આગામી દિવસોમાં ગુજરાતવાસીઓએ હેલ્મેટ ફરજીયાત પહેરવું પડશે. જેમાં આગામી મહિનામાં નવી ટ્રાફિક પોલીસી સરકાર જાહેર કરી શકે છે. તેમાં શહેરી વિસ્તારોમાં પણ ફરજીયાત હેલમેટ પહેરવા પડશે. તથા નિયમોના ભંગ બદલ સીધા ઘરે જ પહોચ આવશે. તેમજ બોડિવોર્ન કેમેરા સાથે સિગ્નલ પર પોલીસ/ટ્રાફિક પોલીસ રહેશે.
35% કેસોમા હેલ્મેટ ન પહેરવાથી અકસ્માતમાં મોત થાય છે
ઉલ્લેખનીય છે કે 35% કેસોમા હેલ્મેટ ન પહેરવાથી અકસ્માતમાં મોત થાય છે. શહેરી વિસ્તારોમાં રોંગ સાઈડ ટ્રાફિક પર પણ એક્શન લેવાશે. તેમાં ગૃહ વિભાગ નવી ગાઈડલાઈન તૈયાર કરી રહ્યુ છે. ભારતમાં 1લી સપ્ટેમ્બર 2019થી નવા મોટર વ્હિકલ્સ એક્ટ-2019નું અમલીકરણ શરૂ થયું હતું. જેમાં દર્શાવેલા નિયમભંગ બદલ નાણાંકીય દંડ સહિતની અન્ય કડક જોગવાઇઓ સામે પ્રજા દ્વારા ઉગ્ર વિરોધ પણ કરવામાં આવ્યો હતો. જો કે આ નવો મોટર વ્હિકલ એક્ટ સરકાર માટે હવે આવકનું મોટું સાધન બન્યું હોય તેવું લાગી રહ્યું છે.
જાણો અગાઉ ગુજરાતમાં હેલમેટનો કેવો હતો કાયદો
ગુજરાતમાં ટુ વ્હીલર વાહન ચાલકો માટે હેલ્મેટ પહેરવું ફરજીયાત છે. ખાસ કરીને વાહન ચલાવનાર સાથે પાછળ ટુ વ્હીલર પર જો કોઈ પુરૂષ હોય તો તેણે પણ હેલ્મેટ પહેરવું ફરજિયાત હતું. જો કે વિભાગ દ્વારા મહિલાઓ અને 12 વર્ષથી નાના બાળકોને આ જોગવાઈમાં છૂટછાટ આપવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટ દ્વારા વાહન વ્યવહારના નીતિ નિયમોમાં ફેરફાર કરવાના આદેશ બાદ મોડે મોડે ગુજરાત સરકારના વાહન વ્યવહાર વિભાગ દ્વારા નવું નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. નવા નોટિફિકેશનમાં જણાવવામાં આવ્યું છે કે, ગુજરાત મોટર વાહન નિયમો 1989ના નિયમ 193માં ગુજરાત રાજ્યમાં હેલ્મેટ પહેરવા અંગે જરૂરી જોગવાઈઓ કરવામાં આવી છે. જો કે આ નિયમમાં બીજા પ્રોવાઈઝમાં પાછળ બેસનાર સ્ત્રી, 12 વર્ષથી નીચેની ઉંમરના બાળકો તથા 50 સીસીથી ઓછું એન્જિન ક્ષમતા ધરાવતા દ્વિ-ચક્રીય વાહનોના ચાલકોને હેલ્મેટ પહેરવામાંથી મુક્તિ આપવામાં આવી હતી.