અમદાવાદ જિલ્લાના ખેડૂતના 31 પૈસા બાકી હોવાથી SBI દ્વારા ખેડૂતનુ નો-ડ્યુ સર્ટીફિકેટ રોકી દેવામાં આવેલુ. જેની સામે થયેલી અરજીમાં ગુજરાત હાઈકોર્ટે SBIની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢતા કહેલુ કે, 31 પૈસા બાકી છે અને તમે નો-ડ્યુ સર્ટીફિકેટ અટકાવેલુ છે? આ માત્ર હેરાન કરવા સિવાય બીજુ કંઈ નથી.
શું બેંક જાણે છે ને કે એક નિયમ છે કે, 50 પૈસાથી ઓછી રકમ હોય તો તેને અવગણવી અને તેની ગણતરી કરવી ન જોઈએ? SBI રાષ્ટ્રીયકૃત બેંક હોવા છતાં લોકોને હેરાન કરે છે. એસબીઆઈ આ મુદ્દે સોગંદનામુ કરે. આ કેસની વધુ સુનાવણી બીજી મેના રોજ હાથ ધરાશે.
ખેડૂતને પાક લોનની ચુકવણી કર્યા પછી, જમીનનો સોદો પૂર્ણ કરવા માટે નો ડ્યુ સર્ટીફિકેટની જરૂર હતી.
સુનાવણી દરમિયાન હાઈકોર્ટે ટકોર કરેલી કે, એકવાર લોનની રકમ ચુકવાઈ જાય એટલે બેંકને નો-ડ્યુ સર્ટીફિકેટ આપવા નિર્દેશ આપશે. આ સમયે એસબીઆઈની રજૂઆત હતી કે, લોનની ચુકવણી બાદ પણ ખેડૂત પાસેથી હજુ પણ 31 પૈસા વસૂલવાના બાકી છે. આ જમીન પર બેંકનો ચાર્જ દૂર કરાયેલો નથી.
શું છે સમગ્ર મામલો?
અમદાવાદના ખોરાજ ગામમાં આવેલી જમીન બે ખેડૂતોએ અન્ય એક વ્યક્તિ પાસેથી ખરીદેલી. ભૂતકાળમાં જમીન માલિકના પરિવારે એસબીઆઈ પાસેથી પાક લોન લીધેલી. આ લોન ભરપાઈ થાય તે પહેલા આ વ્યક્તિના પરિવારે જમીનને વેચી દીધેલી. આ સમયે બેંકે બાકી રકમના આધારે જમીન અને નવા માલિક પર ચાર્જ લગાવેલો. જેથી જમીનના નવા માલિકોના નામ મહેસૂલ રેકોર્ડમાં દાખલ કરી શકાયા નથી. આ સમયે જમીન ખરીદનારે નો ડ્યુ સર્ટીફિકેટ મેળવવા માટે બેંકને આ રકમ ચૂકવવાનો પણ પ્રસ્તાવ મુકેલો.
જો કે આ બાબતમાં કોઈ પ્રગતિ ન થતા, ખરીદનારે આખરે વર્ષ 2020માં હાઈકોર્ટમાં અરજી કરેલી. કેસ પડતર હતો તે દરમિયાન, લોનની પૂર્ણ ચૂકવણી થઈ ગયેલી. આમ છતાં બેંક નો-ડ્યુ સર્ટીફિકેટ આપતી ન હતી, જેના લીધે જમીન ખરીદનારના નામ પર આ જમીન થતી ન હતી.