એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ બુધવારે ફરીથી શિક્ષક ભરતી કૌભાંડમાં કોલકત્તાની આસપાસના ત્રણ સ્થળોએ દરોડા પાડ્યા હતા. આ દરમિયાન EDને અર્પિતા મુખર્જીના બેલઘરિયા સ્થિત અન્ય ફ્લેટમાંથી લગભગ 29 કરોડ રોકડ (રૂ.28.90 કરોડ) અને 5 કિલો સોનું મળ્યું હતું. આ પૈસાની ગણતરી કરવામાં EDની ટીમને લગભગ 10 કલાકનો સમય લાગ્યો હતો. ચોંકાવનારી વાત એ છે કે અર્પિતાએ આ પૈસા ફ્લેટના ટોયલેટમાં છુપાવ્યા હતા.
હકીકતમાં EDએ તાજેતરમાં શિક્ષક ભરતી કૌભાંડ સંબંધિત કેસમાં પશ્ચિમ બંગાળમાં મમતા સરકારના મંત્રી પાર્થ ચેટરજીની ધરપકડ કરી હતી. અર્પિતા મુખર્જી પાર્થ ચેટરજીના નજીક મનાય છે. માત્ર 5 દિવસ પહેલા જ EDને અર્પિતાના ફ્લેટમાંથી 21 કરોડ રોકડા અને તમામ કિંમતી વસ્તુઓ મળી હતી. અર્પિતાની 23 જુલાઈએ ED દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.
બીજી તરફ EDની આ કાર્યવાહી બાદ વિપક્ષી પાર્ટીઓ TMC પર પાર્થ ચેટરજીને કેબિનેટમાંથી હટાવવાની માંગણી કરી રહ્યું છે. એટલું જ નહીં શિક્ષક ભરતી કૌભાંડમાં મની ટ્રેઇલની તપાસ કરી રહેલી EDએ પશ્ચિમ બંગાળ બોર્ડ ઑફ સેકન્ડરી એજ્યુકેશનના ભૂતપૂર્વ અધ્યક્ષ TMC ધારાસભ્ય માનિક ભટ્ટાચાર્યની પણ પૂછપરછ કરી હતી.
EDએ બુધવારે સવારે દક્ષિણ કોલકાતાના રાજદંગા અને બેલઘરિયામાં અર્પિતા મુખર્જીની કથિત મિલકતો પર દરોડા પાડ્યા હતા. અર્પિતા મુખર્જીએ EDની પૂછપરછ દરમિયાન આ સંપત્તિઓનો ખુલાસો કર્યો હતો.
EDને આ ફ્લેટમાં પ્રવેશવા માટે દરવાજો તોડવો પડ્યો, કારણ કે તપાસ એજન્સીને તેમની ચાવીઓ મળી ન હતી. ED અધિકારીઓએ ન્યૂઝ એજન્સી સાથેની વાતચીતમાં જણાવ્યું કે અમને એક હાઉસિંગ કોમ્પ્લેક્સના ફ્લેટમાંથી સારી એવી રકમ મળી છે. રોકડ ગણવા માટે ત્રણ નોટ ગણવાના મશીન લાવવા પડ્યા હતા. એટલું જ નહીં ફ્લેટમાંથી ઘણા મહત્વપૂર્ણ દસ્તાવેજો પણ મળી આવ્યા છે. મંત્રી અને મુખર્જીની પૂછપરછ અંગે પૂછવામાં આવેલા સવાલ પર ED અધિકારીએ કહ્યું કે અર્પિતા તપાસમાં સહકાર આપી રહી છે, જ્યારે પાર્થ ચેટર્જી આવું કરી રહ્યા નથી.
બીજી તરફ પાર્થ ચેટરજીને કેબિનેટમાંથી હાંકી કાઢવાની માંગણી તેજ બની છે. રાજ્યના વિપક્ષના નેતા શુભેન્દુ અધિકારી રાજભવન ખાતે રાજ્યપાલ લા ગણેશનને મળ્યા અને મંત્રીમંડળમાંથી ચેટરજીની હકાલપટ્ટીની માંગણી કરી.