ચીન તેની હરકતોથી બાજ નહી આવે. એક વાર ફરીથી ડ્રેગનની અવળચંડાઇ સામે આવી છે. બેઇજિંગે અરુણાચલ પ્રદેશ પર પોતાનો દાવો પુનઃ સ્થાપિત કરવા માટે આ ભારતીય રાજ્ય માટે 'ચીની, તિબેટીયન અને પિનયિન' અક્ષરોમાં નામોની ત્રીજી યાદી બહાર પાડી છે. ભારતે અરુણાચલમાં જી20 બેઠકનું આયોજન કર્યાના એક સપ્તાહ બાદ જ ચીને આ પગલું ભર્યું છે. જો કે G20 બેઠકમાં ચીને ભાગ લીધો ન હતો.
ચીનના નાગરિક બાબતોના મંત્રાલયે રવિવારે અરુણાચલ પ્રદેશ માટે 11 સ્થાનોના પ્રમાણિત નામો જારી કર્યા, જેને તે "ઝાંગનાન, તિબેટનો દક્ષિણ ભાગ" તરીકે ઓળખે છે, જે રાજ્ય પરિષદ, ચીનની કેબિનેટ દ્વારા જારી કરાયેલા ભૌગોલિક નામો પરના નિયમો અનુસાર છે. આ સાથે ચીને એક નકશો પણ જાહેર કર્યો, જેમાં અરુણાચલ પ્રદેશના કેટલાક ભાગોને દક્ષિણી તિબેટીયન ક્ષેત્રની અંદર બતાવવામાં આવ્યા છે. તેમાં અરુણાચલ પ્રદેશની રાજધાની ઇટાનગરની નજીકનું શહેર પણ સામેલ છે.
5 પર્વતો અને 2 નદીઓના નામ બદલાયા
સરકાર દ્વારા સંચાલિત ગ્લોબલ ટાઇમ્સે સોમવારે અહેવાલ આપ્યો છે કે મંત્રાલયે રવિવારે બે જમીન વિસ્તારો, બે રહેણાંક વિસ્તારો, પાંચ પર્વતીય શિખરો અને બે નદીઓ સહિત ચોક્કસ સંકલન સાથે 11 સ્થાનોના સત્તાવાર નામો જાહેર કર્યા છે. આ ઉપરાંત, સ્થાનોના નામ અને તેમના ગૌણ વહીવટી જિલ્લાઓની શ્રેણી સૂચિબદ્ધ કરી છે.
ગ્લોબલ ટાઈમ્સ એ પીપલ્સ ડેઈલી સમૂહના પ્રકાશનોનો એક ભાગ છે, જે ચાઈનીઝ કમ્યુનિસ્ટ પાર્ટીનું મુખપત્ર છે. તેણે ચીની નિષ્ણાતોને ટાંકીને કહ્યું કે નામોની જાહેરાત એક કાયદેસરનું પગલું છે અને ભૌગોલિક નામોને પ્રમાણિત કરવાનો ચીનનો સાર્વભૌમ અધિકાર છે.
ચીની મંત્રાલય દ્વારા જારી કરાયેલ અરુણાચલ પ્રદેશ માટે પ્રમાણિત ભૌગોલિક નામોની આ ત્રીજી યાદી છે. અરુણાચલમાં છ સ્થળોના પ્રમાણિત નામોની પ્રથમ યાદી 2017માં બહાર પાડવામાં આવી હતી અને ત્યારબાદ 2021માં 15 સ્થળોની બીજી યાદી બહાર પાડવામાં આવી હતી.
'મેડ અપ' નામો કંઈપણ બદલતા નથી
ભારતે ભૂતકાળમાં અરુણાચલ પ્રદેશમાં કેટલાક સ્થળોના નામ બદલવાના ચીનના પગલાને નકારી કાઢ્યું છે અને તે (ભારત) એવું જાળવતું આવ્યું છે કે રાજ્ય (અરુણાચલ પ્રદેશ) 'હંમેશા' ભારતનો અભિન્ન ભાગ છે અને 'હંમેશા' રહેશે. 'મેડ અપ' નામો આ હકીકતને બદલતા નથી.