ચીન લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ એટલે કે LAC પર સૈનિકોની સંખ્યા વધારી રહ્યું છે, સાથે જ અહીં શસ્ત્રો પણ એકત્ર કરી રહ્યું છે. ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ આ માહિતી ગુરુવારે જણાવી હતી. તેમણે સ્પષ્ટ કર્યું કે ભારત ચીનની હરકતો પર પણ ચાંપતી નજર રાખી રહ્યું છે અને દેશની સુરક્ષા માટે તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.
ચીનનું ઉશ્કેરણીજનક કૃત્ય
એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન બાગચીએ કહ્યું - ચીન ઉશ્કેરણીજનક કૃત્યો કરીને તે LACમાં ફેરફાર કરવાનો પ્રયાસ કરી રહ્યું છે, પરંતુ ભારત પણ પોતાની સરહદોની સુરક્ષા કરવાનું જાણે છે અને અમે દરેક હિતનું રક્ષણ કરવા તૈયાર છીએ.
બુધવારે ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા હુઆ ચુનિયાંગે ભારતીય સેના પર ચીનના પ્રદેશ પર ગેરકાયદે કબજો કરવાનો આરોપ લગાવ્યો હતો. ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ ચીનના દાવાઓ અને આક્ષેપોને ફગાવી દીધા હતા અને કહ્યું કે ચીન સરહદ પર તમામ પ્રકારની તૈનાતી વધારી રહ્યું છે, પરંતુ ભારત તેના પર ચાંપતી નજર રાખી રહ્યું છે.
ચીનને જવાબ આપવાની તૈયારી
એક સવાલના જવાબમાં બાગચીએ કહ્યું - LAC પર અમે જે પણ તહેનાતી કરી છે તે ચીનની તૈયારીના જવાબમાં છે. જો તે બાજુથી કોઈ કાર્યવાહી થાય, તો ભારતને અધિકાર છે કે તે તેનો જવાબ આપે. અમે ઇચ્છીએ છીએ કે ચીન લદ્દાખમાં પહેલાથી વણઉકેલાયેલા મુદ્દાઓને વાતચીત દ્વારા ઉકેલે.
બાગચીએ કહ્યું- આ મહિને તઝાકિસ્તાનની રાજધાની દુશાંબેમાં અમારા વિદેશ મંત્રી જયશંકરે ચીનના વિદેશ મંત્રી વાંગ યીને કહ્યું કે બંને દેશોએ વણઉકેલાયેલા મુદ્દાઓને ઉકેલવા માટે વાતચીત કરવી જોઈએ. આ માટે, અગાઉના કરારો અને પ્રોટોકોલને ધ્યાનમાં લેવા જોઈએ.
જયશંકરે ચીન પર કહ્યું
ગુરુવારે સાંજે એક સમિટ દરમિયાન વિદેશ મંત્રી જયશંકરે ચીન અને અમેરિકા સાથેના સંબંધો અંગે ભારતનો પક્ષ રજૂ કર્યો હતો. વિદેશ મંત્રીએ અમેરિકા અને હિંદ-પ્રશાંત મહાસાગરની સ્થિતિ પર કહ્યું- અમે (અમેરિકા અને ભારત) અગાઉ દક્ષિણ એશિયામાં સાથે કામ કરતા ન હતા, પરંતુ હવે પરિસ્થિતિ ઝડપથી બદલાઈ ગઈ છે. તેથી જ ક્વાડ પ્લેટફોર્મ આવશ્યક બન્યું. હવે તો અફઘાનિસ્તાનનો મુદ્દો પણ છે.
એક સવાલના જવાબમાં જયશંકરે કહ્યું- ક્વાડ લશ્કરી હેતુ માટે નથી કે ન તો અમે તેને કોઈની વિરુદ્ધ બનાવ્યુ છે. કેટલાક લોકો અફવાઓ ફેલાવી રહ્યા છે, આ અંગે સાવચેત રહેવું જોઈએ.ચીન આ ક્ષેત્રમાં એક વિશાળ અને પ્રભાવશાળી દેશ છે. અર્થતંત્રની દ્રષ્ટિએ તે વિશ્વ માટે પણ મહત્વનું છે. દરેક દેશમાં જુદા જુદા પડકારો હોય છે. અમે અમારા પોતાના હિતોનું પણ ધ્યાન રાખી રહ્યા છીએ.