મોરબીના રાધા કૃષ્ણ મંદિરમાં પથ્થરમારો થયો હતો. જેમાં મોહસીન મોહમદ કુરેશીની અટકાયત કરવામાં આવી છે. ત્યારે મંદિરમાં આરતી સમયે અપશબ્દ બોલી પથ્થર ફેંકાયા હતા. તથા પથ્થરમારાના CCTV સામે આવ્યા છે. તેમજ હિન્દુ સંગઠન દ્વારા કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે.
વાઘપરાના રાધાકૃષ્ણ મંદિર પર પથ્થરમારાની ઘટના
વાઘપરાના રાધાકૃષ્ણ મંદિર પર પથ્થરમારાની ઘટના સામે આવી છે. વહેલી સવારે આરતીના ટાઈમે એક શખ્સ દ્વારા મંદિર પર પથ્થરમારો કરાયો હતો. આ ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો રોષે ભરાયા હતાં. વાયુવેગે ઘટનાના સમાચાર વહેતા થતાં પોલીસનો કાફલો પણ મંદિરે પહોંચી ગયો હતો અને તપાસ શરૂ કરી હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે આ ઘટનામાં 26 વર્ષના મોહસીન મામદ કુરેશી નામના આરોપી સામે ગુનો નોંધવામાં આવ્યો છે. આ સમગ્ર પથ્થરમારાની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.
મંદિરના પૂજારી સાથે બબાલ કરીને અપશબ્દો બોલ્યા
વહેલી સવારે આરતીના સમયે મોહસીન નામના શખ્સે મંદિરના પૂજારી સાથે બબાલ કરીને અપશબ્દો બોલ્યા હતાં. તેણે ઉશ્કેરાઈને પૂજારી અને તેમના પત્ની પર પણ પથ્થરમારો કર્યો હતો. પૂજારીના પત્નીએ મંદિરનો દરવાજો બંધ કરતાં તેણે મંદિરના દરવાજા પર પણ પથ્થર માર્યા હતાં. મોહસીને અપશબ્દો બોલીને મંદિરે આવતા લોકોને સળગાવી નાખવાની ધમકી આપી હતી. આ બનાવને લઈને મોરબીના વાઘપરા વિસ્તારમાં રહેતા લોકો રોષે ભરાયા હતાં. આ ઘટનાની જાણ મોરબી પોલીસને થતાં જ પોલીસનો કાફલો મંદિરે દોડી ગયો હતો. સીસીટીવીમાં પણ આ ઘટના કેદ થઈ ગઈ હતી.