પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સરકારે પદ્મ પુરસ્કારોની જાહેરાત કરી દીધી. આ વખતે 4 મહાનુભાવોને પદ્મ વિભૂષણનું સમ્માન આપવામાં આવ્યું છે. જ્યારે 17 ને પદ્મ ભૂષણ અને 107 લોકોને પદ્મશ્રીથી સમ્માનિત કરવામાં આવ્યા છે. જો કે પુરસ્કારની જાહેરાત થવાની સાથે જ તેને લઈને વિવાદ પણ થવા લાગ્યો છે.
હકીકતમાં બે મોટી હસ્તિઓએ આ પુરસ્કાર લેવાનો ઈન્કાર કરી દીધો છે. જાણીતા પ્લેબેક સિંગર સંધ્યા મુખરજીએ પદ્મ શ્રી પુરસ્કાર લેવાનો ઈન્કાર કરી દીધો છે. જ્યારે બંગાળના પૂર્વ મુખ્યમંત્રી બુદ્ધદેવ ભટ્ટાચાર્યએ પણ પદ્મ ભૂષણ સમ્માન નહીં સ્વીકારવાનું જણાવ્યું છે.
સંધ્યા મુખરજી નારાજ
પ્લેબેક સિંગર સંધ્યા મુખરજીની પુત્રી સૌમી સેનગુપ્તાએ જણાવ્યું કે, કેન્દ્ર સરકારના અધિકારીએ ફોન કરીને તેમને સમ્માન મળવાની જાણકારી આપી. જો કે સંધ્યા મુખરજીએ તેનો અસ્વીકાર કર્યો છે. તેમનું કહેવું છે કે, 90 વર્ષની વય બાદ તેમના જેવા દિગ્ગજને પદ્મશ્રી આપવો અપમાનજનક છે. જેને લઈને તેમણે નારાજગી વ્યક્ત કરી છે.
બુદ્ધદેવ ભટ્ટાચાર્યનો પદ્મ એવોર્ડ લેવાથી ઈનકાર
પદ્મ ભૂષણ સમ્માન મેળવનાર હસ્તિઓમાં એક નામ બુદ્ધદેવ ભટ્ટાચાર્યનું પણ છે. જેમણે પુરસ્કાર લેવાનો ઈનકાર કરી દીધો છે. પશ્ચિમ બંગાળના પૂર્વ મુખ્યમંત્રી બુદ્ધદેવ ભટ્ટાચાર્યનું કહેવું છે કે, તેઓને આ અંગે કહેવામાં જ નહતું આવ્યું. જણાવી દઈએ કે, તેઓ 2000થી 2011 સુધી પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે.
બુદ્ધદેવનું કહેવું છે કે, હું પદ્મ ભૂષણ પુરસ્કાર અંગે કશું જ નથી જાણતો. મને આ વિશે કોઈએ કશું જ નથી કહ્યું. જો મને પદ્મ ભૂષણ આપવામાં આવ્યો, તો પણ હું તેને સ્વીકારવાનો ઈનકાર કરું છું.
તબલા વાદક અનિંદો ચેટરજીનો ઈનકાર
આ સિવાય તબલા વાદક પંડિત અનિંદો ચેટરજીએ પણ પદ્મ એવોર્ડ સ્વીકારવાનો ઈનકાર કર્યો છે. પંડિત રવિશંકર, ઉસ્તાદ અમજદ અલી ખાન અને ઉસ્તાદ અલી અકબર ખાન જેવા ઉસ્તાદોની સાથે કામ કરી ચૂકેલા પંડિત અનિંદો ચેટરજીએ પણ કહ્યું કે, તેમને પુરસ્કાર માટે દિલ્હીથી ફોન આવતા તેમણે પુરસ્કાર સ્વીકારવાનો ઈનકાર કર્યો છે.
વર્ષ 2002માં સંગીત નાટક એકેડમી પુરસ્કાર મેળવનાર પ્રખ્યાત તબલાવાદક ચેટરજીનું કહેવું છે કે, મેં વિનમ્રતાથી તેમનો આભાર માન્યો અને પુરસ્કાર સ્વીકારવાનો ઈનકાર કર્યો છે. હું મારી કેરિયરના આ તબક્કે પદ્મશ્રી પ્રાપ્ત કરવા માટે તૈયાર નથી.
ભાજપ અને કેન્દ્ર સરકારને ફટકો
ભાજપની કેન્દ્ર સરકારને આ મોટો ફટકો છે. ખાસ કરીને પશ્ચિમ બંગાળ જ્યાં પાર્ટીએ ગત વર્ષે ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ભાજપના કટ્ટર આલોચક રહેલા પૂર્વ મુખ્યમંત્રી બુદ્ધદેવ ભટ્ટાચાર્ય આ સમ્માનનો અસ્વીકાર કરનાર પ્રથમ વ્યક્તિ હતા. જે બાદ રાજ્યના અન્ય બે મહાનુભાવો તબલા વાદક અનિંદો ચેટરજી અને પ્રખ્યાત ગાયિકા સંધ્યા મુખરજીએ પણ પદ્મ પુરસ્કાર સ્વીકારવાનો ઈનકાર કર્યો છે.
હકીકતમાં પદ્મ પુરસ્કારને સ્વીકાર ના કરવાના ખૂબ જ ઓછા કિસ્સાઓ જ સામે આવે છે, કારણ કે એવોર્ડ મેળવનારને પહેલા જ તેની જાણકારી આપી દેવામાં આવે છે. સમ્માન સ્વીકાર્યા બાદ જ તેમના નામની જાહેરાત કરવામાં આવે છે.
આ મહાનુભાવો પણ પુરસ્કાર લેવાનો કરી ચૂક્યાં છે ઈનકાર
અગાઉ ઈમરજન્સી દરમિયાન જેલમાં રહેનારા વરિષ્ઠ પત્રકાર વિરેન્દ્ર કપૂરે 2016માં પદ્મ સમ્માન લેવાનો ઈનકાર કર્યો હતો. જ્યારે ગાયિકા સિસ્તલા જાનકીએ પણ 2013માં મળેલા પદ્મ ભૂષણ સમ્માન સ્વીકારવાથી ઈનકાર કર્યો હતો. તમિલ લેખક અને ડિરેક્ટર બી જયમોહને પણ 2016માં પત્રકાર વિરેન્દ્ર કપૂરની સાથે જ પદ્મ શ્રી સમ્માન સ્વીકારવાનો ઈનકાર કર્યો હતો.