કાશ્મીર મુદ્દે હ્યુન્ડાઈ પાકિસ્તાન ઓફિશિયલ ટ્વીટર હેન્ડલ પરથી કાશ્મીર માટે લડત ચલાવતા અને બલિદાન આપનાર ભાઈઓને અમારો સપોર્ટ છે તેવું ટ્વીટ કરવામાં આવતા દેશમાં તેમજ ગુજરાતમાં તેનો ઠેર ઠેર વિરોધ થયો હતો. ગુજરાત બંજરગદળના અગ્રણીઓ અને વડોદરાના પોલીસ કમિશનર આઈપીએસ શમશેરસિંગે પણ લોકોને હ્યુન્ડાઈ કંપનીનો બહિષ્કાર કરવાની અપીલ કરી હતી. આ મામલે ભારત તરફી સોશિયલ મીડિયા યુઝર્સે હ્યુન્ડાઈ કંપનીને કાશ્મીર મુદ્દે ભારતની તરફેણ કરતું ટ્વીટ કરવા માંગ કરી છે. સમગ્ર દેશમાંથી વિવાદ થતાં વિદેશી કાર કંપનીએ પોતાના હ્યુન્ડાઈ પાકીસ્તાન ઓફિસિયલ નામના ટ્વીટર એકાઉન્ટ પરથી આ ટ્વીટ હટાવી દીધું પણ વિવાદ શમવાનું નામ નથી લેતો.
બજરંગદળના અગ્રણીએ આ મામલે હ્યુન્ડાઈ ઈન્ડિયાના મેનેજરને ફોન કરી કંપનીના વાહનોનો બોયકોટ કરવાની ચીમકી ઉચ્ચારી કહ્યુ હતું કે, શહીદ જવાનો અને કાશ્મીરી પંડિતોના બલીદાનના અપમાનને બજરંગદળ સાંખી નહી લે. બજરંગદળે માગ કરી છે કે, હ્યુન્ડાઈ ઈન્ડિયા પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર સ્પષ્ટ કરે કે જમ્મુ કાશ્મીર ભારતનો અભિન્ન ભાગ છે, નહી તો બજરંગદળના વિરોધનો સામનો કરવા તૈયાર રહે. કાશ્મીર એ વ્યાપારી મુદ્દો નથી પણ ભારતમાતાનું મસ્તક અને તમામ ભારતીયોનું ગૌરવ છે. દેશભક્ત હિન્દુ સમાજ વિદેશી કંપનીની આ બે ધારી તલવાર જેવી નીતિ ચલાવી નહિ લે.
આ ટ્વીટને પગલે સમગ્ર ભારતમાં હોબાળો મચ્યો સાથે સાથે આઈએએસ અને આઈપીએસ અધિકારીઓ પણ સોશિયલ મીડિયા પર કાર કંપનીનો બહીષ્કાર કરવાની અપીલ કરવા લાગ્યા હતા. ગુજરાતમાં વડોદરા પોલીસ કમિશનર શમશેરસિંગે પણ બોયકોટ હ્યુન્ડાઈનું ટ્વીટ કરી પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો.