દ્વિતીય વિશ્વ યુદ્ધની તે વાત છે. ઇન્ટરનેશનલ એમ્નેસ્ટી દ્વારા પોલેન્ડના સેંકડો બાળકોને સોવિયેતના અનાથાલાયમાં રાખવામાં આવ્યા હતા. તે પછી વિશ્વના કેટલાક દેશો તે અનાથ બાળકોની વહારે આવ્યા હતા. તે સમયે બ્રિટિશ ઇન્ડિયાના નવાનગર રાજઘરાનાના શાસક જામસાહેબ દિગ્વિજયસિંહજી રણજીતસિંહજીએ પણ સ્વૈચ્છિકપણે પોલેન્ડના અનાથ બાળકોને પોતાના રાજ્યમાં આશરો આપ્યો હતો.
ગ્રેટ બ્રિટનની વોર કેબિનેટના હિંદુ પ્રતિનિધિ તરીકે મહારાજા આંતરરાષ્ટ્રીય સ્થિતિઓ વિષે પૂરી માહિતી ધરાવતા હતા. દયાળુ સ્વભાવ હોવાને કારણે તેમણે સોવિયેતના અનાથાલય સુધી પહોંચી ગયેલા પોલેન્ડના સેંકડો બાળકોને આશરો આપવાનો નિર્ણય લીધો હતો. લોકો આજે ભૂલી ગયા છે કે 1939માં જર્મનીએ સોવિયેત સંઘ સાથે હાથ મિલાવીને પોલેન્ડ પર હુમલો કરી દીધો હતો. જર્મની અને સોવિયેતે તે પહેલાં મોલોતોવ-રિબ્બનટ્રોપ સંધિ કરીને પોલેન્ડના ભાગલા માટે સહમતી સાધી હતી.
નવાનગરના મહારાજ દિગ્વિજયસિંહજી રણજીતસિંહજીએ પણ આ નિરાધાર અનાથ બાળકોને આશરો આપવા ઓફર કરી હતી. પોલેન્ડના સૈન્ય, રેડક્રોસ, મુંબઇ ખાતેના પોલેન્ડના કોન્સ્યુલેટ તેમજ બ્રિટિશ અધિકારીઓની મદદથી 170 બાળકો ગુજરાતના બાલાચડી પહોંચ્યા હતા. 1942માં આ 170 બાળકો વાયા અશગાબાદથી મુંબઇ સુધી પહોંચ્યા હતા. 1500 કિ.મી. ટ્રકમાં સફર કરી હતી. સોવિયેત અનાથાલયોના નર્કાગારથી મુક્તિ મેળવીને આ બાળકો જાણે કે બાલાચડીના સ્વર્ગમાં પહોંચ્યા હતા.
હવે તમે અનાથ નથી નવાનગરના છો : મહારાજા
બાળકોને આવકારતાં મહારાજાએ કહ્યું હતું કે, ‘વે તમે અનાથ નથી. હવેથી તમે નવાનગરના છો, અને નવાનગરના સૌનો પિતા છું, તેથી હું તમારો પણ પિતા છું.’ બાળકો રમી શકે, જમી શકે અને અભ્યાસ કરી શકે તેવી બધી વ્યવસ્થા મહારાજાએ કરી હતી. અનાથોને સૂવા માટે અલગ અલગ પથારીની વ્યવસ્થા પણ આપી હતી.