ભાજપના પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’ ખાતે સોમવારે દિવસભર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના અધ્યક્ષપદે કારોબારીની બેઠક મળી હતી. જેમાં વિધાનસભા ચૂંટણીની રણનીતિ, કામગીરી અને જવાબદારીઓની વહેંચણી કરવા ઉપરાંત 300થી વધુ નેતાઓને ચૂંટણી લડવા રૂ.200 કરોડથી વધારે ફંડ એકત્ર કરવા ટાર્ગેટ આપવામાં આવ્યો હતો.
ભારતમાં સૌથી વધુ આર્થિક સંપત્તિ અને ફંડ માત્ર ભાજપ પાસે છે. ગુજરાતમાં ચૂંટણી પૂર્વે તેના ખર્ચને પહોંચી વળવા ‘વ્હાઈટ મની’ અર્થાત ચેકથી જ રૂ.200 કરોડથી વધુનું ફંડ એકત્રિત કરવાનું કહેવાયુ છે. ભાજપમાં આ પ્રકારના ફંડ એકત્રિકરણને ‘નિધિ સંગ્રહ’ એવુ નામ અપાયુ છે.
મીડિયા સમક્ષ પ્રદેશ મહામંત્રી રજનીકાંત પટેલે જણાવ્યું કે, ભાજપનો કાર્યકર પોતાના બળ ઉપર આગળ વધે છે અને આર્થિક રીતે પાર્ટીને પણ આગળ લાવે એ ઉદ્દેશ્યથી કાર્યકર્તા અને શુભેચ્છકો પાસેથી ચેક દ્વારા સહયોગ (આર્થિક રકમ) આપશે. બધા જ કાર્યકરો રૂ.200 કરોડ કરતાં વધુ રકમ એકત્રિત થાય તેવુ આયોજન કરશે'. જો કે આ શુભેચ્છકો કોણ હશે? તેનો ફોડ તેમણે પાડયો નહોતો.
ઉલ્લેખનીય છે કે, જ્યારે પણ ચૂંટણીઓ આવે છે, ત્યારે ભાજપ ધનદાન કે નિધિ સંગ્રહ જેવા નામે ઉદ્યોગપતિઓ, ડેવલપર્સ, વેપારીઓથી લઈને સામાન્ય મતદારો પાસેથી ફંડ ઉઘરાવતું રહ્યું છે.
મોદીના PM પદે 8 વર્ષની ઉજવણી 15 દિવસ ચાલશે
કારોબારી બેઠકમાં મુખ્યમંત્રી થી વડાપ્રધાન પદ સુધી નરેન્દ્ર મોદીના 20 વર્ષના શાસનને લઈને વિધાનસભા ચૂંટણીમાં ઉતરવાનું નક્કી કરાયુ છે. આગામી 30મી મેના રોજ વડાપ્રધાનપદે નરેન્દ્ર મોદીના 8 વર્ષ પૂર્ણ થતા તેની ઉજવણી એક પખવાડિયા સુધી કરવા માટે કેન્દ્ર- રાજ્ય સરકારના વિકાસકામો, ઉપલબ્ધીઓ, નિર્ણયોને લઈને નાગરીકો વચ્ચે ભાજપના નેતા-કાર્યકરો જશે. 15મી જૂન સુધી વડાપ્રધાન મોદી, ગૃહમંત્રી અમિત શાહથી લઈને કેન્દ્રીય મંત્રીઓ પણ તબક્કાવાર ગુજરાતમાં કાર્યક્રમો યોજશે.