કન્ફેડરેશન ઑફ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT)એ જાણીતા ઈ-કૉમર્સ પ્લેટફોર્મ એમેઝોન પર સનસનીખેજ આરોપ મૂક્યો છે. હકીકતમાં CAITએ એક નિવેદનમાં 14 ફેબ્રુઆરી, 2019ના રોજ પુલવામામાં CRPFના કાફલા પર થયેલા હુમલામાં એમેઝોનની ભૂમિકાનો ઉલ્લેખ કર્યો છે.
CAITનું કહેવું છે કે, પુલવામાં આતંકવાદી હુમલામાં આતંકવાદીઓએ જે કેમિકલનો ઉપયોગ બૉમ્બ બનાવવા માટે કર્યો હતો. તેને એમેઝોનની વેબસાઈટ પરથી ખરીદવામાં આવ્યો હતો. આ કેમિકલની મદદથી આતંકવાદીઓએ ઈમ્પ્રોવાઈઝ્ડ એક્સપ્લોસિવ ડિવાઈસ તૈયાર કર્યું હતું.
CAITના રાષ્ટ્રીય અધ્યક્ષ બીસી ભરતીયા અને મહાસચિવ પ્રવિણ ખંડેલવાલનું કહેવું છે કે, આ કેસમાં ધરપકડ કરવામાં આવેલા આરોપીઓની પૂછપરછમાં સામે આવ્યું છે કે, તેઓએ વિસ્ફોટક બનાવવા માટે એમેઝોનથી સામાન ખરીદ્યો હતો.
આરોપીઓએ જણાવ્યું હતું કે, તેમણે એમેઝનથી IED, બેટરી સહિત અન્ય સામગ્રી ખરીદી હતી. જ્યારે પુલવામા હુમલાને લઈને ફૉરેન્સિક તપાસમાં સામે આવ્યું હતું કે, બૉમ્બ બનાવવા માટે એમોનિયમ નાઈટ્રેટ, નાઈટ્રોગ્લિસરીનનો ઉપયોગ કર્યો હતો.
CAITનું કહેવું છે કે, ઑનલાઈન માધ્યમથી આતંકવાદીઓ એમોનિયમ નાઈટ્રેટ જેવી પ્રતિબંધિત સામગ્રી સરળતાથી ખરીદી લે છે. જ્યારે તેનો ઉપયોગ દેશ વિરોધી પ્રવૃતિઓમાં થાય છે અને દેશની રક્ષામાં તૈનાત જવાનોને ટાર્ગેટ કરવામાં આવે છે.
એમેઝોનની વેબસાઈટ પરથી ગાંજો, મારિજુઆના જેવા માદક પદાર્થોનું વેચાણ કંઈ નવું નથી. એવામાં આવા ઈ-કૉમર્સ પ્લેટફોર્મ પર દેશદ્રોહનો કેસ ચાલવો જોઈએ.
જણાવી દઈએ કે, 14 ફેબ્રુઆરી, 2019ના જમ્મુ-કાશ્મીરના પુલવામામાં આતંકવાદીઓએ સેનાના કાફલા પર આત્મઘાતી હુમલો કર્યો હતો. આ હુમલામાં સેનાના 40 જવાનો શહીદ થઈ ગયા હતા.
આ હુમલાની તપાસ કરી રહેલી એજન્સીએ જણાવ્યું હતું કે, આતંકવાદીઓએ હુમલા માટે ઉપયોગમાં લેવાતો સામાન એમેઝોન પરથી ખરીદ્યો હતો. એમેઝોને તેની ડિટેઈલ પણ તપાસ એજન્સીને શેર કરી છે. એવામાં CAIT એમેઝોન પર કાર્યવાહીની માંગ કરી રહ્યું છે.