હવામાન વિભાગની આગાહીના પગલે રાજયમાં હજુ 2 દિવસ માવઠાની અસર રહેશે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. અચાનક પલટાયેલા મોસમના પગલે ખેડૂતોમાં ચિંતાનુ મોજુ જોવા મળી રહ્યું છે.
મોટાભાગના શહેરોનું મહત્તમ તાપમાન ગગડયું
અમદાવાદ સહિત રાજ્યના વિવિધ વિસ્તારોના વાતાવારણમાં અચાનક ભારે પલટો આવ્યાં છે. જેમાં મોટાભાગના શહેરો ભર શિયાળે હિલ સ્ટેશનમાં ફેરવાઈ ગયાં છે. અમદાવાદ શહેરમાં મહત્તમ તાપમાનનો પારો માત્ર 24 કલાકમાં જ 9 ડિગ્રી જેટલો ગગડતાં અચાનક જ ઠંડીનું જોર વધી ગયું છે. વહેલી સવારથી જ શહેરમાં કાળા ડીબાંગ વાદળો ઘેરાઈ ગયાં હતા. દિવસ દરમિયાન ઠંડા પવન વચ્ચે વરસાદી છાંટા પડતાં લોકો ઠૂંઠવાયા હતા. શિયાળાની શરૂઆત થઈ ત્યારથી અત્યાર સુધીમાં પહેલી વખતે ધોળા દિવસે લોકો ગરમ વસ્ત્રોમા લપેટાયેલા જોવા મળ્યાં હતાં. આજે રાજ્યના મોટાભાગના શહેરોનું મહત્તમ તાપમાન ગગડયું છે.
વિવિધ કઠોળ તેમજ શાકભાજીના પાકમાં નુકસાનીની ભીતિ
ઉલ્લેખનિય છે કે હવામાન ખાતાએ પ્રસિદ્વ કરેલી વિગતો પ્રમાણે, અમદાવાદ શહેરમાં મહત્તમ તાપમાન 22.2 ડિગ્રી નોંધાયુ હતુ. કમોસમી વરસાદ અને વાદળછાયા વાતાવરણના પગલે કેરી, વિવિધ કઠોળ તેમજ શાકભાજીના પાકમાં નુકસાનીની ભીતિ છે. કારણ કે, ભર શિયાળે બનેલા આ વરસાગી માહોલના કારણે ફળ, પાકમાં ઈયળ પડવાની શક્યતાઓ રહેલી છે. બીજી તરફ આંબા પર મોર ફૂટવાની હાલમા સિઝન ચાલી રહી છે. જેથી આંબાવાડીઓમાં ફૂટી રહેલ મોરવાઓમાં ઇયળ પડી જવાની શક્યતાથી ખેડૂતો ચિંતિત થઇ ગયા છે.
હાડ થિજાવતી ઠંડીના બદલે માવઠું
શિયાળાની ઋતુમાં હજુ હાડ થિજાવતી ઠંડી પડી નથી. લોકો કડકડતી ઠંડી પડે તેની રાહ જોઈ રહ્યાં હતા. ત્યાં આજે વાતાવરણમાં પલટો આવીને માવઠું થતા શહેરીજનોને સ્વેટરના બદલે રેઈનકોટ પહેરવાની ફરજ પડી હતી. જો કે ઘણાને મુંઝવણ થઈ હતી કે સ્વેટર પહેરવું કે રેઈનકોટ પહેરવો ? કેમકે વરસાદથી કપડાં ભીંજાતા હતા અને ઠંડી શરીર ધ્રુજાવતી હતી. અચાનક રસ્તા ભીના થવાના કારણે વાહનો સ્લીપ થવાની પણ અનેક ઘટના બની હતી.