સચીન એસઇઝેડમાં આવેલા હિરાના યુનિટમાંથી સ્થાનિક બજારમાં હિરા વેચવા જતા એકને ડીઆરઆઇએ શુક્રવારના રોજ ઝડપી પાડયો હતો. તેની પુછપરછમાં ચોંકાવનારી હકીકતો બહાર આવી છે. કારણ કે કંપનીના સંચાલકોએ સિન્થેટીક ડાયમંડના બદલે નેચરલ ડાયમંડ હોંગકોંગ મોકલ્યાનુ દર્શાવીને સ્થાનિક બજારમાં જ તેનુ વેચાણ કર્યુ હતુ. જેથી હાલ તો ડીઆરઆઇની તપાસમાં 1016 કરોડનુ કૌભાંડ આચરવામાં આવ્યુ હોવાનુ બહાર આવ્યુ છે. તેમજ આ કૌભાંડમાં સંડોવાયેલા ત્રણને કોર્ટમાં રજુ કરતા કોર્ટે બે દિવસના રીમાન્ડ મંજુર કર્યા છે.
1.34 કરોડની કિંમતના 992.03 કેરેટ નેચરલ ડાયમંડ મળી આવ્યા
9 ડિસેમ્બરના રોજ ડીઆરઆઇએ સાંજના 6ઃ20 કલાકે શંકાના આધારે એક કારને અટકાવી હતી. તે કારમાં તપાસ કરતા 1.34 કરોડની કિંમતના 992.03 કેરેટ નેચરલ ડાયમંડ મળી આવ્યા હતા. જેથી ડીઆરઆઇએ નેચરલ ડાયમંડ લઇને જતા શખ્સની ધરપકડ કરી હતી. ધરપકડ દરમિયાન પુછપરછ તરતા તે સચીન એસઇઝેડમાં આવેલી કારોલિના ટ્રેડીંગ ઇન્ડિયા પ્રાઇવેટ લિમીટેડના ડાયરેકટર રાકેશ ભીખામચંદ રામપુરીયા હોવાનુ બહાર આવ્યુ હતુ.
મોટાભાગે નેચરલ હિરા દર્શાવવામાં આવતા હતા
જેથી ડીઆરઆએ તેની અને તેની કાર જીજે 05 આરએન 0673 સહિતનો મુદામાલ કબ્જે કર્યો હતો. તપાસમાં એવી ચોંકાવનારી હકીકત બહાર આવી હતી કે સચીન એસઇઝેડમાંથી અત્યાર સુધીમાં 1016 કરોડનુ ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ કરવામાં આવ્યુ હતુ. તેમાં મોટાભાગે નેચરલ હિરા દર્શાવવામાં આવતા હતા. પરંતુ સિન્થેટીક હીરા મોકલવામાં આવતા હતા. તેમજ હિરાને સચીન એસઇઝેડમાં તૈયાર કરીને વિદેશ મોકલવાના બદલે સ્થાનિક માર્કેટમાં જ નેચરલ હિરા વેચી દેવામાં આવતા હતા. તેના બદલે વિદેશમાં સિન્થેટીક ડાયમંડ મોકલી દેવામાં આવતા હતા. જેથી આ રેકેટમાં સંડોવાયેલા અન્ય ડિરેકટર સાગર બિપીનચંદ્ર શાહ અને વિકાસ વિજયચંદ ચોપરાની પણ ધરપકડ કરી છે. આ ત્રણેયને આજે ડીઆરઆઇએ કોર્ટમાં રજુ કરતા કોર્ટે ત્રણેયના બે દિવસના રીમાન્ડ મંજુર કર્યા છે.
વિદેશથી સિન્થેટીક ડાયમંડ આવ્યા હોવાનુ દર્શાવ્યુ
સમગ્ર કૌભાંડમાં રાકેશ રામપુરીયાએ વિદેશમાં માલ મોકલવા માટે સચીન એસઇઝેડની સાથે સાથે મુંબઇમાં પણ રામપુરીયા એકસપોર્ટ પ્રાઇવેટ લિમીડેટ નામની કંપની ખઓલી હતી. તેને સાગર શાહ સંભાળતો હતો. તેમજ હોંગકોંગની કંપની પાસેથી હિરા મંગાવીને તે પેટે નાંણા પણ ચુકવવામાં આવતા હતા. આ માટે એક વોટસ એપ ગૃપ પણ બનાવવામાં આવ્યુ હતુ. તેમાં કંપનીના અન્ય વિકાસ ચોપરા અને વિશાલ સોની પણ હતા. તેઓએ હોંગકોંગથી 1.34 કરોડના નેચરલ હિરા મંગાવ્યા હતા. પરંતુ વિદેશથી સિન્થેટીક ડાયમંડ આવ્યા હોવાનુ દર્શાવ્યુ હતુ.
સુરત અને મુંબઇમાં વેચ્યા હોવાનુ બહાર આવ્યુ
16.43 કરોડના ડાયમંડ સ્થાનિક બજારમાં વેચ્યા સચીન એસઇઝેડમાં તૈયાર થતા ડાયમંડને સ્થાનિક બજારમાં વેચવા હોય તો 7.50 ટકા લેખે ટેક્સ ભરવાનો હોય છે. પરંતુ કારોલીના ટ્રેડીંગ ઇન્ડિ���ા પ્રાઇવેટ લિમીટેડના સંચાલકોએ અત્યાર સુધીમાં કુલ્લે 6 પેકેટ સ્થાનિક બજારમાં એટલે કે સુરત અને મુંબઇમાં વેચ્યા હોવાનુ બહાર આવ્યુ છે. જેથી 16.43 કરોડની કિંમતના હિરા સ્થાનિક બજારમાં વેચીને કુલ્લે 1.23 કરોડનો ચુનો સરકારને ચોંપડયો હોવાનુ પણ બહાર આવ્યુ છે. જોકે હાલ તો ડીઆરઆઇ તે સિવાય અન્ય કેટલા પેકેટ વેચ્યા તેની પણ તપાસ શરુ કરી છે.