દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે એક પાકિસ્તાની આતંકવાદીની ધરપકડ કરી છે. આ આતંકવાદી રાજધાનીમા આતંક ફેલાવવાના પ્રયાસમાં હતો. આતંકવાદી પાસેથી સ્પેશિયલ સેલે એકે -47 અને હેન્ડ ગ્રેનેડ પણ જપ્ત કર્યા છે. આ આતંકવાદી પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા ISI દ્વારા ભારત પર હુમલો કરવા માટે તૈયાર કરાયો હતો. આતંકીની ધરપકડ કરી પૂછપરછ કરવામાં આવી છે.
દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે જણાવ્યું કે, સોમવારે રાત્રે 9.20 વાગ્યે મોહમ્મદ અશરફ ઉર્ફે અલી નામના પાકિસ્તાની વ્યક્તિની દિલ્હીથી ધરપકડ કરવામાં આવી હતી. લક્ષ્મી નગર વિસ્તારમાંથી આ આતંકીની ધરપકડ કરવામાં આવી છે. મોહમ્મદ અશરફ પાકિસ્તાનના પંજાબ પ્રાંતના નારોવાલ જિલ્લાનો રહેવાસી છે.
મોહમ્મદ અશરફ ભારતીય નાગરિક તરીકે ઓળખ આપી રહતો હતો. આ માટે તેણે પોતાનું નકલી નામ મોહમ્મદ નૂરી રાખ્યું હતું અને નકલી આઈડી કાર્ડ મેળવ્યું હતું. તે દિલ્હીના શાસ્ત્રી નગરમાં આરામ પાર્ક વિસ્તારમાં એક મકાનમાં રહેતો હતો. તેણે ભારતીય આઈડી કાર્ડ બનાવવા માટે નકલી દસ્તાવેજોનો ઉપયોગ કર્યો હતો.
સ્પેશિયલ સેલે તેની પાસેથી એક હેન્ડબેગ, બે મોબાઈલ ફોન જપ્ત કર્યા હતા. આરોપીના સ્થળ પર, કાલિંદી કુંજના યમુના ઘાટ નજીકથી એક વધારાની મેગેઝિન સાથે એકે -47, હેન્ડ ગ્રેનેડ, 50 રાઉન્ડની બે પિસ્તોલ પણ મળી આવી છે. દિલ્હીના તુર્કમેન વિસ્તારમાં તે રહે છે જ્યાં ભારતીય પાસપોર્ટ પણ જપ્ત કરવામાં આવ્યો છે.
આરોપી મોહમ્મદ અશરફ ઉર્ફે અલી વિરુદ્ધ યુએપીએ, વિસ્ફોટક ધારા, આર્મ્સ એક્ટ સહિતની કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. મોહમ્મદ અશરફના લક્ષ્મી નગરના રમેશ પાર્કના ઠેકાણાઓ પર પણ શોધખોળ હાથ ધરવામાં આવી છે. હાલ આરોપીની ધરપકડ કરી પૂછપરછ કરવામાં આવી રહી છે.