોઝને શ્રદ્ધાંજલિ અર્પી હતી. આ સાથે પીએમ મોદીએ આંદામાન-નિકોબારના 21 ટાપુઓના નામ શહીદોના નામ પર રાખ્યા. અત્યાર સુધી આ બેનામી ટાપુઓ હતા, પરંતુ આજથી આ ટાપુઓ પરમવીર ચક્ર વિજેતા તરીકે ઓળખાશે.
આ ટાપુઓનું નામ નાયબ સુબેદાર બાના સિંહ, કેપ્ટન વિક્રમ બત્રા, લેફ્ટનન્ટ મનોજ કુમાર પાંડે સહિત 21 પરમવીર ચક્ર વિજેતાઓના નામ પરથી રાખવામાં આવ્યું છે. તેમાં મેજર સોમનાથ શર્મા, સુબેદાર અને માનદ કેપ્ટન (તત્કાલીન લાન્સ નાઈક) કરમ સિંહ, સેકન્ડ લેફ્ટનન્ટ રામા રાઘોબા રાણે, નાઈક જદુનાથ સિંહનો સમાવેશ થાય છે.
કેન્દ્ર સરકારે પરમવીર ચક્ર વિજેતાઓને સન્માનિત કરવા માટે આ પહેલ કરી છે. 21 ટાપુઓમાંથી, 16 ઉત્તર અને મધ્ય આંદામાન જિલ્લામાં અને પાંચ દક્ષિણ આંદામાનમાં સ્થિત છે. આ દરમિયાન કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે આજે એટલે કે સોમવારે નેતાજી સુભાષ ચંદ્ર બોઝની 126મી જન્મજયંતિ નિમિત્તે આંદામાન અને નિકોબાર ટાપુઓમાં ત્રિરંગો ફરકાવ્યો હતો. અમિત શાહ આંદામાન-નિકોબાર ટાપુઓની બે દિવસીય મુલાકાતે રવિવારે મોડી રાત્રે પોર્ટ બ્લેર પહોંચ્યા હતા.
અધિકારીઓએ જણાવ્યું હતું કે નેતાજીએ 30 ડિસેમ્બર, 1943ના રોજ અહીંના જીમખાના મેદાનમાં રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો અને શાહ આજે તે જ સ્થળે ધ્વજ ફરકાવશે. આ મેદાનનું નામ હવે 'નેતાજી સ્ટેડિયમ' છે. અમિત શાહ સેલ્યુલર જેલની પણ મુલાકાત લે તેવી શક્યતા છે, જ્યાં ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન ઘણા સ્વાતંત્ર્ય સેનાનીઓને રાખવામાં આવ્યા હતા. આંદામાન અને નિકોબાર ટાપુઓ જાપાનના કબજામાં હતા અને ઔપચારિક રીતે 29 ડિસેમ્બર 1943ના રોજ નેતાજીની આઝાદ હિંદ સરકારને સોંપવામાં આવ્યા હતા.