ભારત સરકાર દ્વારા પ્રજાસત્તાક દિનની પૂર્વ સંધ્યાએ જુદા જુદા ક્ષેત્રોમાં મહત્વનું યોગદાન આપનારા કુલ 128 મહાનુભાવો માટે પદ્મ એવોર્ડ જાહેર કરાયા છે તેમાં કુલ આઠ ગુજરાતીઓને પદ્મ એવોર્ડ માટે પસંદ કરાયા છે. આમાં સ્વામી સચ્ચિદાનંદને સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રે તેમના યોગદાન બદલ પદ્મભૂષણ એવોર્ડ માટે પસંદ કરાયા છે.
જ્યારે ‘વાત મારી જેને સમજાતી નથી, એ ગમે તે હોય ગુજરાતી નથી’ જેવી અગણિત કાવ્યપંક્તિઓથી ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ બનાવનારા ખલિલ ધનતેજવીને મરણોત્તર પદ્મશ્રીથી સન્માનિત કરાયા છે. સાહિત્ય-શિક્ષણ ક્ષેત્રમાં યોગદાન માટે બે, જાહેર સેવા માટે ચાર અને વિજ્ઞાન-એન્જિનિયરિંગ તથા તબીબી ક્ષેત્ર માટે એક-એક મહાનુભાવને પદ્મ એવોર્ડનું સન્માન મળ્યું છે. જેમાં તબીબી ક્ષેત્ર માટે ડૉ. લતા દેસાઈ, જાહેર સેવા માટે માલજીભાઈ દેસાઈ, સવજીભાઈ ધોળકિયા, રમિલાબહેન ગામીત, દાદરા અને નગર હવેલીના પ્રભાબહેન શાહ અને ફોરેન્સિક સાયન્સના જે.એમ. વ્યાસનો સમાવેશ થાય છે. જ્યારે ગુજરાતને કાર્યક્ષત્ર બનાવનારા ગુરુદાસ મહાપાત્રને પણ પસંદ કરાયા છે.
ક્યા-ક્યા ગુજરાતીઓનું થશે સમ્માન?
સ્વામી સચ્ચિદાનંદ (સાહિત્ય-શિક્ષણ)
ઉત્તર ગુજરાતમાં મોતી ચાંદુર ગામે 22 એપ્રિલ 1932માં જન્મેલા સ્વામી સચ્ચિદાનંદ સ્વામીને પદ્મભૂષણ જાહેર કરવામાં આવ્યું છે. સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રે તેમને આ પદ્મભૂષણ એવોર્ડ જાહેર કરાયો છે. તેમનું પુર્વાશ્રામનું નામ નાનાલાલ મોતીલાલ ત્રિવેદી છે. આજે 89 વર્ષની ઉંમરે પણ તેઓ સમાજ સુધારક, માનવ કલ્યાણના કામોમાં પોતાનું જીવન વ્યતીત કરી રહ્યા છે. ગાંધીનગરમાં કોબા ખાતેના તેમના આશ્રા્મમાં વ્યસન મુક્તિના અભિયાન થકી અનેક લોકોને વ્યસનથી મુક્તિ અપાવી છે.
ખલીલ ધનતેજવી (સાહિત્ય-કળા-શિક્ષણ)
વડોદરાના દિવંગત ગઝલકાર અને સાહિત્યકાર ખલીલ ધનતેજવીને સાહિત્યક્ષેત્રે તેમના અમૂલ્ય યોગદાન બદલ પદ્મશ્રી એવોર્ડ આપવાની જાહેરાત કરાઇ છે. ખલીલ ધનતેજવીનું મૂળ નામ ખલીલ ઈસ્માઈલ મકરાણી હતું. ગત વર્ષ 2021માં ૪ એપ્રિલના રોજ 85 વર્ષની વયે તેમનું અવસાન થયું હતું. તેમનો જન્મ વડોદરા જિલ્લાના ધનતેજ ગામે થયો હતો. તેઓ સાહિત્યની સાથે-સાથે પત્રકારત્વ, અને ફિલ્મ નિર્માણ સાથે પણ સંકળાયેલાં હતા.
ડૉ.લતાબેન દેસાઇ (મેડિસિન)
1980માં ગરીબ છેવાડાના માનવીને મેડિકલ સેવા પુરી પાડવા માટે ડો. અનિલ દેસાઇ અને ડો. લતાબેન દેસાઈએ 1980માં સેવા રૂરલની શરૂઆત કરી હતી. 1986માં ગરીબ બહેનોને પગભર કરવા તેમણે સેવા રૂરલની ભગીની સંસ્થા શારદા મહિલા વિકાસ સોસાયટીની શરૂઆત કરી, જેમાં પાપડ વિભાગ અને નાસ્તા વિભાગની શરૂઆત કરાઇ હતી. જે બાદ અન્ય સમાજ ઉપયોગી સેવાઓ જેવા કે ટેકનીકલ તાલિમ કેન્દ્ર, સિવણ, નર્સિગ તાલિમ સહિતની સેવા શરૂ કરી હતી.
માલજીભાઇ દેસાઇ (જાહેર બાબતો)
ચાણસ્મા તાલુકાના લણવાના વતની અને લોક સેવક માલજીભાઈ દેસાઈને પદ્મશ્રી એવોર્ડ જાહેર કરાયો છે. પ્રખર ગાંધીવાદી વિચારધારા થકી હંમેશા સત્ય અને સાદગીને જીવનમંત્ર બનાવીને માલજીભાઈએ ઉ.ગુજરાતમાં સેવાદળ, પછાત વર્ગોના છાત્રાલયો, આશ્રામ શાળાઓ, સર્વોદય, વિવિધ ખાદીગ્રામોદ્યોગ, દૂધસાગર ડેરી સહિતની સહકારી સંસ્થાઓ તેમજ ઝીલીયા ગાંધી આશ્રામના સંચાલક અને બુનિયાદી શિક્ષણ સહિતની શૈક્ષણિક પ્રવૃત્તિઓના હિમાયતી રહ્યા છે.
રમીલાબેન ગામીત (સામાજિક કાર્ય)
સોનગઢ તાલુકા મથકથી 20 કિમી દુર આવેલા અંતરિયાળ અને ડુંગરાળ વિસ્તારમાં આવેલા ટાપરવાડામાં અનુ. સુચિ, જનજાતિના લોકો વધુ છે. રમીલાબેને ગામમાં મહિલાઓના સંગઠનમાં સિંહફાળો આપ્યો છે. આ સાથે જ મહિલાઓને આર્થિક રીતે પગભર કરવા તેમજ ગામોમાં શૌચાલયની સ��વિધા ઉપલબ્ધ કરવા માટે તેમણે બીડુ ઝડપ્યુ હતુ. મહિલાઓ માટે તેમના બાળકોના ભણતર તેમજ મેડિકલ સારવાર માટે સુવિધા ઉભી કરવાની દીશામાં પણ પહેલ કરી.
ગુરુપ્રસાદ મહાપાત્ર (જાહેર સેવાઓ)
ગુજરાત કેડરના સ્વર્ગસ્થ આઇએએસ ડૉ. ગુરુપ્રસાદ મહાપાત્રને સિવિલ સર્વિસિસ ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન બદલ પદ્મશ્રી એવોર્ડથી નવાજેશ કરાયા છે. કોરોના અને એને પગલે શરીરના અન્ય અવયવોમાં ખરાબીને કારણે જાન્યુઆરી-2021માં એમનું અવસાન થયું હતું, ત્યારે તેઓ કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય હેઠળના ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટર્નલ ટ્રેડના સેક્રેટરી તરીકે ફરજ બજાવતા હતા. મૂળે ઓડિશાના કટક ખાતેના વતની એવા 1986 બેચના આઇએએસ ડૉ. ગુરુપ્રસાદ મહાપાત્ર જુલાઈ-2016માં કેન્દ્રીય ડેપ્યુટેશન ઉપર દિલ્હી ગયા એ અગાઉ તેઓ રાજ્યમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર, રાજ્ય વેરા વિભાગના મુખ્ય કમિશનર જેવી હાઇ પ્રોફાઇલ જગ્યાઓ ઉપર ફરજ બજાવી ચૂક્યા હતા. દિલ્હીમાં ડેપ્યુટેશન ઉપર એમણે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના ચેરમેન તરીકે નોંધપાત્ર ભૂમિકા ભજવી હતી.
ડો. જે.એમ. વ્યાસ (સાયન્સ-એન્જિનિયરિંગ)
ગાંધીનગર સ્થિત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર અને ફોરેન્સિક સાયન્સ લેબના એકમાત્ર વડા ડો. જે.એમ. વ્યાસનું નામ ફોરેન્સિક ઈન્વેસ્ટિગેશનમાં દેશ અને દુનિયામાં ખ્યાતિ પ્રાપ્ત છે. તેમના વડપણ હેઠળ એફએસએલમાં ભારતના અનેક રાજ્યો ઉપરાંત વિશ્વના 70 જેટલા દેશોમાંથી અનેક જટિલ ગુનાઓના ફોરેન્સિક ઉકેલ માટે કેસ મોકલવામાં આવ્યા અને તેનું સફળ નિરાકરણ આવ્યું છે. તેમનું પદ્મક્ષી માટે નામ જાહેર કરાયું છે.
સવજીભાઇ ધોળકિયા (સામજિક કાર્ય)
સુરતના જાણીતા હીરા ઉદ્યોગપતિ સવજી ધોળકિયા મૂળ અમરેલીના લાઠી તાલુકાના દૂધાળા ગામના વતની છે. તેઓ 8000 ઉપરાંતનો કર્મચારીગણ ધરાવે છે. દિવાળી જેવા તહેવારો પર પોતાના કર્મચારીઓને ક્યારેક કાર, સોનાની ચેન કે ક્યારેક ફ્લેટ જેવા બોનસ આપનારા ઉદ્યોગપતિ જનસેવાના કાર્યો થકી પણ ખ્યાતિ ધરાવે છે.
પ્રભાબેન શાહ (સામજિક કાર્ય)
દમણના 85 વર્ષીય પ્રભાબેન શાહ લાયન્સ કલબ તથા મહિલા મંડળમાં વર્ષો સુધી સક્રિય રહ્યા હતા. એક સમયે તેઓ કોંગ્રેસ સાથે સંકળાયેલા હતા. પીઢ સામાજિક કાર્યકર પ્રભાબેને દમણમાં સામાજિક કાર્યો કર્યા છે. તેમણે મહિલા મંડળની સ્થાપના કરીને મહિલાઓના કલ્યાણ માટે સખત મહેનત કરી હતી. હાલમાં તેઓ પુત્રી વર્ષાબેન સાથે સંસ્કૃતિ બિલ્ડીંગ, દુણેઠા દમણ ખાતે રહે છે. તેના અન્ય નજીકના પરિવારના સભ્યો યુરોપના દેશોમાં સ્થળાંતર કરી ગયા છે.
જણાવી દઈએ કે, 4 લોકોને પદ્મ વિભૂષણ, 17 લોકોને પદ્મ ભૂષણ અને 107ને પદ્મશ્રીથી સમ્માનિત કરવામાં આવશે. જેમાં બિપિન રાવત ઉપરાંત ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણસિંહ, રાધેશ્યામ ખેમકાને પદ્મ વિભૂષણ, ગુલામનબી આઝાદ, નટરાજન ચંદ્રશેખરન, કૃષ્ણા એલ્લા, સુચિત્રા, મધુર જાફરી, દેવેન્દ્ર ઝાંઝરિયા, રાશિદ ખાન, રાજીવ મહર્ષિ, સુંદર પિચાઈ, સત્યા નડેલા, સાઈરસ પૂનાવાલા, સંજય રાજારામ, પ્રતિભા રેને પદ્મ ભૂષણથી સમ્માનિત કરવામાં આવશે.
ગત વર્ષે પણ ગુજરાતની 4 હસ્તિઓને પદ્મ પુરસ્કારથી સમ્માનિત કરવામાં આવ્યા હતા. જેમાં શિક્ષા અને સાહિત્યના ક્ષેત્રમાં શાહબુદ્ધિન રાઠોડ, વાપીના ગાંધીવાદી ગફૂરભાઈ બિલખિયા, ગુજરાતી કલાકાર સરિતા જોશીને પદ્મ શ્રીથી સમ્માનિત કરવામાં આવ્યા હતા.