જૂનાગઢના ઇવનગર ખાતે કાર્યરત થયેલો બાયોમિથેનેશન પ્લાન્ટમાંથી જૂનાગઢ મનપા હવે શહેરના ભીના કચરામાંથી સીએનજી ઉત્પન્ન કરવા સાથે તેનો સીટી બસમાં ઉપયોગ કરી કાર્બન ક્રેડિટનું સર્જન કરશે. અને તેના થકી વર્ષે 20 લાખ 25 હજારની કમાણી કરશે.
15 મેટ્રિક ટનની ક્ષમતાના બાયો મિથેનેશન પ્લાન્ટનું લોકાર્પણ કર્યું
તાજેતરમાં જૂનાગઢના ઇવનગર ખાતે મનપા દ્વારા રૂ. 4.69 કરોડના ખર્ચે તૈયાર થયેલા 15 મેટ્રિક ટનની ક્ષમતાના બાયો મિથેનેશન પ્લાન્ટનું લોકાર્પણ કર્યું હતું. વડાપ્રધાનના સ્વચ્છ ભારત મિશન અંતર્ગત મળેલી ગ્રાન્ટનામાંથી જૂનાગઢે રાજ્યમાં આ પહેલ કરી છે. આ સાથે તે કાર્બન ક્રેડિટની કમાણી કરનાર તે ગુજરાતની પ્રથમ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા બની ગઇ છે.
પ્લાન્ટ થકી રોજ 500 કિલો બાયો સીએનજી અને 1 ટન ખાતરનું ઉત્પાદન થશે
શહેરમાંથી રોજ 130 ટન કચરો હોટલ, રેસ્ટોરન્ટ, વાણિજ્યિક સંકુલો અને રહેણાંક વિસ્તારમાંથી એકઠો થાય છે. એ પૈકી 50 ટન કચરો ભીનો હોય છે. આ ભીના કચરામાં રસોડાનો એંઠવાડ, શાકભાજીનો અને બીજો ભીનો કચરો સામેલ હોય છે. હવે આ પ્લાન્ટ થકી રોજ 500 કિલો બાયો સીએનજી અને 1 ટન ખાતરનું ઉત્પાદન થશે. વળી કાર્બન ક્રેડિટ થકી જે કમાણી થશે એ જુદી. જૂનાગઢ મનપાને આ પ્લાન્ટ થકી યુનિવર્સલ કાર્બન રજીસ્ટ્રીની મંજૂરી મળી ગઇ છે. જે તેને ખુલ્લા બજારમાં વેચશે. આ પ્લાન્ટ સ્થાપવાની કામગીરી ગ્રામ વિકાસ ટ્રસ્ટ નામની સંસ્થાને સોંપાઇ છે. જે 5 વર્ષ સુધી પ્લાન્ટનું સંચાલન કરશે.
અંદાજે 9000 ક્રેડિટની ગણતરી કરતાં વર્ષે 20.25 લાખની કમાણી થશે
જો 2 ઘનમીટરનો બાયોગેસ પ્લાન્ટ હોય તો વર્ષે 3.5 કાર્બન ક્રેડિટ મળે. તેની સામે મનપાનો આ પ્લાન્ટ 1200 ઘનમીટરનો છે. જે મીથેનમાંથી સીએનજી બનાવશે. એમાંથી તેને 4000 કાર્બન ક્રેડિટ મળશે. અને સીએનજી સીટી બસ શરૂ થશે એમાંથી 4,500 કાર્બન ક્રેડિટ મળશે. અંદાજે 9000 ક્રેડિટની ગણતરી કરતાં વર્ષે 20.25 લાખની કમાણી થશે. મનપાને અત્યારે આ પ્લાન્ટમાંથી ગેસ ઉત્પન્ન કરવા 600 ટન કચરો જોઇશે. તેની પ્રોસેસ શરૂ થયા બાદ 1 મહિના પછી તેમાંથી બાયો સીએનજી ગેસ મળવા લાગશે. એટલે ગેસની બોટલો ભરવામાં આવશે. આમ, મનપા આ એજન્સી પાસેથી બજાર કરતાં કિલો દીઠ 2 રૂપિયા સસ્તો સીએનજી મેળવશે અને એમાંથી સીટી બસ ચલાવશે તેવું આયોજન કરવામાં આવી રહ્યું છે.