વેપાર-ઉદ્યોગ તથા રોજબરોજના જીવનમાં ડિજિટલ ટ્રાન્ઝેક્શન અને ઇન્ટરનેટનું વર્ચસ્વ સતત વધી રહ્યું છે ત્યારે સાયબર ક્રાઇમ કે ઑનલાઇન ફ્રોડની ઘટનાઓમાં પણ વધારો થયો છે. ગુજરાતમાં નાના-મોટા મળીને અંદાજે પાંચેક લાખ ઔદ્યોગિક એકમો આવેલા છે, જેમાંથી માત્ર 15 ટકાથી પણ ઓછી કંપનીઓ સાયબર સિક્યોરિટીનો ઉપયોગ કરી રહી છે. વૈશ્વિક સ્તરે વધી રહેતા સાયબર ક્રાઇમને કારણે સાયબર સિક્યોરિટી નવી ઇન્ડસ્ટ્રીઝ તરીકે ઊભરી આવી છે. દેશભરમાં સાયબર સિક્યોરિટીનું માર્કેટ વાર્ષિક ધોરણે 1.5 લાખ કરોડને આંબી ગયું છે, જ્યારે ગુજરાતનું માર્કેટ 7500 કરોડનું છે. ઇન્ડસ્ટ્રીઝનો ગ્રોથ વાર્ષિક ધોરણે 25 ટકાથી વધુ થઇ રહ્યો છે.
સાયબર ફ્રોડથી મોટા પ્રમાણમાં નુકસાન
બિઝનેસમાં વેલ્થ ક્રિએટ કરવા અને વેપાર જાળવી રાખવા માટે સાયબર સુરક્ષા અનિવાર્ય બની રહી છે. વૈશ્વિક સ્તરે કોર્પોરેટ-બિઝનેસમાં સાયબર ફ્રોડની સંખ્યા સતત વધી રહી છે. વૈશ્વિક સ્તરે દર વર્ષે 6 ટ્રિલિયન ડોલરથી વધુ સાયબર ફ્રોડના કારણે નુકસાન થઇ રહ્યું છે. દેશમાં પણ સરેરાશ વાર્ષિક ધોરણે 25000 કરોડથી વધુનું સાયબર ફ્રોડના કારણે નુકસાન થઇ રહ્યું હોવાનો અંદાજ છે. આ સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. ગુજરાતમાં અંદાજે 15 ટકાથી વધુ કોર્પોરેટ તથા બિઝનેસ-ઇન્ડસ્ટ્રીઝમાં સાયબર ફ્રોડના કિસ્સા જોવા મળી રહ્યાં છે.
ડિજિટલ ટ્રાન્ઝેક્શનમાં છેતરપિંડીના કેસ વધ્યા
સાયબર ફ્રોડમાં ટોચના સ્થાને મહારાષ્ટ્ર અને દિલ્હી છે ગુજરાત ત્રીજા ક્રમે છે. ગુજરાતમાં દૈનિક ધોરણે 500થી વધુ સાયબર ફ્રોડ થઇ રહ્યાં છે જેમાંથી માત્ર 40-50 કેસની જ નોંધણી થઇ રહી છે. સરકાર દ્વારા પણ સાયબર ફ્રોડ અટકાવવા માટે જાગૃતિ અભિયાન ચાલી રહ્યાં છે પરંતુ જ્યાં સુધી સેલ્ફ અવેરનેસ નહીં આવે ત્યાં સુધી સાઈબર ફ્રોડનો ભોગ બનતા રહેવું પડશે. ગુજરાતની લાર્જસ્કેલની અનેક કંપનીઓ સાયબર ફ્રોડથી બચવા માટે સિક્યોરિટીનો સહારો લઇ રહી છે. સ્મોલ સ્કેલની 15-20 ટકા કંપનીઓ પણ સિક્યોરિટીની મદદ લેવા માંડી છે. ટેક્નોલોજીનો સદ્ઉપયોગ થવા સામે દુરુપયોગ પણ ઝડપી થઇ રહ્યો છે. આફ્ટર નાઇન્સ ઇન્ક.ના અહેવાલ મુજબ ડિજિટલ ટ્રાન્ઝેક્શનમાં છેતરપિંડીના બનાવો 28 ટકા વધ્યા છે.
સોશિયલ મીડિયાથી મોટે પાયે ફ્રોડ
દેશના લોજિસ્ટિક્સ સેક્ટરમાં ડિજિટલ ફ્રોડ 224 ટકા વધ્યા છે, જ્યારે ટેલિકોમમાં 200 ટકા, નાણાકીય સેવાઓમાં 89.49 ટકા વૃદ્ધિ જોવા મળી છે. ઉલ્લેખનીય છે કે ઈન્શ્યોરન્સ, રિટેલ, ગેમિંગ, ટ્રાવેલ, અને લેઝ્યુર સેગમેન્ટમાં સાયબર ક્રાઈમનું પ્રમાણ ઘટ્યું છે. તાજેતરમાં અમેરિકા તથા ઇરાન અને અન્ય દેશોમાં સાયબર ફ્રોડ મોટા પાયે થવા લાગ્યા છે. સાયબર ફ્રોડને અટકાવવા માટે વૈશ્વિક સ્તરે અનેક કંપનીઓ સતત પ્રયત્નો કરી રહી છે. સાયબર ફ્રોડ કરનાર હવે સોશિયલ મિડિયા પર સતત સક્રિય બન્યા છે. ફૂડ તેમજ હોમ એપ્લાયન્સિસ જેવી અનેક પ્રોડક્ટ પર 80-90 ટકા સુધી છૂટની લોભામણી ઓફર રજૂ કરી ગ્રાહકોની બેન્ક ડિટેઇલ માગી ફ્રોડ કરી રહ્યા છે. ગુજરાતમાં આવા પ્રકારના ફ્રોડના કિસ્સામાં સતત વધારો થઇ રહ્યો છે.
વિવિધ સેક્ટરમાં સાયબર સિક્યોરિટીનું પ્રમાણ
સેક્ટર | અમલ |
ડિજિટલ ક્ષેત્રે | 15-18% |
લોજિસ્ટિક્સ | 10-12% |
ટેલિકોમ | 15-17% |
ફાઇ. સર્વિસ | 30-35% |
મેન્યુફેક્ચરિંગ | 5-7% |
કોર્પોરેટ ક્ષેત્ર | 13-15% |
ફાર્મા | 50-60% |
ડેટા ચોરીથી થતું નુકસાન
દેશ | 2020 | 2021 |
ભારત | 2 | 2.21 |
અમેરિકા | 8.64 | 9.05 |
કેનેડા | 4.5 | 5.4 |
સાયબર સિક્યોરિટી બિઝનેસનો વાર્ષિક 20-25% ગ્રોથ
ટેક્નોલોજીનો વ્યાપ વધી રહ્યો છે તેની સાથે-સાથે સાયબર ફ્રોડ પણ વધી રહ્યાં છે. કંપનીઓએ હવે વેપાર વૃદ્ધિની સાથે સલામત વેપારને પ્રાધાન્ય આપવું પડશે. સાયબર ઇન્ડસ્ટ્રીઝનો ગ્રોથ વાર્ષિક ધોરણે 20-25 ટકા રહ્યો છે 2025 સુધીમાં અમારી કંપની પાંચ ગણી વિકસિત થશે. ગુજરાતમાં 10-15 ટકા ઉદ્યોગકારો જ હજુ સાયબર સિક્યોરિટીનો ઉપયોગ કરી રહ્યાં છે. -જયદીપ રૂપારેલિયા, કો-ફાઇન્ડર-સીઈઓ-ઈન્ફોપર્સેપ્ટ કન્સલ્ટીંગ
ઇન્ટનેટ સાથે જોડાયેલી તમામ ઇન્ડસ્ટ્રીઝ માટે સિક્યોરિટી જરૂરી
દેશની ઓર્ગેનાઇઝ્ડ કે અનઓર્ગેનાઇઝ્ડ 70 ટકા ઇન્ડસ્ટ્રીઝ ઇન્ટરનેટ કનેક્ટિવિટી સાથે જાડાયેલ છે. આવી કંપનીઓ માટે ડેટા ચોરી અથવા સાયબર ફ્રોડનો ભય વધી રહ્યો છે. વેપારને વેગ આપવા સાથે વેપારને જાળવી રાખવો પણ એટલો જ મહત્વનો ભાગ ભજવે છે તેના માટે સાયબર સિક્યોરીટી કંપની માટે પહેલી પસંદ હોવી જોઇએ. -સ્નેહલ વકિલ, એડવોકેટ- સાયબર સિક્યોરિટી એક્સપર્ટ.
કંપનીઓ માટે તેનો ડેટા જ તેની વેલ્થ, ગુજરાતમાં હજુ ઓછી અવેરનેસ
ઉદ્યોગકારો અત્યારસુધી વેપાર કેમ વધારવો અને વધુમાં વધુ નફો કેમ મેળવવો તેના પર જ ધ્યાન આપતા હતા, પરંતુ હવે એનાથી પૂરતું નથી ટેક્નોલોજીના યુગમાં કંપનીનો ડેટા ચોરી ન થાય એ માટે કાળજી રાખવી જરૂરી છે. અત્યારના સમયમાં કંપની માટે તેનો ડેટા જ એની વેલ્થ છે. ગુજરાતીની કંપનીઓમાં આ બાબતે હજુ ઓછી અવેરનેસ છે. -ગણપત ધામેલિયા, સીઇઓ- આશ્વી કન્સલટન્ટ સર્વિસ.