ગુજરાત વિધાનસભા બજેટ સત્રનો આજે બીજો દિવસ છે. આજે ગુજરાત વિધાનસભામાં ભૂપેન્દ્ર પટેલ સરકાર દ્વારા બજેટ રજૂ કરાશે. પટેલ સરકારની બીજી ટર્મમાં સતત બીજીવાર નાણામંત્રી કનુભાઇ દેસાઈ બજેટ રજૂ કરશે. ત્યારે ભૂપેન્દ્ર પટેલની સરકારના બેજટ પર આજે સૌ કોઈની નજર રહેશે. ગત વર્ષના બજેટ કરતાં આ વખતના બજેટમાં 20% જેટલો વધારો થઇ શકે છે. ઐતિહાસિક જીત બાદ પટેલ સરકારનું પહેલું બજેટ રજૂ થવા જઇ રહ્યું છે ત્યારે પ્રજાની ઘણી આશા-અપેક્ષાઓ છે. સવારે 11.30 વાગ્યે બજેટ વિધાનસભા ગૃહમાં રજૂ કરાશે ત્યારે બજેટ સાથે જોડાયેલા તમામ અપડેટસ જાણવા માટે અહીં અમારી સાથે જોડાયેલા રહો.
ગુજરાતના વિકાસને આગળ વધારનારું બજેટ હશે: CM ભુપેન્દ્ર પટેલ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાણા મંત્રી કનુ દેસાઈ વિધાનસભા પહોંચ્યા. તેમની સાથે નાણા વિભાગના અધિકારીઓ પણ હાજર હતા. બજેટ અંગે મુખ્યમંત્રીએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે ગુજરાતના વિકાસને આગળ વધારનારું બજેટ હશે..પ્રજાના વિશ્વાસ પર ખરા ઉતરીશું. આ અમતકાળ અને આત્મનિર્ભર ભારતનું બજેટ હશે
આવતા પાંચ વર્ષના વિઝન સાથેનું બજેટ: કનુભાઇ દેસાઇ
અમૃતકાળમાં ભારતને વિકસિત દેશ બનાવવાનું સ્વપ્ન સેવ્યું છે તેને ગુજરાત રાજ્ય દ્વારા પાંચ વર્ષના વિઝન સાથેનું બજેટ તૈયાર કરાયું છે. ભવિષ્યમાં યુવાધનને કંઇ રીતે આગળ વધારી શકીએ તેને ધ્યાનમાં રાખીનું બજેટ નક્કી કરાયું છે તેમ નાણામંત્રી કનુદેસાઇએ કહ્યું.
આગામી પાંચ વર્ષનું વિઝન ડોક્યુમેન્ટ હશે: ઋષિકેશ પટેલ
બજેટ અંગે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું કે, આગામી 5 વર્ષનું વિઝન ડોક્યુમેન્ટ હશે. આજે તમામ વર્ગના લોકોને રાહત આપતુ બજેટ રજૂ થશે. તેમણે જણાવ્યું કે, આજનું બજેટ ખેડૂત, ખેત મજૂર, વેપારીને રાહત આપતું બજેટ હશે.
કનુભાઇ દેસાઇએ બજેટ રજૂ કરતાં પહેલાં ટ્વીટ કરી લખ્યું શુભ તિલકથી શુભ શરૂઆત…
બજેટના કદમાં 10થી20%નો વધારો થાય તેવી સંભાવના
આ વેળા બજેટનું કદ વિતેલા એક દાયકામાં સૌથી વધુ અર્થાંત 20 ટકા સુધીના વધારા સાથેનું બની રહેશે. જંત્રીમાં વધારાના નિર્ણય બાદ આવકમાં વૃદ્ધિ થતા વર્ષ 2023-24ની બજેટ સાઇઝ રૂપિયા 2.90 લાખ કરોડ આસપાસ રહેશે. જેનો ઉપયોગ રોજગાર અને અર્થતંત્રને ગતિ આપી શકે તેવી ઇન્ફ્રાસ્ટ્રકચર સેકટરમાં પરંતુ માનવ વિકાસ સૂચકાંક-HDI સંલગ્ન ક્ષેત્રોમાં સૌથી વધુ ભંડોળની ફાળવણી થશે. ગુજરાત બેજટના કદમાં ઉત્તરોતર વધારો થઈ રહ્યો છે. વર્ષ 2021-22માં ગુજરાતનું બજેટ 2.27 કરોડનું હતું. જે બાદ વર્ષ 2022-23માં 2.43 કરોડનું થયું હતું. ત્યારે આજે વર્ષ 2023-24નું બજેટ રજૂ થઈ રહ્યું છે. જેનું કદ 2.50 કરોડને વટાવી શકે છે. એટલે કહી શકાય કે આ વખતે બજેટના કદમાં 10થી 20 ટકાનો વધારો થઈ શકે છે.
બજેટમાં શું હોઇ શકે?
ગત વર્ષે ભાજપે ચૂંટણી ઢંઢેરામાં વનબંધુ 2.0માં ફંડ વધારવા, આદિવાસી બહુલ 14 જિલ્લામાં એર એમ્બ્યુલન્સની વ્યવસ્થા, 50 એસટી તાલુકામાં મોતીલાલ તેજાવત ઇન્કયુબેટર્સની સ્થાપના, કુંવરબાઇના મામેરાની સહાય વધારીને રૂ.25 હજાર કરવા, આંગણવાડીઓને આધુનિક બનાવવા મીનળ દેવી મિશન માટે રૂ.100 કરોડ ફાળવવા તેમજ પાંચ વર્ષમાં એક લાખ મહિલાઓને સરકારી નોકરીઓ આપવાની પણ જાહેરાત કરાઇ હતી. જેનું આયોજન આ બજેટમાં જોવા મળી શકે છે.
બજેટમાં સરકાર વેટમાં વધારો કરે તેવી શક્યતા
ભૂપેન્દ્ર પટેલ સરકાર દ્વારા ગત વખતે કરવેરાનો બોજો લાગુ કર્યા વગર બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત સરકારે ઈંધણ એટલે કે પેટ્રોલ-ડીઝલમાં પ્રતિ લિટર રૂપિયા 7ની રાહત આપવાની જાહેરાત કરી હતી. ચૂંટણીનું વર્ષ હોવાથી ચૂંટણીલક્ષી બજેટ રજૂ કરાયું હોવાનો વિપક્ષે આરોપ લગાવ્યો હતો. ત્યારે આ વખતના બજેટમાં સરકાર વેટમાં વધારો કરે તેવી શક્યતા છે.
પુરાંતવાળું બજેટ રજૂ કરવાનો ઇતિહાસ સર્જાશે
છેલ્લા 15 વર્ષથી ગુજરાત સરકાર પુરાંતવાળું બજેટ રજૂ કરે છે. નાણાંમત્રી તરીકે કનુ દેસાઈએ 668.09 કરોડનું પુરાંતવાળું બજેટ વર્ષ 2022-23માં રજૂ કર્યું હતું. ગત વર્ષે રજૂ કરાયેલા બજેટમાં એકપણ રૂપિયાનો ઓવરડ્રાફ્ટ લીધા વગર તમામ નાણાકીય જવાબદારીઓ પૂર્ણ કરી હતી. એ જ રીતે આ વર્ષે પણ પુરાંતવાળું બજેટ રજૂ કરવામાં આવશે અને 15 વર્ષથી પુરાંતવાળું બજેટ રજૂ કરવાનો ઇતિહાસ સર્જાશે.