મા ભ્રાતા ભ્રાતરં દ્વિક્ષન્, મા સ્વસારમુત સ્વસા । સમ્યગ્ચઃ સવ્રતા ભૂત્વા વાચં વદત ભદ્રયા ।।
ભાઈ, ભાઈને નફરત ન કરો, બહેન બહેનને નફરત ન કરો, એકબીજાને સરખી રીતે માન-સન્માન આપો. એકબીજાના કર્મ અને કાર્યો હળીમળીને કરો તેમજ દયાથી ભરેલી વાતો કરો.આ પ્રકારની લાગણીથી પરીવારમાં કયારેય ગૃહકલેશ થતો નથી અને સયુંકત કુટુંબમાં વ્યક્તિ શાંતિપૂર્ણ જીવન જીવીને સર્વાગી પ્રગતિ કરતો રહે છે.
અથર્વવેદના આ શ્લોકનું અનુકરણ કરીને ભાઈઓની પ્રગતિ ઈચ્છતા ઉદ્યોગપતિએ તેઓને જોડે લીધા હતા. તે જ ભાઈઓએ ઉદ્યોગપતિને પીઠમાં ખંજર ભોક્યું હોય તેવો અહેસાસ થયો હતો. ભાઈઓ પ્રત્યેના પ્રેમ અને વિશ્વાસે ઉદ્યોગપતિને ઘરડેઘડપણ પોલીસ સ્ટેશન અને કોર્ટના ચક્કર કાપવાનો વખત આવ્યો હતો. આ ઉદ્યોગપતિ એટલે મધ્યપ્રદેશમાં ઈન્દોરમાં જન્મેલા અને ઈલેક્ટ્રોથર્મ કંપનીના તત્કાલિન ચેરમેન અને ડાયરેક્ટર મુકેશ ભંડારી છે. સામાન્ય પરિવારમાંથી આવતાં મુકેશ ભંડારીએ ઈંદોર છોડીને ગુજરાતને પોતાની કર્મભૂમિ બનાવી હતી. મુકેશ ભંડારીએ 1984માં ચાંદખેડાના સામાન્ય ઘરમાં પોતાની આવડતથી એક ફર્નેસ બનાવી વેપારનો પાયો નાખ્યો અને જોતજોતામાં હજારો કરોડની એસ્ટેટ ધરાવતી પ્રાઈવેટ લિમિટેડ કંપની ઊભી કરી હતી. જો કે, આ કંપનીમાં ભાઈને બેંકિંગ અને પર્ચેઝ વિભાગનું કામ સોંપ્યા બાદ તેઓ સાથે વિશ્વાસઘાત થયો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ વિવાદને પગલે હજારો કરોડની એસ્ટેટ ધરાવતી દુનિયામાં ખ્યાતી પ્રાપ્ત એવી ઈલેક્ટ્રોથર્મ કંપની વિવાદના ઘેરાવામાં આવી ગઈ છે. જે ભાઈઓનો હાથ પકડયો તે જ ભાઈઓ આજે ઈલેક્ટ્રોથર્મ કંપનીના ફાઉન્ડર મુકેશ ભંડારી અને તેમના પુત્રને તેઓની કંપનીમાંથી દૂર કરવા કારસા રચી રહ્યાના આક્ષેપ થઈ રહ્યા છે.
મૂળ મધ્યપ્રદેશના ઈંદોરના વતની મુકેશ ભંડારીનો જન્મ મધ્યમવર્ગીય પરિવારમાં થયો હતો. મુકેશ ભંડારીના પરિવારમાં તેમના પિતા ભવરલાલ, માતા ઈન્દુલેખાબહેન, ભાઈઓ રાકેશ, નાગેશ અને શૈલેષ હતા. ચારેય ભાઈઓને માતા-પિતાએ મહેનત કરીને ભણાવ્યા તેમજ બાળકોની ફી ભરવા માટે તેઓ ઘરની ચીજવસ્તુ પણ વેચી દેતા હતા. આ રીતે મુકેશ ભંડારી ઈલેક્ટ્રીક એન્જિનિયર થયા તેમજ રાકેશભાઈ ડૉકટર બન્યા હતા. નાગેશ અને શૈલેષનો અભ્યાસ ચાલી રહ્યો હતો. ચારેય ભાઈઓનો અભ્યાસ પૂર્ણ થયા બાદ મુકેશ ભંડારી અને રાકેશ ભંડારી પોતાની રીતે વેપારમાં આગળ વધી રહ્યા હતા. પણ ડૉ. નાગેશ ભંડારી અને શૈલેષ ભંડારીને તેઓના ધંધામાં ખાસ કઈ જામતું ન હોવાનું મુકેશ ભંડારીએ જણાવ્યું હતું. દરમિયાનમાં ચાંદખેડામાં સામાન્ય ઘરમાં મુકેશ ભંડારીએ ફર્નેશ બનાવવાની નાના પાયે શરૂઆત કરી હતી. જો કે, પોતાની હોશિંયારી અને મહેનતથી મુકેશ ભંડારી ફર્નેશના ધંધામાં એક મોટું નામ કમાયા જેના કારણે અબજો રૂપિયાની એસ્ટેટ ધરાવતી ઈલેક્ટ્રોથર્મ કંપનીનો જન્મ થયો હતો. મુકેશ ભંડારીની આ સફરમાં તેમના ભાઈ ડૉ રાકેશ ભંડારીનો પણ મહત્વનો ફાળો હતો. બીજી તરફ અન્ય બે નાના ભાઈઓ પોતાના ધંધાથી ખાસ કઈ ખુશ ન હતા. આથી 80થી 90ના દાયકામાં મુકેશ ભંડારીએ નાના ભાઈ શૈલેષ ભંડારીને ઈલેક્ટ્રોથર્મ કંપનીમાં બેંકિંગ અને પર્ચેઝના કામ માટે જોડે લઈ લીધા હતા. જ્યારે ડૉ નાગેશ ભંડારીને માતાના નામ પરથી શરૂ કરેલી ઈન્ડસ યુનિવર્સિટીની સંચાલક બનાવ્યા હતા. આ રીતે પરિવારને એક કરીને ચાલવાની અને તમામ પરિવારજનોની સરખી ઉન્નતી થાય તેવી વિચારધારાથી મુકેશ ભંડારીએ શૈલેષ અને નાગેશ ભંડારી બંને ભાઈઓને પોતાની જોડે લીધા હતા.
મુકેશ ભંડારીએ જણાવ્યું હતું કે, મે વિચાર્યું કે કંપનીમાં અન્ય લોકોને રાખું તેના કરતા મારા ભાઈઓને જોડે રાખું તે સારુ રહેશે અને પરિવાર આગળ વધશે. આ રીતે મે ભાઈ શૈલેષ ભંડારી પર સંપૂર્ણ ભરોસો અને વિશ્વાસ રાખ્યો બીજી તરફ હું ટેકનીકલ માણસ હોવાથી કંપનીની ટેકનિકલ બાબતોમાં ધ્યાન આપતો હતો. બેંકિંગ અને પર્ચેઝ સહિતની તમામ જવાબદારી શૈલેષભાઈ ભંડારીની રહેતી હતી. જો કે, સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાએ સીબીઆઈમાં 400 કરોડથી વધુની રકમ ના ભરી ઠગાઈ કર્યાની ફરિયાદ કંપની વિરુદ્ધ અને તેના સંચાલકો વિરુદ્ધ કરી હતી. આ બાબતે મે તપાસ કરતા મારા ધ્યાન પર આવ્યું કે, સેન્ટ્રલ બેંકમાં લોન સેનશન માટે આપેલા ડોક્યુમેન્ટમાં મારી ખોટી સહી કરવામાં આવી હતી. આ સહી થઈ તે સમય ગાળા દરમિયાન હું વિદેશમાં હતો.
તે પછી મે અન્ય બેંકોના લોન ડોક્યુમેન્ટ ચેક કર્યા જેમાં ઈન્ડિયન ઓવરસિઝ બેંકની રૂ.200 કરોડની લોનના પેપર્સમાં હું વિદેશ હતો તે સમયે મારી ખોટી સહી થઈ હતી. આ જ રીતે પરર્ચેઝ ડિપાર્ટમેન્ટના કેટલાક ડોક્યુમેન્ટ મારા પુત્ર અને કંપનીના તત્કાલિન ડિરેક્ટર સિદ્ધાર્થે ચેક કરતાં અમારા ધ્યાન પર આવ્યું કે, પરચેઝ વિભાગમાં રહીને શૈલેષ ભંડારીએ કંપનીના નાણાંની ઉચાપત કરી છે. તેઓેએ બેંકમાંથી મારા નામની ખોટી સહી કરી રૂ.480 કરોડની કેશ ક્રેડિટ મેળવી હતી. આ ઉપરાંત પરચેઝમાં તેઓએ કોલસો મંગાવ્યો તેના 70 કરોડ રૂપીયા વિદેશી કંપનીને ચૂકવી દીધા પણ માલ કંપનીમાં આવ્યો ન હતો. આ રીતે રૂ.26 કરોડની રોલીંગ મિલ અને ઈક્વિપમેન્ટનો ઓર્ડર અપાયો પૈસા ચૂકવી દીધા પણ તે માલ પણ કંપનીમાં આવ્યો ન હતો. આમ, કંપની સાથે અબજો રૂપિયાની ઉચાપતની ઘટના બની હતી. શૈલેષ ભંડારીએ બોર્ડ ઓફ ડિરેક્ટરમાંથી મારા પુત્ર સિદ્ધાર્થને પણ દૂર કરી દીધો તેમજ મને પણ કંપનીના ચેરમેન અને એમડીના પદ પરથી દૂર કર્યો હતો. જો કે,મને કોઈ લાઈફ ટાઈમ સુધી કંપનીના ડાયરેક્ટર પદેથી કાઢી શકે નહી તેવી કંપનીના નિયમોમાં જોગવાઈ છે.
આ જ રીતે ડૉ નાગેશ ભંડારી પણ ઈન્ડસ યુનિવર્સિટીમાં પોતાની મનમાની કરતા હોવાનું અને ધારાધોરણ કરતા કોર્ષની ફી અનેકગણી ઊંચી રાખી સેવાના હેતુથી શરૂ થયેલી યુનિવર્સિટીમાં તેઓએ વેપાર શરૂ કર્યાનું અમારા ધ્યાને આવ્યું હતું. આ ઉપરાંત સ્ટાફને કોઈ સૂચના વગર નોકરીમાંથી કાઢી મુકતા હોવાની ફરિયાદો વધી તેમજ યુનિવર્સિટીમાં બીજી ઘણીબધી ગેરવાજબી પ્રવૃત્તિ થતી હોવાની ફરિયાદો મળી હતી. આથી, અમે યુનિવર્સિટીમાં પ્રોફેશનલને મૂકી દેવા અને નાગેશ ભંડારીને સંચાલનમાંથી દૂર કરવાનો નિર્ણય લીધો હતો. ટ્રસ્ટ મંડળમાં સાત સભ્યોમાંથી ચાર સભ્યો અમારા હોવાથી બહુમતીમાં અમે નિર્ણય લઈ શકીએ તેમ હોવાનું તેઓ જાણતા હતા. આથી નાગેશ ભંડારી અને શૈલેષ ભંડારીએ ખોટી સહીઓ કરી મારા માતા અને અન્ય એક સભ્યએ રાજીનામું આપ્યાનું ચેરિટી કમિશનરમાં બતાવી પોતાની બહુમતી સાબિત કરી અમને ટ્રસ્ટમાંથી દૂર કરી દીધા હતા.
આ અંગે અમે ચેરિટી કમિશનરમાં પુરાવા સાથે ફરિયાદ કરી છે. આ ઉપરાંત કંપનીમાં શૈલેષ ભંડારીએ ગુંડાઓ લાવીને અમારા સ્ટાફને માર્યો અને બંદૂકો બતાવી તેઓને ગોંધી રાખ્યા હતા. શૈલેષ ભંડારીનો હેતુ અમને કંપનીમાં ના પ્રવેશવા દેવાનો હતો જો કે, મે પોલીસને ફોન કરી દેતા અમારો બચાવ થયો હતો. જે ભાઈઓને મે લાગણીથી અને પ્રેમથી મારી કંપનીમાં વિશ્વાસથી લીધા તેઓેએ મને 70 વર્ષની ઉમંરે કોર્ટ કચેરીના ચક્કર કાપતો કરી દીધો છે. આ સમગ્ર આક્ષેપો મુકેશ ભંડારી અને સિદ્ધાર્થ ભંડારીએ કર્યા છે.