અમદાવાદમાં AMC સ્કૂલ બોર્ડ સંચાલિત કુબેરનગરની અંગ્રેજી માધ્યમની શાળામાં અભ્યાસ કરી ચૂકેલી વિદ્યાર્થીની યુયુષ્ટા ચાવડાએ અંગ્રેજીમાં કવિતાનું પુસ્તક લખ્યું છે. જેને એક ઓનલાઈન પ્લેટફેર્મે પબ્લિશ કર્યું છે. એટલે સરકારી સ્કૂલના વિધાર્થીઓને પણ તક મળે તો તેઓ પણ કોઈ પણ ક્ષેત્રમાં સફળતાનાં શિખર પાર કરી શકે તેનું ઉત્તમ ઉદાહરણ આ વિદ્યાર્થિની બની છે.
કુબેરનગર અંગ્રેજી શાળા નંબર-4 માં અભ્યાસ કરતી
હાલ આણંદમાં રહેતી અને ધોરણ.11માં અભ્યાસ કરતી યુયુષ્ટા ચાવડાએ UNFILTERED RUMINATIONS(અનફ્લ્ટિર્ડ રૂમીનેશન) નામની અંગ્રેજી કવિતાનું પુસ્તક માત્ર છ માસમાં તૈયાર કર્યું છે. જેને એક ઓનલાઈન પ્લેટફેર્મે પબ્લિશ કરીને વેચવા માટે મૂક્યું છે. યુયુષ્ટા ચાવડાએ આ અંગે જણાવ્યું હતું કે, મારા પિતાની નોકરીમાં સતત બદલી થતી હોવાથી અમારે એકથી બીજી જગ્યાએ રહેવા જવાનું થતું હતું. તે દરમિયાન વર્ષ 2018-19 માં AMC સ્કૂલ બોર્ડની કુબેરનગર અંગ્રેજી શાળા નંબર-4 માં અભ્યાસ કરતી હતી. ત્યારે મને નિબંધ અને કવિતા લખવાનો ખૂબ જ શોખ હતો. એટલે વિવિધ સ્પર્ધામાં ભાગ લેતી હતી.
પ્રોત્સાહ મળતા મેં કવિતાઓ લખવાનું શરૂ કરી દીધું
જેમાં શિક્ષકોની સાથે સાથે માતાપિતાનો પણ સપોર્ટ મળતો હતો. એટલે પ્રોત્સાહ મળતા મેં કવિતાઓ લખવાનું શરૂ કરી દીધું. દરમિયાન મારી કવિતાઓનું પુસ્તક બનાવાની ઈચ્છા થઈ. એટલે મારી કવિતાઓનું પુસ્તક પબ્લિશ કરવા ઓનલાઈન પ્લેટફેર્મમાં અરજી કરી હતી. જેને સ્વીકારીને ઓનલાઈન પ્લેટફેર્મે મારી કવિતાનું પુસ્તક પબ્લિશ કરી દીધું તેની ખૂબ જ ખુશી છે.
અમે સરકારી સ્કૂલમાં દીકરીને અભ્યાસ માટે મૂકી
યુયુષ્ટાની માતા વિનુબેને જણાવ્યું હતું કે , અમારી આર્થિક પરિસ્થિતિ સારી હોવા છતાં અમે સરકારી સ્કૂલમાં દીકરીને અભ્યાસ માટે મૂકી હતી. વાલી તરીકે મારુ માનવું છે કે સરકારી સ્કૂલમાં પણ અભ્યાસ સારો જ કરાવે છે. પરંતુ શાળાના શિક્ષકો અને વિધાર્થીઓને લોકો તરફ્થી પ્રોત્સાહન મળતું નથી. લોકોએ સરકારી સ્કૂલોને પ્રોત્સાહન આપવાની સાથે બાળકોને અભ્યાસ કરવા માટે મૂકવા જોઈએ.
‘સરકારી સ્કૂલમાં ભણતા બાળકોનો પ્રોગ્રેસ રિપોર્ટ જવું જોઈએ’
કુબેરનગર અંગ્રેજી શાળા નંબર-4 ના તત્કાલીન આચાર્ય ઈરફાન શેખે જણાવ્યું હતું કે,યુયુષ્ટા જ્યારે અમારી શાળામાં અભ્યાસ કરતી ત્યારે નિબંધ સ્પર્ધા, કાવ્યલેખન કે કાવ્ય પઠન હોય તમામ સ્પર્ધામાં તે શાળાકક્ષાથી ઝોન લેવલ સુધી પ્રથમ ક્રમે સફ્ળતા હાંસલ કરતી હતી. એટલે તેના વાલીને દીકરીની આ ખૂબી વિશે જણાવીને તેમાં પ્રોત્સાહન આપવા કહેલું. તેને સ્વીકારી વાલીએ પણ દીકરીને તે દિશામાં આગળ વધવા હિંમત આપી.તેના પરિણામે આજે તેનું પુસ્તક પબ્લિશ થયું છે. મારી વાલીઓને એક જ અપીલ છે કે, તેઓ પણ સરકારી સ્કૂલમાં ભણતા તેમના બાળકોનો પ્રોગ્રેસ રિપોર્ટ જોવા શાળામાં નિયમિત જાય. જેમાં તેમના બાળકને કઈ પ્રવૃત્તિમાં રસ છે તે જાણીને તેમાં આગળ વધવા તેને મદદ કરે. તો સરકારી સ્કૂલના વિદ્યાર્થીઓ પણ ચોક્કસ વિવિધ ક્ષેત્રમાં આગળ વધશે.