રાજકોટમાં LRD અને PSIની ભરતીમાં લાલચ આપી ઉમેદવારો સાથે છેતરપીંડી કરવાનું કૌભાંડ સામે આવ્યું છે. જેમાં આરોપી ક્રિષ્ના ભરડવાએ BOBના ગનમેન તરીકે ફરજ બજાવતા હારૂનભાઈ મારફતે ઉમેદવારોનો સંપર્ક કર્યો હતો. તથા આરોપી ક્રિષ્ના ભરડવાએ ઉમિયા ચોકમાં આવેલ ગેલેલીયો હોટેલમાં ઓફિસ રાખી હોવાની ચર્ચા છે.
ઓનલાઇન પરિણામમાં ફેઈલ થતા પોલીસનો સંપર્ક કર્યો
ઉલ્લેખનિય છે કે ત્રણ યુવતી સહિત 12 ઉમેદવારો પાસેથી પોલીસ ભરતીના નામે રૂપિયા ખંખેર્યા હતા. તથા નાણાં આપનાર ઉમેદવારો ઓનલાઇન પરિણામમાં ફેઈલ થતા પોલીસનો સંપર્ક કર્યો હતો. જેમાં રાજકોટ ગાંધીગ્રામ પોલીસે સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો.
જાણો સમગ્ર મામલા વિશે:
રાજયમાં પોલીસ ભરતીના નામે કેન્દ્રીય મંત્રીની ભત્રીજી હોવાનો રોફ જમાવી પીએસઆઈની પરીક્ષાના ઉમેદવારો પાસેથી લાખો રૂપિયા પડાવતી બંટી-બબલીને પોલીસે ઝડપી લેતા ચકચાર મચી ગઈ છે.
આ અંગે ફરિયાદીના જણાવ્યા પ્રમાણે આરોપીઓએ પોલીસ ખાતામાં મોટી ઓળખાણ હોવાનું કહી ફિઝિકલ અને લેખિત પરીક્ષા આપ્યા વિના જ સીધો જોઈનિંગ કોલ લેટર અપાવી દઈશું તેમ જણાવ્યું હતું. આરોપીઓએ 10 લોકો પાસેથી 1.10 લાખ અને અન્ય બે ઉમેદવાર પાસેથી ચાર લાખ એમ કુલ 12 લોકો પાસેથી 15 લાખ પડાવ્યા હતા. જોકે ગઈ કાલે પીએસઆઈના જાહેર થયેલા પરિણામમાં નંબર ન આવતા પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું જણાતા બે ઉમેદવારોએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસ તપાસમાં હજુ અન્ય ઘણા ઉમેદવારો સાથે છેતરપિંડી થઈ હોવાનું બહાર આવે તેવી શક્યતા સેવાઈ રહી છે.
છેલ્લા એક માસથી રાજકોટ, જૂનાગઢ, પોરબંદર સહિત સૌરાષ્ટ્રભરમાં જાળ બીછાવી પીએસઆઈની પરીક્ષાના ઉમેદવારોને સિલેકટ કરી દેવાના બહાને લાખો રૂપિયા પડાવતા હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવતા પોલીસે કોવિડ ટેસ્ટ બાદ બંનેની ધરપકડ કરવાની કાર્યવાહી કર્યા બાદ આ કૌભાંડમાં વધુ કેટલા શખ્સોની સંડોવણી છે તે સહિતની પૂછપરછ કરશે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, કાલાવડ રોડ પર અલગ-અલગ રેસ્ટોરાંમાં પોલીસ ભરતીના ઉમેદવારોને બોલાવી પોતે કેન્દ્રીય મંત્રીની ભત્રીજી હોવાનું નામ આપી બે ડઝન જેટલા ઉમેદવારો પાસેથી લાખો રૂપિયા ઉઘરાવી બંટી-બબલી નાસી ગયાની જાણ ગાંધીગ્રામ પોલીસને ફરિયાદના આધારે થઈ હતી.
પોલીસે અલગ-અલગ ટીમો બનાવી જાળ બીછાવી ક્રિષ્ના ભરડવા અને જેનિસ પરસાણાને ઝડપી લઈ વિશેષ પૂછપરછ કરી હતી. છેલ્લા એક માસ દરમિયાન બંટી-બબલીએ સૌરાષ્ટ્રભરમાં જાળ બીછાવી મોટાભાગે ગ્રામ્યના ઉમેદવારોને શિકાર બનાવતા હતાં ક્રિષ્ના મૂળ કેન્યાની અને કેટલાક સમય પહેલા છૂટાછેડા થઈ જતા રાજકોટ, જૂનાગઢ, અમદાવાદ સહિતના શહેરોમાં અલગ-અલગ સ્થળે રહેતી હોવાની રટણ કર્યુ હતું.