ગુજરાતમાં સરકારને જાહેર સ્થળોએ મોલ- મલ્ટિપ્લેક્સ, હોટલ- હોસ્પિટલોના બોર્ડ ગુજરાતી ભાષામાં જ રેખાંકીત કરવા આદેશ કરવો પડી રહ્યો છે પરંતુ, પાડોશના પાકિસ્તાનમાં વર્ષોથી માદરી જૂબાનના અસ્તિત્વ માટે આંદોલન ચાલી રહ્યુ છે. જેની ફળશ્રતિને પરિમાણે પાકિસ્તાનની આર્થિક રાજધાની કરાચી શહેરની અનેક દુકાનો, હોટેલો અને ઈલેક્ટ્રોનિક સ્ટોર જેવા અનેક વ્યપારીક એકમોથી લઈને વિભાજન બાદ અહીંથી હિજરત કરનારા મુસ્લિમ જમાતોના સામાજીક સંસ્થાનોના બોર્ડ- બેનર્સ ફરી ગુજરાતી ભાષામાં દેખાઈ રહ્યા છે.
સિંધમાં માદરી જૂબાનના અસ્તિત્વ માટે જબરજસ્ત સંઘર્ષ
પાકિસ્તાનમાં વસ્તી ગણતરી કરતા નેશનલ ડેટાબેઝ એન્ડ રજિસ્ટ્રેશન ઓથોરિટી- NDRAએ વર્ષ 2017માં માતૃભાષાના ભાષાકીય કોલમમાંથી ‘ગુજરાતી’નું કોલમ હટાવી દિધા બાદ પાંચ વર્ષથી કરાંચી અને સિંધમાં માદરી જૂબાનના અસ્તિત્વ માટે જબરજસ્ત સંઘર્ષ ચાલી રહ્યો છે. ભારત બહાર અમેરિકા, યુ.કે., પછી સૌથી વધુ ગુજરાતી બોલાનારા પાડોશી દેશમાં માતૃભાષાને બચાવવા, ‘ગુજરાતી બચાવો તહેરિક’ના છત્ર આંદોલન ચાલી રહ્યુ છે. જેમાં હિન્દૂ, પારસી, વોરા, ખોજા, ઈસ્માઈલી, મેમણ, કચ્છી, ઘાંચી સહિતની જમાતો એટલે કે સમાજોના આગેવાનો સક્રિય છે.
સૈયદ અબ્દુલ રહેમાન સાથેની વાતચીતમાં કહ્યુ…
તહેરિકના આગેવાન 62 વર્ષના સૈયદ અબ્દુલ રહેમાન સાથેની વાતચીતમાં કહ્યુ કે, અહીં અમારી પેઢીના રહ્યાસહ્યા લોકો જ માદરી જબાન ગુજરાતી લખી-વાંચી જાણે છે. 1980ના દાયકા સુધી પાકિસ્તાનમાં જન્મેલા મૂળ ગુજરાતીઓ બોલી જાણે છે. તે પછીની પેઢી ભાષા ભૂલી ગઈ છે. કરાંચીના સોલ્જર બજારમાં ગણત્રા સ્કૂલમાં ગુજરાતીમાં શિક્ષણ બંધ થયા બાદ નવી પેઢીને માતૃભાષાની, ગુજરાતી સંસ્કૃતિ પ્રત્યે લગાવ વધતા હૈદર મેવાવાલા, સઈદ જીવા સહિતના યુવાનોએ અહીના ગોધરા, રણછોડપુરામાં સપ્તાહમાં એક દિવસ ઉર્દૂની સાથે ગુજરાતી ભણાવવા ક્લાસરૂમ ખોલ્યા છે.
વેપારીઓએ પોતાની દુકાનોના બોર્ડ ગુજરાતીમાં લગાવ્યા
બીજી તરફ વેપારીઓએ પોતાની દુકાનોના બોર્ડ ગુજરાતીમાં લગાવ્યા છે. તમને તાજ્જુબ થશે કે અહીના 21 લાખથી વધુ મુસ્લિમોના ઘરની સવાર ગુજરાતી ઉચ્ચારણો સાથે જ ઉઘડે છે. એક સમયે કરાંચીમાં વેપારની ભાષા ગુજરાતી હતી અને અમે તેને પુનઃસ્થાપિત કરવા આગળ વધી રહ્યા છીએ.
માતૃભાષા જ સીમાનું બંધન તોડશે ગુજરાતીઓને નજીક લાવશે :હૈદર
પાંચ વર્ષમાં અમે બજારોમાં ઉર્દુ- સિંધી સાથે ગુજરાતી ભાષામાં બોર્ડ, સંસ્થાઓના બેનર્સમાં સફળ રહ્યા છીએ. એક વર્ષથી 18 વર્ષથી નીચેના બાળકોને માતૃભાષા શિખવાડવાના વર્ગો શરૂ કર્યા છે. ગુજરાતી બચાવો અભિયાન ચલાવતા યુવાન હૈદર રસિદ મેવાવાલાએ જણાવ્યુ કે, અહીં પણ ગુજરાતી અખબાર વાંચય છે, મહોરમમાં ગુજરાતીમાં ફાતિયા ગવાય છે, ગુજરાતીપણુ, માતૃભાષા ભારત-પાકિસ્તાન વચ્ચે સીમાનું બંધન તોડશે અને સૌને નજીક લાવશે.