યૂક્રેન પર રશિયાના આક્રમણને 12 દિવસ થઈ ગયા છે. રશિયન સેનાની ક્રૂરતા દરેક પસાર થતા દિવસે વધી રહી છે. યૂક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકી સોશિયલ મીડિયા પર સતત સક્રિય છે, પરિસ્થિતિ વિશે માહિતી આપી રહ્યા છે તેમજ વિશ્વને તેમની મદદ માટે વિનંતી કરી રહ્યા છે. ઝેલેન્સકીની જેમ તેમની પત્ની અને યૂક્રેનની ફર્સ્ટ લેડી ઓલેના ઝેલેન્સ્કા પણ સોશિયલ મીડિયાને પોતાનું હથિયાર બનાવીને આ યુદ્ધ લડી રહી છે.
ઓલેનાએ એક ટેલિગ્રામ ચેનલ શરૂ કરી છે જ્યાંથી તે લોકોના સવાલોના જવાબ આપી રહી છે. ઓલેનાએ કહ્યું કે આજે લોકો તેને પૂછે છે કે યુદ્ધના સમયમાં પોતાને કેવી રીતે બચાવી શકાય? તેઓ યૂક્રેનને કેવી રીતે મદદ કરી શકે? આવા અનેક સવાલોના જવાબ આપવા માટે તેણે પોતાની ટેલિગ્રામ ચેનલ શરૂ કરી છે. ઓલેના ઇન્સ્ટાગ્રામ અને ટેલિગ્રામ પર પરિસ્થિતિ અને સરકારના નિર્ણયો વિશેની માહિતી શેર કરે છે. યુદ્ધમાં ઓલેના વિશે ચર્ચાઓ ત્યારે શરૂ થઈ જ્યારે ઝેલેન્સકીએ પોતે કહ્યું કે તેમનો પરિવાર દુશ્મનની હિટલિસ્ટમાં બીજા ક્રમે છે.
‘પુતિનની હકીકત દુનિયા સામે લાવો’
ઓલેનાએ એક વીડિયોમાં વિશ્વની પ્રથમ મહિલાઓને એક સંદેશ આપ્યો છે. તેમણે કહ્યું કે વિશ્વની પ્રથમ મહિલાઓ યૂક્રેનને મદદ કરવા માટે કહી રહી છે. પોતાના સંદેશમાં તેમણે લખ્યું, ‘મેં આ પ્રથમ મહિલાઓને કહ્યું છે કે વિશ્વને હકીકતથી વાકેફ કરાવે. તેઓએ વિશ્વને જણાવવું જોઈએ કે રશિયા યૂક્રેનમાં વિશેષ સૈન્ય અભિયાન ચલાવી રહ્યું નથી. પુતિનનો દાવો ખોટો છે. આની સામે અવાજ ઉઠાવો. આ યુદ્ધ સંપૂર્ણપણે રશિયા દ્વારા શરૂ કરવામાં આવ્યું છે.’
ઝેલેન્સકાએ આલાપ્યો પતિ જેવો જ રાગ
ઝેલેન્સકીને અમેરિકા દ્વારા દેશ છોડવાની ઓફર કરવામાં આવી હતી, જે તેમણે નકારી કાઢી હતી. ઓલેના પણ યૂક્રેન છોડવા તૈયાર નથી. તેણે કહ્યું કે અમારે અહીંથી બહાર નીકળવા માટે મદદની જરૂર નથી. અમને અમારા સૈનિકો અને સામાન્ય નાગરિકો માટે વિશ્વભરના સમર્થનની જરૂર છે. આ મદદ માત્ર શબ્દોમાં ન હોવી જોઈએ. ઝેલેન્સકી અને ઓલેનાના લગ્ન 2003 માં થયા હતા. ઝેલેન્સકીના પ્રખ્યાત શો ‘સર્વન્ટ ઓફ ધ પીપલ’ની સ્ક્રિપ્ટ ઓલેનાએ જ લખી હતી.