વર્ષ 2021ને અલવિદા કરીને આપણે સૌ કોઈએ 2022માં પ્રવેશ કરી લીધો છે. નવા વર્ષ એટલે કે 2022થી સૌ કોઈને ખૂબ જ આશા છે. લોકોને આશા છે કે, તેમના જીવનમાં આ વર્ષ પરિવર્તન લાવનારુ રહે. એવામાં અમે તમને 5 એવા ગૂડ ન્યૂઝ આપવા જઈ રહ્યાં છીએ, જે 2022માં તમારી રાહ જોઈ રહી છે. એટલે કે આ તમામ સારા પરિવર્તનો તમને 2022માં થતા જોવા મળશે. તો ચાલો જાણીએ કંઈ-કંઈ ગુડ ન્યૂઝ તમારી રાહ જોઈ રહી છે….
બાળકોને મળશે કોવિડ વૅક્સિન
કોરોનાની ત્રીજી લહેરના સંકેત વચ્ચે વર્ષ 2022ની શરૂઆતમાં રાહત રહેશે. દેશમાં 3 જાન્યુઆરીથી 15 થી 18 વર્ષના બાળકોનું કોરોના વિરોધી વૅક્સિનેશન થશે. જેની જાહેરાત વડાપ્રધાન મોદીએ પહેલા જ કરી ચૂકી છે.
જણાવી દઈએ કે, 15 થી 18 વયજૂથના બાળકો માટે CoWin પોર્ટલના માધ્યમથી વૉક ઈન અને ઓનલાઈન રજિસ્ટ્રેશન બન્ને ઉપલબ્ધ કરાવવામાં આવશે. CoWin રજિસ્ટ્રેશન 1 જાન્યુઆરીથી શરૂ થશે અને સાઈટ પર રજિસ્ટ્રેશન 3 જાન્યુઆરીથી શરૂ થશે
PM મોદીએ ક્રિસમસના પર્વ પર જાહેરાત કરી હતી કે, 3 જાન્યુઆરીથી 15 થી 18 વયજૂથના બાળકોને વૅક્સિન આપવામાં આવશે. બાળકોને ભારત બાયોટેકની કોવેક્સિનની રસી મૂકવામાં આવશે. આ ઉપરાંત 10 જાન્યુઆરીથી હેલ્થ કેર અને ફ્રન્ટલાઈન વર્કર્સને બૂસ્ટર ડોઝ આપવાની શરૂઆત કરવામાં આવશે.
12 શહેરોમાં 5Gની શરૂઆત
બીજા ગુડ ન્યૂઝ એ છે કે, ભારતમાં વર્ષ 2022માં 5G આવી રહ્યું છે. 13 શહેરોમાં તેની શરૂઆત થશે. જેમાં અમદાવાદ, બેંગલુરુ, ચંદીગઢ, ચેન્નઈ, દિલ્હી, ગાંધીનગર, ગુરુગ્રામ, હૈદરાબાદ, જામનગર, કોલકતા, લખનઉ, મુંબઈ અને પૂણે સામેલ છે. 5G નેટ આવવાથી ઈન્ટરનેટની સ્પીડ વધશે. 5Gના આવવાથી ગેમિંગ ઈન્ડસ્ટ્રી અને AI ઈન્ડસ્ટ્રીમાં મોટું પરિવર્તન આવશે.
જો કે હજુ સુધી એ કન્ફોર્મ નથી કે, પહેલા કંઈ ટેલિકોમ ઑપરેટર કોમર્શિયલી 5G સર્વિસને રોલ આઉટ કરશે. નવા વર્ષમાં એ સ્પષ્ટ થઈ જશે. જિઓ, એરટેલ અને વીઆઈ પહેલાથી જ આ શહેરોમાં 5G ટ્રાયલ કરી રહ્યાં છે.
સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ પૂર્ણ થવાની શક્યતા
PM મોદીના ડ્રીમ પ્રોજેક્ટ મનાતા સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટનું કામ વર્ષ 2022ના અંત સુધીમાં પૂરું થઈ શકે છે. મીડિયા રિપોર્ટ મુજબ, શિયાળુ સત્ર 2022 સુધીમાં નવા સંસદભવનનું કામ પૂરુ થઈ શકે છે. જ્યારે સેન્ટ્રલ વિસ્ટા એવન્યુ આ વર્ષના અંત સુધીમાં પૂર્ણ થવાની આશા છે. જો કે ડિસેમ્બર 2022 સુધી વડોપ્રધાનના નવા આવાસ અને કાર્યાલયનું નિર્માણ કદાચ ના થઈ શકે.
કેન્દ્રીય આવાસ મંત્રાલય તરફથી ડિસેમ્બર 2021માં શિયાળુ સત્ર દરમિયાન સંસદમાં કહેવામાં આવ્યું હતું કે, અત્યાર સુધી સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ પર 1200 કરોડ રૂપિયા ખર્ચ થઈ ચૂક્યા છે. જ્યારે સંસદની નવી બિલ્ડિંગના નિર્માણનું કામ 35 ટકા સુધી પૂરુ થઈ ચૂક્યું છે.
સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ પર કુલ 20 હજાર કરોડ રૂપિયા ખર્ચ થવાના છે. જેમાં અત્યારે 4 પ્રોજેક્ટ પર કામ ચાલી રહ્યું છે. જેમાં નવું સંસદ ભવન, સેન્ટ્રલ વિસ્ટા એવન્યૂનું રિ-ડેવલોપમેન્ટ, 3 સચિવાલય ભવનોનું નિર્માણ અને ઉપ રાષ્ટ્રપતિના આવાસનું નિર્માણ સામેલ છે.
સિંગલ યુઝ પ્લાસ્ટિક પર રોક
પર્યાવરણ માટે હાનિકારક સિંગલ યૂઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકવાનો જે સંકલ્પ લેવામાં આવ્યો હતો, તે વર્ષ 2022માં પૂર્ણ થઈ શકે છે. કેન્દ્ર સરકાર તરફથી વર્ષ 2021ના ઓગસ્ટમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે, 1 જુલાઈ,2022થી સિંગલ યૂઝ પ્લાસ્ટિક પર સંપૂર્ણ પ્રતિબંધ થશે. આ માટે પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ એમેન્ડમેન્ટ રુલ્સ,2021 લાગૂ કરવામાં આવ્યો હતો. જો કે આ પ્રતિબંધને જમીનીસ્તર પર લાગૂ કરવો સરળ નહીં રહે, પરંતુ જો આવું થયું તો તે પર્યાવરણ માટે ખૂબ જ યોગ્ય પગલું ગણાશે.
T-20 વર્લ્ડકપ
કોરોનાના કપરા કાળના કારણે આપણે મનોરંજન માણવાનું લગભગ ભૂલી ગયા હતા. જો કે 2021નો અંત આવતા-આવતા ક્રિકેટનો આનંદ ફરીથી માણવા મળ્યો. વર્ષ 2022માં ભારતની પાસે 2-2 ICC ઈવેન્ટ્સની ટ્રોફી જીતવાની તક છે.
જણાવી દઈએ કે, માર્ચ-એપ્રિલમાં મહિલા વર્લ્ડકપની શરૂઆત થઈ રહી છે. 31 મેચોના આ કાર્યક્રમની જાહેરાત પહેલા જ થઈ ચૂકી છે. 50 ઓવરોની આ વર્લ્ડકપ ટૂર્નામેન્ટ ન્યૂઝીલેન્ડમાં 4 માર્ચથી 3 એપ્રિલ 2022 સુધી રમાશે.
જ્યારે 2022ના અંતમાં પુરુષ ટી-20 વર્લ્ડકપ ઑસ્ટ્રેલિયામાં થવાનો છે. T-20 વર્લ્ડકપ 2022માં 16 ઑક્ટોબરથી શરૂ થશે અને 13 નવેમ્બરે ફાઈનલ રમાશે. વર્ષ 2021માં ઑસ્ટ્રેલિયા ચેમ્પિયન બન્યુ હતું. આ વર્ષે 2022માં આ ટૂર્નામેન્ટ ઑસ્ટ્રેલિયામાં જ રમાવાની છે. આ સમગ્ર ટૂર્નામેન્ટનો કાર્યક્રમ આ મહિનામાં ગમે ત્યારે જાહેર થઈ શકે છે.