ગુજરાત સરકાર નવા શૈક્ષણિક સત્રથી રાજ્યની 54 હજાર સરકારી શાળાઓમાં જ પ્રિ-પ્રાયમરી અર્થાત પૂર્વ પ્રાથમિક શિક્ષણનો અમલ કરવા આગળ વધી રહી છે. જૂન- 2022થી સરકારી શિક્ષણ વ્યવસ્થામાં બાલવાટિકા- KG શરૂ થતા પ્રાઈવેટ સેક્ટરમાં નર્સરી અને કિન્ડર ગાર્ટનથી શિક્ષણ કમ કેળવણીના નામે ચાલતી લૂંટાફટ પર પણ નિયંત્રણો આવશે તેમ મનાય છે. ગુજરાતમાં હાલમાં પ્રિ-પ્રાયમરી શિક્ષણ માટે પ્રાઈવેટ ક્ષેત્રે ચાલતી નર્સરી- KG એ જ એકમાત્ર વિકલ્પ છે. જો કે, ભારત સરકારની નવી શિક્ષણ નીતિ હેઠળ ત્રણથી 6 વર્ષ સુધીના બાળકોની કેળવણી માટે વ્યવસ્થા કરવાની માર્ગદર્શિકા છે.
એડમિશનની પ્રક્રિયા આગામી જૂન- 2022થી શરૂ થશે
આથી, ત્રણથી પાંચ વર્ષ સુધીના બાળકને ઘરથી તદ્દન નજીકના વિસ્તારમાં આંગણવાડી થકી કેળવણી અને પાંચથી છ વર્ષના બાળકને ગામ કે શહેરની સરકારી શાળાઓમાં બાલવાટિકા થકી પૂર્વ પ્રાથમિક શિક્ષણ આપવાની તૈયારી શિક્ષણ વિભાગે શરૂ કરી છે. તેના માટે એડમિશનની પ્રક્રિયા આગામી જૂન- 2022થી શરૂ થશે. સરકારી શાળાઓમાં જ શરૂ થનારી બાલવાટિકાઓને ધોરણ-1 અને 2 સુધી સળંગ એક એકમ સ્વરૂપ ગણીને શિક્ષણની વ્યવસ્થા થશે.
નર્સરીમાં લાયકાત ધરાવતા શિક્ષકો આવશે
માત્ર સરકારી શાળા જ નહિ, સરકારી શિક્ષણમાં બાલવાટિકાના દાખલ થવાથી પહેલાથી જ દુકાનો, મકાનોમાં ધમધમતા નર્સરી- KGના નામે પ્રિ- પ્રાયમરી સ્કૂલો ઉપર પણ નિયંત્રણો આવશે. પ્રિ-પ્રાયમરી એજ્યુકેશનના નામે આવી સંસ્થાઓ લાખો રૂપિયાની ફી વસૂલી રહી છે. રાજ્યનો શિક્ષણ વિભાગ ખાનગી ક્ષેત્રની આવી સ્કૂલોને નિયંત્રિત કરવા નિયમો સાથે રેગ્યુલેશન અમલમાં મુકશે. આથી, ખાનગી ક્ષેત્રે પણ નર્સરીમાં લાયકાત ધરાવતા શિક્ષકો આવશે, ફીનું માળખુ નક્કી થશે.
1લી જૂન- 2023થી 6 વર્ષ પૂર્ણ થશે તેને જ પહેલા ધોરણમાં પ્રવેશ
ગુજરાતમાં હાલમાં બાળકની વય 1લી જુનના રોજ 6 વર્ષ પૂર્ણ ન થતી હોય પરંતુ, પાંચ વર્ષથી વધુ હોય તો પણ ધોરણ-1માં પ્રવેશ મળી શકે છે. પરંતુ, આગામી શૈક્ષણિક વર્ષ પછીના વર્ષે આ છુટછાટ મળવા પાત્ર રહેશે નહી. રાજ્યના શિક્ષણ સચિવ વિનોદ રાવે કહ્યુ કે, વર્ષ 2023ના નવા શૈક્ષણિક વર્ષથી જે બાળકની વય 1લી જુનના રોજ છ વર્ષ પૂર્ણ હશે તેમને જ ધોરણ-1માં પ્રવેશ મળી શકશે. બાલવાટિકા થકી પ્રિ- પ્રાયમરી શિક્ષણ માટે સરકારી શાળાઓમાં તમામ વ્યવસ્થાઓ પૂર્ણતાને આરે હોવાનું પણ તેમણે જણાવ્યુ હતુ.
મોંઘવારીમાં પિસાતા શહેરીજનોને શહેરોમાં જ ‘સરકારી KG’ની તાતી જરૂર
દિવસેને દિવસે મોંઘવારી વધી રહી છે આ સ્થિતિમાં 4થી 6 વર્ષના બાળકો પૂર્વ- પ્રાથમિક શિક્ષણ મેળવી શક્યા નથી. આથી, ખાસ અભ્યાસક્રમો સાથે શહેરી ક્ષેત્રોમાં ગીચતા ધરાવતા અને નવા વિકસતા વિસ્તારોમાં સરકારી બાલવાટિક- KG શરૂ થાય તેવી માંગણીઓ પણ થઈ છે.