ભારત અને ચીનની સરહદે લદાખ વિસ્તારમાં પેંગોંગ સરોવરમાં પુલનું નિર્માણ કર્યા બાદ હવે ચીને ફરી પોતાનું પોત પ્રકાશ્યું છે. લદાખના ચુશુલ ક્ષેત્રમાં અધિકારીએ દાવો કર્યો હતો કે, ચીને હવે સરહદથી ખૂબ જ નજીક પોતાની તરફ મોબાઇલ ટાવર ઊભા કર્યા છે.
લેહ જિલ્લાના ચુશુલના કાઉન્સિલર કોનચોક સ્ટાન્ઝિને એક ટ્વીટ કરીને દાવો કર્યો છે કે, ચીને ભારતીય વિસ્તારની એકદમ નજીક હોટ સ્પ્રિન્ગ વિસ્તારમાં 3 મોબાઈલ ટાવર ઉભા કર્યાં છે.
વધુમાં તેમણે જણાવ્યું છે કે, પેગોંગ સરોવરમાં પુલનું નિર્માણ કર્યા બાદ ચીને ભારતીય સરહદની નજીક હોટ સ્પ્રિન્ગ વિસ્તારમાં ત્રણ મોબાઇલ ટાવર ઊભા કર્યા છે. શું આ ચિંતાની વાત નથી? આપણે ત્યાં અહીં માનવીય વસાહતોવાળા વિસ્તારમાં 4G મોબાઇલ સુવિધા પણ નથી. મારા મત વિસ્તારના 11 ગામોમાં 4જી મોબાઇલ સુવિધા નથી.
તેમણે કહ્યું હતું કે. ચીન આ મોબાઇલ ટાવરનો ઉપયોગ આપણા વિસ્તાર પર નજર રાખવા માટે કરી શકે છે. આ સાથે જ દાવો કર્યો હતો કે, ચીન સરહદની પોતાની તરફના વિસ્તારમાં ઝડપથી માળખાકીય સવલતોનું નિર્માણ કરી રહ્યું છે.