કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય સામાન્ય લોકોને વ્યાજબી અને સુલભ સ્વરૂપમાં આવશ્યક દવાઓ ઉપલબ્ધ કરાવવા પર સતત ભાર આપી રહ્યું છે. આરોગ્ય મંત્રાલયે હવે આવશ્યક દવાઓની નવી રાષ્ટ્રીય યાદી બહાર પાડી છે, જેમાં 384 દવાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા દ્વારા આ યાદી જાહેર કરવામાં આવી છે. મંગળવારે કેન્દ્ર સરકારે છ વર્ષ બાદ આવશ્યક દવાની સુધારેલી યાદી જાહેર કરી હતી જેમાં 34 દવાનો ઉમેરો કરવામાં આવ્યો હતો અને સામે 26 દવાઓને આ યાદીમાંથી પડતી મૂકવામાં આવી હતી. આ યાદી જાહેર થયા બાદ ડાયાબિટીસ, એચઆઈવી, ટીબી, કોન્ટ્રાસેપ્ટિવ, હોર્મોનલ, એન્ટિ-કેન્સર ઉપરાંત દરેક પ્રકારના ઉપચારમાં કામ લાગતી એન્ટિ બાયોટિક્સ દવાઓ સસ્તી થશે. સરકાર પેઇનકિલર, નિકોટીન રિપ્લેસમેન્ટ થેરેપી પ્રોડક્ટ્સની કિંમતોમાં ઘટાડો કરે તેવું અનુમાન છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ આવશ્યક દવાઓની રાષ્ટ્રીય યાદી જાહેર કરતાં જણાવ્યું હતું કે 384 દવાની આ યાદી 2015 બાદ પહેલી વાર અપડેટ કરવામાં આવી છે. આ એક લાંબી પ્રક્રિયા હોય છે જેમાં 350થી વધારે તજજ્ઞોની સાથે 140 લોકોના વિચાર-વિમર્શ બાદ તેને ઇશ્યૂ કરવામાં આવી છે અને તેમાં તેના 1,000 જેટલા ફોર્મ્યુલેશનનો સમાવેશ થાય છે. નોંધનીય છે કે આમ તો આ યાદી દર ત્રણ વર્ષે અપડેટ કરવામાં આવતી હોય છે પરંતુ કોરોનાકાળમાં આ કામગીરી થઈ શકી ન હતી.
NLEMનું લોન્ચિંગ 2015માં કરવામાં આવ્યું હતું
આવશ્યક દવાઓની રાષ્ટ્રીય યાદી (NLEM)મા સામેલ થનારી દવાઓ અને ઉપકરણોની કિંમત રાષ્ટ્રીય ફાર્માસ્યૂટિકલ્સ પ્રાઇસિંગ ઓથોરિટી (NPPA) નક્કી કરશે. તે પછી આ નક્કી કરેલી કિંમત પર ઉત્પાદકોએ દવાઓ અને ઉપકરણો વેચવા પડશે. NLEMને 2015માં લોન્ચ કરવામાં આવી હતી અને તેની પાછળનો ઉદ્દેશ આવશ્યક દવાઓની કિંમતો અને ઉપલબ્ધતાને નિયંત્રિત કરવાનો હતો.
સપ્ટેમ્બરમાં NLEMની સુધ��રેલી યાદી સોંપાઈ હતી
સપ્ટેમ્બરના આરંભમા ભારતીય આયુર્વિજ્ઞાન અનુસંધાન પરિષદ (ICMR)એ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીને NLEMની સુધારેલી યાદી સોંપી હતી. આ યાદીનું કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે સમીક્ષા કરી હતી અને હવે લોકોના હિતને ધ્યાનમાં રાખીને તેને ઇશ્યૂ કરી દીધી છે. આ યાદી જાહેર થતાં જ સામાન્ય લોકોને ઇલાજમાં ઘણો ફાયદો થશે.
કેન્સર પેદા કરતી હોવાથી 26 દવાને આવશ્યક દવાની યાદીમાંથી હટાવાઇ
કેન્દ્ર સરકારે આવશ્યક દવાની યાદીમાં સુધારો કરવાની સાથોસાથ ઓછામાં ઓછી 26 દવાઓને આ યાદીમાંથી હટાવી લીધી હતી તેમ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું. અહેવાલો અનુસાર આમાંની ranitidine સહિત કેટલીક દવાઓને લઇને કેન્સર થવાની ચિંતાઓ ઊભી થઇ હોવાના કારણે તેને યાદીમાંથી હટાવી લેવામાં આવી હતી. સરકારે રેનિટિડીન, સુક્રાલફેટ, વ્હાઇટ પેટ્રોલેટમ, એટેનોલોલ અને મેથિલ્ડોપા જેવી દવાઓને સુધારેલી યાદીમાંથી હટાવી લીધી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર ખર્ચની પ્રભાવશીલતા અને વધારે સારી દવાઓની ઉપલબ્ધિતાના માપદંડોના આધાર પર આ દવાઓને આવશ્યક દવાઓની યાદીમાંથી દૂર કરવામાં આવી છે.