- MLA અશ્વિન કોટવાલ આજે ભાજપમાં જોડાશે
- વિધાનસભા અધ્યક્ષે રાજીનામાંનો કર્યો સ્વીકાર
- અશ્વિન કોટવાલ કમલમ ખાતે કેસરિયો ખેસ પહેરશે
અશ્વિન કોટવાલે ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું છે. જેમાં MLA અશ્વિન કોટવાલ આજે ભાજપમાં જોડાશે. તથા વિધાનસભા અધ્યક્ષે રાજીનામાંનો સ્વીકાર કર્યો છે. તેમજ અશ્વિન કોટવાલ કમલમ ખાતે કેસરિયો ખેસ પહેરશે.
અશ્વિન કોટવાલ ભાજપમાં જોડાશે
વિધાનસભામાં ખેડબ્રહ્મા મતક્ષેત્રનું સળંગ ત્રણ ટર્મથી પ્રતિનિધિત્વ કરી રહેલા કોંગ્રેસના ધારાસભ્ય અશ્વિન કોટવાલ અખાત્રિજને મંગળવારે ભાજપમાં જોડાશે. ઉત્તર ગુજરાતની 32 બેઠકો પૈકી કુલ ત્રણ બેઠકો અનૂસુચિત જનજાતિ- ST અનામત છે. તે પૈકી ખેડબ્રહ્માના કોટવાલ મંગળવારે ધારાસભ્યપદેથી રાજીનામું આપીને પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની હાજરીમાં કોબા સ્થિત શ્રી કમલમે આદિવાસી સમર્થકો સાથે ભાજપમાં જોડાશે.
અશ્વિન કોટવાલ કમલમ ખાતે કેસરિયો ખેસ પહેરશે
ખેડબ્રહ્માને અડીને આવેલા ST અનામત મતક્ષેત્ર ભિલોડાના ધારાસભ્ય ડો. અનિલ જોષિયારાનું માર્ચ મહિનામાં અવસાન થયુ છે. તેમના પુત્ર કેવલ જોશીયારા પણ આગામી સમયમાં ભાજપમાં સામેલ થશે તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે. જો કે, અરવલ્લી કોંગ્રેસના આગેવાનો આ પ્રકારની અટકળોને ફગાવી છે. વિધાનસભા ચૂંટણીની ઘડીઓ ગણાઈ રહી છે તેવામાં એપ્રિલના છેલ્લા સપ્તાહે કોંગ્રેસનો મજબૂત ગઢ ગણાતા અનૂસુચિત જાતિ- SC અનામત વડગામ બેઠકના પૂર્વ ધારાસભ્ય મણીભાઈ વાઘેલાને પણ પાટીલે ખેસ પહેરાવી ભાજપમાં સામેલ કર્યા હતા.
વિધાનસભા અધ્યક્ષે રાજીનામાંનો કર્યો સ્વીકાર
ગતવર્ષે કોંગ્રેસ હાઈકમાન્ડે મધ્ય ગુજરાતના આદિવાસી ધારાસભ્ય સુખરામ રાઠવાને નિયુક્ત કર્યા ત્યારથી અશ્વિન કોટવાલ કોંગ્રેસમાં નારાજ હતા. માર્ચ મહિનામાં બજેટ સત્ર દરમિયાન સતત તેમની ગેરહાજરીને કારણે તેઓ ગમે ત્યારે કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાશે તેમ કહેવાતુ હતુ. જે હવે હકિકતમાં પરિવર્તિત થઈ રહ્યુ છે. ઉત્તર ગુજરાતમાં ST અનામત દાંતા, ભિલોડા અને ખેડબ્રહ્મા એમ ત્રણેય બેઠકો કોંગ્રેસના મજબૂત ગઢ રહ્યા છે. તેવામાં ખેડબ્રહ્માના સિંટિગ ધારાસભ્ય કોંગ્રેસમાંથી રાજીનામુ આપીને ભાજપમાં સામેલ થતા આવનારા સમયમાં આ ક્ષેત્રમાં ભારે રાજકીય ઉથલપાથલોની શક્યતા નકારી શકાય તેમ નથી. 14મી વિધાનસભામાં વર્ષ 2021ના અંત સુધીમાં ઉત્તર ગુજરાતના 32 પૈકી ભાજપના 14 અને કોંગ્રેસના 18 સભ્યો હતા. ઊંઝાથી ડો.આશાબહેન પટેલ, ભિલોડાથી ડો. અનિલ જોષીયારાના અવસાનથી બંને પક્ષે એક એક સભ્યનું બળ ઘટયુ હતુ. હવે કોટવાલના રાજીનામાથી ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસના 16 સાથે વિધાનસભામાં માત્ર 63 સભ્યોનું જ બળ રહેશે. ઉલ્લેખનિય છે કે, વર્ષ 2017માં કોંગ્રેસને 88 બેઠકો મળી હતી.