આજથી વીસ વર્ષ પહેલાં લોકતંત્રના મંદિર પર હુમલો થતા સમગ્ર દેશમાં હાહાકાર મચ્યો હતો. આજનો દિવસ ઇતિહાસના પાના પર કાળા અક્ષરોમાં લખાઇ ગયો છે. તારીખ 13મી ડિસેમ્બર 2001, સવાર સુધી બધું સામાન્ય હતું. સંસદનું શિયાળુ સત્ર શરૂ થઈ ગયું હતુ.
વિપક્ષના સાંસદ તાબૂત કૌભાંડને લઇને કફન ચોર, ગાદી છોડના નારા લગાવી રહ્યા હતા. સેના લોહી રેડી રહી છે, સરકાર દલાલી ખાય છે જેવા નારાઓથી સંસદ ભવન ગુંજી રહ્યુ હતુ. વિપક્ષે સૂત્રોચ્ચાર કરીને રાજ્યસભા અને લોકસભામાં હંગામો મચાવ્યો હતો. ગૃહની કાર્યવાહી 45 મિનિટ માટે સ્થગિત કરવામાં આવી હતી.
વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી અને કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સંસદમાંથી ઘર તરફ જવા નીકળી ગયા હતા. જોકે, નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણી સહિત અન્ય સાંસદો સંસદમાં જ હાજર હતા. ત્યારબાદ સફેદ એમ્બેસેડર કારમાં જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તૈયબાના પાંચ આતંકવાદીઓ સંસદ ભવન સંકુલમાં ઘૂસ્યા. એક આતંકવાદીએ સંસદ ભવનના ગેટ પર બોમ્બથી પોતાની જાતને ઉડાવી દીધી. સંસદભવનમાં આત્મઘાતી હુમલો કર્યો.
ડ્રાઈવર શેખર ઉપરાષ્ટ્રપતિની રાહ જોઈ રહ્યા હતા
ઉપરાષ્ટ્રપતિના ડ્રાઈવર શેખર સંસદમાં રાજ્યસભાના ગેટ નંબર 11ની બહાર તેમના આગમનની રાહ જોઈ રહ્યા હતા. અચાનક ધડાકાનો અવાજ સાંભળતા જ શેખરની નજર બીજી તરફ જાય છે. તે કંઇ સમજી શક્યા ન હતા ત્યાં જ આતંકવાદીઓએ તેમની કારને જોરદાર ટક્કર મારી અંધાધુંધ ફાયરીંગ વચ્ચે શેખર પોતાનો જીવ બચાવતા કારની પાછળ છુપાઈ જાય છે. થોડા સમય બાદ ઉપરાષ્ટ્રપતિના સુરક્ષાકર્મીઓ ચાર્જ સંભાળે છે અને બંને તરફથી ગોળીબાર શરૂ થાય છે.
સંસદમાંથી જ અડવાણીજીએ વાજપેયીને ફોન લગાવ્યો
ગોળીબારનો અવાજ સાંભળીને અડવાણી સંસદ ભવન સ્થિત પોતાની ઓફિસમાંથી બહાર આવે છે, પરંતુ સુરક્ષાકર્મીઓ તેમને રોકે છે. હુમલાની માહિતી આપે છે. આ સાંભળીને અડવાણી તેમની ઓફિસમાં પાછા ફરે છે અને વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીને ફોન કરે છે. થોડી જ વારમાં સુરક્ષાકર્મીઓએ ઝડપથી સંસદ ભવનનાં દરવાજા બંધ કરી દીધા, જેના કારણે મોટો હુમલો ટળી ગયો.
જેનો ડર હતો તે જ થયું
જસવંત સિંહની ડાયરી ‘ઈન્ડિયા એટ રિસ્ક’માં લખે છે કે એ સમયે તેઓ સંસદના ગેટ નંબર 12થી 20 ફૂટ દૂર રૂમ નંબર 27માં તેમની ઓફિસમાં બેઠા હતા ફાઈલો જોતા હતા. ગોળીબારનો અવાજ સાંભળીને થયુ ભૂલથી ગોળી ચાલી છે એટલામાં તો વિસ્ફોટનો અવાજ પણ સંભળાયો હતો. રાઘવન દોડતો આવ્યો અને બોલ્યો, સાહેબ, આ શું છે? જસવંત સિંહનો જવાબ હતો જે વાતનો ડર હતો તે જ થયુ.
અંધાધૂંધ ગોળીબારથી અફરાતફરી મચી હતી લોકોની ચીંસો સંભળાતી હતી. પાંચ આતંકીઓ સહિત 14 લોકો માર્યા ગયા હતા. સંસદ ભવન પર થયેલા આ હુમલામાં સુરક્ષા દળોએ તમામ આતંકીઓને ઠાર કર્યા હતા. દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર, માર્યા ગયેલા આતંકવાદીઓમાં હૈદર ઉર્ફે તુફૈલ, મોહમ્મદ રાણા, રણવિજયનો સમાવેશ થાય છે.
આ સિવાય પ્રથમ કોન્સ્ટેબલ કમલેશ કુમારી યાદવ શહીદ થયા હતા. આ પછી સંસદના એક માળી, બે સુરક્ષાકર્મીઓ અને દિલ્હી પોલીસના છ જવાન પણ શહીદ થયા હતા. આ આતંકવાદી હુમલા પાછળ મોહમ્મદ અફઝલ ગુરુ, એસઆર ગિલાની અને શૌકત હુસૈન સહિત પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISIનો હાથ હતો. 12 વર્ષ બાદ 9 ફેબ્રુઆરી 2013ના રોજ અફઝલ ગુરુને ફાંસી આપવામાં આવી હતી.